અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
ઘરમાં ધુમાડો હતો અને ત્રણેય લાશ પડી હતી
ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધૂમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયરબ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે. મૃતક જયેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.
ફાયરને 5 વાગ્યાના સુમારે ફોન ગયો
મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયરબ્રિગેડને આજે વહેલી સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગી છે, જેથી ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી, જેને ફાયર બ્રિગેડ એ બૂઝાવી હતી, જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જયેશભાઈ વાઘેલા તેમના પત્ની હંસાબેન વાઘેલા અને દીકરા રેહાન વાઘેલા સાથે આ મકાનમાં રહેતા હતા અને વહેલી સવારે કોઈ કારણોસર ઘરમાં આગ લાગી હતી અને રૂમમાં ફેલાઈ ગઈ હતી.
ત્રણેયને બહાર નીકળવાનો મોકો ન મળ્યો
જયેશભાઈ અને તેમનો પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતો ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો થઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં. ત્રણે લોકોને ઘરની બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ આગમાં મૃત્યુ પામ્યા હતા.
31 ડિસેમ્બરે નારણપુરાની મોદી આઇ કેરમાં લાગેલી આગમાં બેનાં મોત
31 ડિસેમ્બરે સવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઇ કેર નામની હોસ્પિટલમાં આગ લાગી હતી. મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારાં પતિ-પત્નીનાં મોત થયાં છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારગી (ઉં.વ 25) અને તેમનાં પત્ની હર્ષાબેન પારગી (ઉં.વ.24)નું ગૂંગળામણથી મોત થયું હતું. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
હોસ્પિટલ દિવસે ચાલુ અને રાત્રે બંધ રહેતીરાતે કે સવારે આગ લાગ્યાની શક્યતા મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલના માલિક ડો. ધવલ મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મોડી રાત્રે અથવા તો વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલ માત્ર ડે કેર હોસ્પિટલ છે. માત્ર દિવસ દરમિયાન જ હોસ્પિટલ કાર્યરત રહે છે. રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર સિક્યોરિટી ગાર્ડ તરીકે નરેશભાઈ અને તેમનાં પત્ની જ અહીં રહેતાં હતાં. સવારના સમયે જ્યારે સિક્યોરિટી ગાર્ડ તરીકે રહેતા નરેશભાઈને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહોતો, જેથી હોસ્પિટલનો સ્ટાફની વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે તેમને કંઈક અજુગતું બન્યું હોવાનું જાણ થઈ હતી. જેથી તેમણે ઉપર પહેલા માળે બારી તોડી અને અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે આગ લાગી હોવાની જાણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.