પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે. લોકરક્ષક દળની પરીક્ષાની જ વાત કરીએ તો એમાં 10,459 જેટલી પોસ્ટ માટે 9.46 લાખ અરજી આવી છે. હાલમાં પોલીસ ભરતીમાં શારીરિક કસોટી ચાલી રહી છે તથા ઘણા ઉમેદવારોની પરીક્ષા હજુ બાકી છે. શારીરિક કસોટી બાદ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ જોકે ઘણા ઉમેદવારોને છેલ્લું પરિણામ તૈયાર કેવી રીતે થતું હોય છે એને લઈને મૂંઝવણો હોય છે. આ માટે ભરતી બોર્ડે બહાર પાડેલા પરીક્ષાના નિયમોમાં સ્પષ્ટતા કરેલી છે. ઉમેદવારોની બંને પરીક્ષા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા થશે. તમામ પ્રક્રિયામાં પાસ થનારા તથા અસફળ રહેનારા ઉમેદવારોનું છેલ્લું પરિણામ બે ભાગમાં તૈયાર કરવામાં આવશે.
સફળ ઉમેદવારોની પોસ્ટ, જિલ્લાની માહિતી સાથે પરિણામ તૈયાર થશે
પરીક્ષા બાદ ઉમેદવારોનું પરિણામ બે ભાગમાં તૈયાર કરવામાં આવશે. સૌથી પહેલા સફળ ઉમેદવારોનું રિઝલ્ટ મેરિટ મુજબ તેમનાં નામ, સીટ નંબર તથા કુલ માર્ક્સ અને ઉમેદવારની પોસ્ટ, ડિપાર્ટમેન્ટ અથવા જિલ્લાનું નામ સહિતની માહિતી સાથે તૈયાર કરવામાં આવશે. આ રિઝલ્ટને બોર્ડ દ્વારા નોટિસ બોર્ડ અને વેબસાઈટ પર પબ્લિશ કરાશે. ઉપરાંત એની સોફ્ટ કોપીને એ જ દિવસે ગૃહ વિભાગ અને રાજ્યના ડાયરેક્ટર જનરલ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને મોકલવામાં આવશે. રિઝલ્ટ બોર્ડના ઓફિશિયલ ગેઝેટ પર પબ્લિશ કરવામાં આવશે અને એ સરકારના ગૃહ વિભાગને મોકલાશે. બોર્ડ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને તેમના પરિણામ અંગે જાણ કરવા તેમની સાથે સંપર્ક કરશે. જોકે બોર્ડ આ બાદ પાસ થનારા વિદ્યાર્થી સાથે અન્ય કોઈપણ પ્રકારનો વધુ સંપર્ક કરશે નહીં.
અસફળ ઉમેદવારોનું પણ પરિણામ તૈયાર કરાશે
બીજા ભાગમાં ભરતી બોર્ડ પરીક્ષામાં અસફળ રહેનારા ઉમેદવારા, જેઓ ભાગ-1માં તૈયાર કરાયેલા પરિણામના લિસ્ટ નથી તેમની યાદી તૈયાર કરશે. આ લિસ્ટમાં તેમનાં નામ, સીટ નંબર્સ, કુલ માર્ક્સ વગેરે સહિતની માહિતી પણ નોટિસ બોર્ડ અને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.
માર્ક્સનું રી-ચેકિંગ કેવી રીતે થશે?
જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં પોતાને આવેલા પરિણામ કે માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો તે રી-ચેકિંગ કરાવી શકે છે. આ માટે તે ઉમેદવારે છેલ્લું પરિણામ આવ્યાના 15 દિવસની અંદર બોર્ડ દ્વારા નક્કી કરેલી ફી ભરીને ભરતી બોર્ડમાં એક અરજી કરવાની રહેશે.
LRDમાં 10 હજારથી વધુ જગ્યા પર ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.
PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.