તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિની અ'મંગળ' બદલી:ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી, તામિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશનનાં સચિવ તરીકે નિમાયાં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક જયંતી રવિની બદલી ભારે ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની તાત્કાલિક અસરથી ઓરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુનાં સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનારાં જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યાં હતાં. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રથમ લહેરમાં આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચ્યું હતું
ગુજરાતમાં કોરોના શરૂ થતાંની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચી ગયું હતું, જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતી રવિ નારાજ હતાં.
ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતી રવિ નારાજ હતાં.

રાજકીય આગેવાનોએ જયંતી રવિના માથે માછલાં ધોયાં
રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતી રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમર્જન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનોએ તેમના માથે માછલાં ધોયાં હતાં. પરિણામે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોને કાબૂમાં લાવવા માટે જયંતી રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી તેમની ઉપરવટ જઈને નિર્ણયો લેતાં હોવાની ફરિયાદોને કારણે તેઓ નારાજ હતાં.

કેન્દ્રએ જયંતી રવિની બદલી અટકાવી હતી
ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતી રવિએ પોતાની બદલી ગુજરાત બહાર, ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી, પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતાં કેન્દ્ર સરકારે પણ તેમની બદલી એ સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં અને ત્રીજી લહેર આવે એ પહેલાં તેમની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

ડૉ.જયંતી રવિની ફાઈલ તસવીર.
ડૉ.જયંતી રવિની ફાઈલ તસવીર.

​​​​​​ગુજરાતમાં હજુ જૂની પ્રક્રિયા જ યથાવત્ રહેશે: ડૉ.જયંતી રવિ
તાજેતરમાં જ આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે એવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે એમાં કોઇ તથ્ય નથી. રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે એ જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલના વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત્ રાખેલી છે.

કોણ છે ડો. જયંતી રવિ?
વર્ષ 2002માં ડો. જયંતી રવિ પંચમહાલ જિલ્લાનાં કલેક્ટર હતાં. ત્યાર બાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...