અંતે સરકાર જાગી:ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે વાઇબ્રન્ટ સમિટ આખરે મોકૂફ, સળંગ બીજા વર્ષે સમિટને કોરોનાનું ગ્રહણ

અમદાવાદ5 મહિનો પહેલા
ડાબેથી મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલ.
  • બે મહિનાથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા તૈયારીઓ ચાલતી હતી
  • રશિયાના વડાપ્રધાન આવી પણ ગયા હતા, ઉદ્યોગપતિઓ-અધિકારીઓમાં ખચકાટ હતો

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી.

આ ઉદ્યોગપતિઓ સામેલ થવાના હતા
આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

આ સંદર્ભે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીને અત્યાર સુધીમાં વાઇબ્રન્ટ પાછળ થયેલ ખર્ચ અંગેનો સવાલ પૂછવામાં આવતાં ખર્ચ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. તેની જગ્યાએ અત્યાર સુધી થયેલા એમઓયુ દ્વારા થયેલ ફાયદા અંગેની વાતો ગણાવી દીધી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે પરિસ્થિતિ અલગ હતી. પરંતુ પાછલા એક સપ્તાહથી દેશ સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે વાઇબ્રન્ટ મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે વાઈબ્રન્ટ રિશિડ્યુલ કરાશે કે નહીં ત્યારે જવાબ આપ્યો કે પરિસ્થિતિ અને સંજોગો જોઈને નિર્ણય લેવામાં આવશે.

સાથે સાથે રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે- આગામી 7મી જાન્યુઆરીએ કોર કમિટીની બેઠક મળવાની છે જ એમાં નવી SOP જારી કરવામાં આવશે અને તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

26 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશ પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાત ગેટવે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યું છે. અગ્રણી દેશો, જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન , રશિયા ઇઝરાયલ, સિંગાપોર,સ્વીડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેવાના હતા.

મુખ્યમંત્રીએ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી
કોરોના સંક્રમણ સાથે નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીનેને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

10મી વાઇબ્રન્ટ સમિટ હાલપૂરતી મોકૂફ
મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, રોકાણકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગજગતના સંચાલકોએ ભાગીદારી માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

વાઇબ્રન્ટ યોજવા મામલે સરકાર અને બાબુઓ આમને-સામને હતા
ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. એવામાં સંજોગોમાં પણ સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાની જીદ સાથે આગળ વધી રહી હતી. એની સામે સરકારના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ નારાજગી સાથે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ સરકારે કોઈપણ ભોગે વાઈબ્રન્ટ સમિટ યોજવા મક્કમ રહેતાં અધિકારીઓ અંદર ખાને સરકાર સામે નારાજ થયા હતા. એટલું જ નહીં, કોરોનાના કહેર વચ્ચે પણ રાજ્યના આરોગ્ય કમિશનર અને સચિવ સહિતના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ નારાજ હતા
માત્ર અધિકારીઓ જ નહીં, વાઈબ્રન્ટના આમંત્રિત ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓ પણ સરકારના ઓનગ્રાઉન્ડ જ વાઈબ્રન્ટ યોજવાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે. એમાના કેટલાક લોકોએ સરકારને વર્ચ્યુઅલ વાઈબ્રન્ટ યોજવાનો ઓપ્શન આપવાનું પણ કહ્યું હતું છતાં સરકાર મચક આપતી નહોતી, એને કારણે વાઈબ્રન્ટનો વિવાદ વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...