ભાસ્કર ગાઇડ:અમદાવાદમાં શનિવાર અને રવિવારના કર્ફ્યૂ અંગે મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સવાલ: કર્ફ્યૂ દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર ઊભી થાય તો ટેસ્ટિંગ ડોમ સુધી કેવી રીતે જઈ શકાશે?
જવાબ: જો કોઈપણ વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવા જવું હોય તો જઈ શકાશે. આ માટે પોલીસને માત્ર કારણ આપવું પડશે. જે-તે વિસ્તારમાં રહેતો નાગરિક તેમના એરિયાના નજીકના ડોમ ખાતે અથવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગ માટે જઈ શકશે.

સવાલ: એરપોર્ટ, રેલવે સ્ટેશનથી ઘરે કે ઘરેથી એરપોર્ટ, રેલવે સ્ટેશન જવું હોય તો કોઈ વ્યવસ્થા છે ખરી?
જવાબ:
એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ઉતરનાર કે જનાર મુસાફરે પોતાની પાસે ટિકિટ રાખવી પડશે. જે- તે દિવસની ટિકિટ બતાવીને જઈ શકાશે. મ્યુનિ.એ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે એએમટીએસ અને બીઆરટીએસની બસ વ્યવસ્થા પણ ગોઠવી છે. એરપોર્ટથી ઉતરનાર મુસાફર કેબનો ઉપયોગ કરી શકાશે.

સવાલ: આ 2 દિવસમાં મારે પરીક્ષા આપવાની છે, તો હું કેવી રીતે જઈ શકીશ? વાલી મારી સાથે આવી શકશે?
જવાબ: કર્ફ્યૂના દિવસો દરમિયાન વિદ્યાર્થીએ પરીક્ષા આપવા જતી વખતે હોલ-ટિકિટ કે આઈડી કાર્ડ સાથે રાખવાં પડશે. વાલીઓ તેમનાં સંતાનોને એક્ઝામ સેન્ટરે મૂકવા લેવા જઈ શકશે.

સવાલ: અમદાવાદ આસપાસના વિસ્તારોમાં નોકરી કરતા લોકો કઈ રીતે જઈ શકશે? વાહન લઈ જઈ શકશે?
જવાબ:
તેમણે ફરજિયાત આઈકાર્ડ સાથે રાખવાં પડશે. શહેરમાંથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ચાંગોદર, સાણંદ, બાવળા, ધોળકા જતા નોકરિયાતવર્ગ વાહન લઈને જઈ શકશે, પણ સાથે જે-તે કંપનીનું આઈકાર્ડ રાખવું ફરજિયાત છે.

સવાલ: દૂધ લેવા કે પેટ્રોલ, ડીઝલ ભરાવવા શી રીતે જવાશે?
જવાબ:
કોઈપણ વ્યક્તિ ઘરેથી દૂધ લેવા જઈ શકશે, પરંતુ પોલીસ તે વ્યક્તિ દૂધ લઈને પાછી આવે છે કે નહિ એની તપાસ કરશે. પેટ્રોલ પંપ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

સવાલ: દવા લેવા જવું હોય, પણ પ્રિસ્ક્રિપ્શન ન હોય તો શું?
જવાબ:
કોઈપણ વ્યક્તિ પોતાના વિસ્તારના મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ શકશે, પણ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું પડશે અને પોલીસ માગે તો એ બતાવવું પડશે. મોટા ભાગના તમામ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે.

સવાલ: લગ્નમાં 200 લોકોને મંજૂરી છે, પણ કઈ રીતે જવાશે?
જવાબ:
લગ્ન માટે પોલીસની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને 200 આમંત્રિત જ લગ્ન પ્રસંગમાં હાજરી આપી શકશે. આવા પ્રસંગમાં જનારે લગ્નની કંકોત્રી સાથે રાખવી ફરજિયાત છે.

સવાલ: દિવાળીમાં ફરવા ગયેલા લોકોએ શહેરમાં પ્રવેશ્યા પછી ઘરે પહોંચવા કયા દસ્તાવેજ બતાવવા પડશે?
જવાબ:
એરપોર્ટ પર ઊતર્યા પછી પેસેન્જર કેબનો ઉપયોગ કરી પોતાના ઘરે પહોંચી શકાશે. આવી જ રીતે ટ્રેન, બસ કે બહાર ફરવા ગયેલા લોકોએ પોતાની પાસે ટિકિટ સહિતના પુરાવા સાથે રાખવા પડશે. પોતાની પાસે આઈકાર્ડ સહિતના પુરાવા શહેરના ચેકિંગ પોઇન્ટ પર પોલીસને બતાવવાના રહેશે.

સવાલ: કોઈ સ્વજનનું અવસાન થાય તો જઈ શકાશે?
જવાબ:
અંતિમ સંસ્કારમાં જવા માટે 20 લોકોને મંજૂરી અપાશે.

(નોંધ: જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરા, સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના જાહેરનામાના આધારે..)

અન્ય સમાચારો પણ છે...