ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો લેતા હાથ ધરેલી સુનાવણીમાં રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી, જેમાં કેન્દ્રની ટીમ ગુજરાત ટૂંકમાં આવશે તેમ જણાવાયું છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.
આ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો બુધવારથી અમલ શરૂ
અમદાવાદ | સુરત |
વડોદરા | રાજકોટ |
ગાંધીનગર | જૂનાગઢ |
જામનગર | ભાવનગર |
આણંદ | નડિયાદ |
મહેસાણા | મોરબી |
પાટણ | ગોધરા |
દાહોદ | ભૂજ |
ગાંધીધામ | સુરેન્દ્રનગર |
ભરૂચ | અમરેલી |
હાઈકોર્ટના સૂચન પછી મોડી રાત્રે સરકારની આ 9 સૌથી મોટી જાહેરાતો
રાજકીય મેળાવડા માટે કોઈ પ્રતિબંધ નહીં
દરેક જિલ્લા અને શહેરોના પ્રભારી સચિવો અને અધિકારીઓએ માત્ર કોવિડ સંંબંધિત કામગીરી જ કરવાની રહેશે અને તેમણે પોતાના સરકારી વિભાગોને લગતી પ્રવૃત્તિઓ હાલ પૂરતી સ્થગિત કરવાની રહેશે તેવું પણ મુખ્યમંત્રીએ આ બેઠક બાદ જણાવ્યું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 18 એપ્રિલ અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 17 એપ્રિલે હોવાથી રાજ્ય સરકારે આ વિસ્તારોમાં રાજકીય મેળાવડા કે બેઠકો પરના પ્રતિબંધો લાગુ કર્યાં નથી. આ બન્ને વિસ્તારોને અપવાદરૂપ રાખીને બાકીના તમામ વિસ્તારોમાં નિયંત્રણો અમલી રહેશે. તેમ છતાં આ વિસ્તારોમાં ચૂંટણી પંચે કોવિડને અનુલક્ષીને નક્કી કરેલી માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે VCથી રૂપાણી, નીતિનભાઈ સાથે ચર્ચા કરી
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા નવી સ્ટ્રેટેજી શું રાખવી તે બાબતે પણ અમિત શાહ સાથે રુપાણી અને નીતિન પટેલ વાતચીત કરી હોવાનું મનાય છે..
2 દિવસથી 3 હજારથી વધુ કેસ, 5 દિવસમાં 15 હજાર નવા સંક્રમિતો
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં 15 હજાર નવા સંક્રમિતો જાહેર થઈ ચૂક્યા છે. તેમાં પણ આજે 3280 નવા કેસ નોંધાયા હતા અને ગઈકાલે 3140 નવા કેસ આવ્યા હતા. ગુજરાતના કોરોના ઇતિહાસમાં આ પહેલીવાર લાગલગાટ 2 દિવસ કોરોનાના કેસનો આંકડો 3 હજારને પાર થયો છે. બીજીતરફ રાજ્યમાં અત્યારસુધીના કુલ દર્દીઓનો આંક 3.22 લાખ થઈ ગયો છે. રોજબરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં સત્તાવાર રીતે તો કોરોનાના 15 દર્દીઓના મોત થયા હતા. પરંતુ બિનસત્તાવાર આંકડો 200થી પણ વધુ હોવાની ભીતિ છે.
ચાર મહાનગરોમાં વીકેન્ડ કર્ફયૂ રાખવા વેપારી એસો.ની પણ રજૂઆત
ગુજરાતમાં મોટા ભાગનાં વેપારી એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ. આ સ્થિતિમાં શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ..
ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે નિર્દેશ કર્યો હતો
રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. ખંડપીઠે કહ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. આનાપગલે રાજ્યમાં ચાર દિવસના લોકડાઉનની ચર્ચા આખો દિવસ ચાલી હતી.
લોકડાઉનની બીકે શાકભાજી-કરિયાણું ખરીદવા રાજ્યમાં લોકોની દોટ
ગત વર્ષે અચાનક જ લોકડાઉન જાહેર કરાતાં રાજ્યમાં લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ વર્ષે લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભરબપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. અમદાવાદ હોય કે સુરત, રાજકોટ હોય કે વડોદરા, મોલ અને બજારમાં ખરીદી માટે બપોરથી જ લાંબી લાઇનો લાગી હતી. જ્યારે શાક માર્કેટોમાં પણ લોકોનું કીડિયારું ઊભરાયું હતું અને શાકની એકસાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા હતા. ત્યાં સુધી કે નાના શહેરોમાં પણ લોકોએ બજારો તરફ દોટ મૂકી હતી.
ઈન્ડિયન મેડિકલ એસો.એ પણ PMને પત્ર લખી લોકડાઉનની માગ કરી
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરવાની ખાતરી આપી હતી. આ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવે.
ચાર મહાનગરોમાં વીકેન્ડ કર્ફયૂ રાખવા વેપારી એસો.ની પણ રજૂઆત
ગુજરાતમાં મોટા ભાગનાં વેપારી એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ. આ સ્થિતિમાં શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ.
કોરોના વિસ્ફોટ પાછળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જવાબદારઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને મંગળવારે 11 રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને કોરોના પર નિયંત્રણના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. હર્ષવર્ધને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તથા મોટા આંદોલનો, આયોજનો અને લગ્નોના કારણે સંક્રમણમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે કોરોના મુદ્દે આગામી 30 દિવસ સૌથી વધુ ગંભીર છે. સંક્રમણના ફેલાવાની ગતિમાં અત્યંત વધારો થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.