આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર હતી. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. અમૃતકાળનું બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.
30થી 35 હજાર કરોડ નેટ દેવું વધશે તેવો અંદાજ
નાણા વિભાગના એસીએસ જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું 15 ટકા દેવું છે અને 22 લાખ કરોડ ઉત્પાદન છે. 27 ટકા મુજબ ગુજરાત સરકાર 5.75 લાખ કરોડ દેવું કરી શકે છે. આ વર્ષે 30થી 35 હજાર કરોડ નેટ દેવું વધશે તેવો અંદાજ છે.
સરકાર 5 પ્રવાસન સ્થળોના વિકાસમાં 8 હજાર કરોડ ખર્ચશે
આજે 24મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં 3.01 લાખ કરોડનું પાંચ પાયા પર બજેટ રજૂ કરાયું હતું. જેમાં ચોથા સ્તંભ પર પ્રવાસનને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વાર્ષિક પ્રવાસીઓ એક કરોડને પાર થયો હોવાનું પણ જણાવ્યું હતું. તો પ્રવાસન ક્ષેત્રે રોજગારીનું તકોનું સર્જન થયું હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા-સફેદ રણ, અંબાજી-ધરોઈ ક્ષેત્ર, ગીર અભયારણ્ય-સોમનાથ અને દ્વારકા-શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.
આ પણ વાંચો, 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા સરકાર 8 હજાર કરોડ ખર્ચશે
છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનો વધારો
ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સ્થાપના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે. છેલ્લાં છ વર્ષમાં બજેટ 1 લાખ કરોડથી પાર થઈને 3 લાખ કરોડે પહોંચી ગયું છે. સૌ પ્રથમવાર વર્ષ 2017-18માં ગુજરાત સરકારના બજેટનું કદ 1,72,179 કરોડનું થયું હતું. ત્યાર પછીના બે વર્ષમાં બજેટનું કદ વધીને 2,17,287 કરોડે પહોંચ્યું હતું. ફરીથી બે વર્ષ બાદ એટલે કે 2023-24માં એક લાખ કરોડ વધતાં 3,01,022 કરોડનું બજેટ થયું છે. આમ છેલ્લાં છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનું બજેટ વધી રહ્યું છે.
આ પણ વાંચો...પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું
બજેટ જોવા માટે નીચે ક્લિક કરો
બજેટ વિકસિત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારું- પાટીલ
આ બજેટમાં નવા કોઇ કરવેરો નહીં તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના બજેટ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બજેટને આવકારતા જણાવ્યું, ગુજરાત રાજ્યનું આ બજેટ આવનારા પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. આ બજેટ યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટ વિકસિત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજ્યના અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો... નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના બજેટમાં 6783 કરોડનો વધારો
પાંચ પાયા પર સરકાર કામ કરે છે
- ગરીબ માટે 2 લાખ કરોડ
- માનવ સંસાધન માટે 4 લાખ કરોડ
- વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ
- કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
- ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ
આ પણ વાંચો... CNG અને PNGમાં વેટ ઘટાડો ગ્રાહકો તેમજ ઉદ્યોગોને ઘણી રાહત આપશે
રાજ્ય સરકારનું આત્મનિર્ભર થીમ પર બજેટ!
ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મળી છે. આવા સંજોગોમાં ગુજરાતીઓની અપેક્ષા સરકાર તરફ ખૂબ જ વધી ગઈ છે. જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકાર પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કરી શકે છે. આ બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી શકે છે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ, તપન રે એ જણાવ્યું કે, સ્ટેટ બજેટ 2023-24 ગિફ્ટ સિટીના એકંદર વિકાસ માટે ગુજરાત સરકારના સતત પ્રયાસો અને કટીબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આધુનિક ફિનટેક હબનો વિકાસ ગિફ્ટ સિટીને વિશ્વમાં અગ્રણી ફાઇનાન્સ અને ટેક્નોલોજી કેન્દ્ર બનવવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે. બજેટમાં ગિફ્ટ સિટી દ્વારા ઓફર કરાતી ઇકોસિસ્ટમને મજબૂત કરવા ઉપર પણ ભાર મૂકાયો છે તથા ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ વિકસાવવાની દરખાસ્ત આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
વિકાસના એજન્ડા પર ચાલતી ગુજરાત સરકાર
સ્વાભાવિક છે કે, ભારતીય જનતા પાર્ટી પહેલાંથી જ વિકાસના એજન્ડા પર ચાલી રહી છે અને ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાતમાં હજુ પણ વિકાસ કરવો વધારે જરૂરી છે તેમ સરકાર માની રહી છે. ત્યારે વિકાસ કરવાના એજન્ડા સાથે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જેમાં રાજ્યના દેવામાં વધારો પણ થઈ શકે છે.
બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો
ગુજરાત બજેટના કદમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 લાખ કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 લાખ કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 લાખ કરોડને વટાવી શકે છે. એટલે કહી શકાય કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા
ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વખતે કરવેરાનો બોજો લાગુ કર્યા વગર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર રૂપિયા 7ની રાહત આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વખતના બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે.
પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે
છેલ્લાં 15 વર્ષથી ગુજરાત સરકાર પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણાંમત્રી તરીકે કનુ દેસાઈએ 668.09 કરોડનું પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23માં રજૂ કર્યું હતું. ગત વર્ષે રજૂ કરાયેલા બજેટમાં એકપણ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી. એ જ રીતે આ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવશે અને 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે.
સરકાર એકસાઈઝમાં ઘટાડો પણ કરી શકે છે
છેલ્લા કેટલાક સમયથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણોસર ગુજરાતના હિસ્સાની રકમમાં પણ વધારો થયો છે. એટલે કે સરકારની આવકમાં પણ વધારો થયો છે. બીજી તરફ ગુજરાત સરકાર અવનવા પ્રોજેક્ટ સાથે વિકાસને આગળ વધારવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે આવકની સામે ખર્ચમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. આ તમામ વચ્ચે સરકાર વેટમાં વધારો કરી શકે છે. જો કે, રાહતની વાત એ પણ છે કે સરકાર એકસાઈઝમાં ઘટાડો પણ કરી શકે છે.
ગ્રામીણ વિકાસ અર્થતંત્ર ધબકતું રાખવાની જોગવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુ દેસાઈ સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, વિદેશી રોકાણ આકર્ષવા માટેની યોજના, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન, અમદાવાદ પછી અન્ય શહેરોમાં મેટ્રો ટ્રેન, શહેરી વિકાસ સાથે ગ્રામીણ વિકાસ અર્થતંત્ર પણ ધબકતું રહે તે માટેની જોગવાઈ, મહેસૂલી વિભાગમાં સુધારા, આરોગ્ય ક્ષેત્ર સારી સુવિધા અને શિક્ષણનું આધુનિકરણ તેમજ મોડેલ સ્કૂલ બનાવવા પર ભાર આપશે. પોલીસને પણ આધુનિક બનાવવા તેમજ ઉદ્યોગ અને ખાણખનીજ જેવાં અનેક સેક્ટરના વિકાસ માટેની જોગવાઈ કરશે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાની ખાસ વ્યવસ્થા
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બજેટ સત્રમાં પ્રાકૃતિક ખેતી માટે મહત્ત્વની જોગવાઈ કરવામાં આવશે. કૃષિ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ગુજરાતના 33 જિલ્લામાં પ્રતિ જિલ્લા દીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની મહત્ત્વની યોજનાઓ જાહેર કરશે. આમ વધુમાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.