કાર્યવાહી:ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ફાયરબ્રિગેડ એક્શનમાં, અમદાવાદની શાળાઓ, હોસ્પિટલો અને બિલ્ડીંગમાં NOCની તપાસ શરૂ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
ફાયર NOC ચેક કરી રહેલા અધિકારી
  • ફાયર NOC ન ધરાવતી બિલ્ડિંગોને ફાયર સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી શરૂ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા બીયુ પરમિશન અને ફાયર સેફટી વગરની બિલ્ડીંગ સામે કડક કાર્યવાહી કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને ટકોર કરી હતી. જેને પગલે આજે અમદાવાદ શહેરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (ફાયરબ્રિગેડ) દ્વારા શહેરમાં આવેલી વિવિધ શાળાઓ, હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર NOCની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફાયર NOC ન ધરાવતી બિલ્ડિંગોને ફાયર સેફ્ટી એક્ટ હેઠળ નોટિસ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાનું ફાયર વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું છે.

219 બિલ્ડીંગોને નોટિસ અપાઈ
આજે ફાયર વિભાગ દ્વારા શહેરમાં 219 જેટલી બિલ્ડીંગોને ફાયર NOC ન હોવાના કારણે નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ચેકિંગની આ કાર્યવાહી ચાલુ રહેશે. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફાયર NOC ન મેળવનાર એકમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બિલ્ડીંગનો પ્રકારઆજે અપાયેલી નોટિસની સંખ્યા
સ્કૂલ40
હોસ્પિટલ78
કોમર્શિયલ બિલ્ડીંગ્સ101
કુલ219

​​​​​​​3 દિવસ પહેલા જ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી

નોંધનીય છે કે, 3 દિવસ પહેલા જ ગુજરાતમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં અરજદારે રજૂઆત કરી હતી કે 15 મીટર સુધીની ફેક્ટરીઓને ફાયર સેફ્ટી NOC લેવાની જરૂરિયાત નહીં હોવાનું સરકારનું વલણ નેશનલ બિલ્ડિંગ કોડથી વિપરીત છે. કોર્ટે એડવોકેટ જનરલને સીધો સવાલ કર્યો હતો કે જે ઈમારતો પાસે ફાયર NOC કે BU નથી એમની સામે શું પગલાં લઈ રહ્યાં છો, જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેશો?

ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ અપાઈ
ફાયર NOC ન ધરાવતી બિલ્ડીંગોને નોટિસ અપાઈ

એડવોકેટ જનરલઃ આવી ઈમારતોના વીજળી, પાણી અને ગટરના કનેક્શન કાપવાનાં પગલાં લેવા સુધીની તૈયારી છે. BU ના હોય એવાં બિલ્ડિંગ તોડી પાડવાં કે સીલ કરવાં પડે.

હાઈકોર્ટ: BU ના હોય તો ફાયર NOC આપવાનો શું અર્થ? ઠોસ પગલાં લેવાની જરૂર છે.

AMC: હાલની આ સ્થિતિ અમારા કારણે ઊભી થઈ.

હાઈકોર્ટઃ ટાઈમ ફ્રેમ નક્કી કરીને ઠોસ પગલાં લેવાનું શરૂ કરો. આ બાબતનો નિકાલ લાવો. 10 વર્ષ પછી પણ આવી જ પરિસ્થિતિ ન થાય એટલે હાલ આની વ્યવસ્થા કરો.

છેલ્લાં 20 વર્ષથી તમે શું કર્યું?
હાઇકોર્ટે અગાઉની સુનાવણીમાં સરકારને કહ્યું હતું કે, છેલ્લાં 20 વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ. હાઇકોર્ટે વધુમાં કહ્યું, હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે છે, તમારી જોડે સારા ઓફિસર છે તો તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સરકારી શાળા અને ઇમારતોની ફાયર સેફ્ટીની વિગતો રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું, માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણાંબધાં સેંકડો પાનાંમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસદી લીધી નથી. ગેરકાયદે વપરાશકર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો, તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડિંગ વપરાશની પરમિશન નથી?