તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાં ગઈ સંવેદનશીલતા:હાઇકોર્ટના ઓર્ડર, AMCની છાપામાં જાહેરાતો છતાં ધન્વંતરિ હોસ્પિ.માં દાખલ થવા ગેટમાં રીક્ષા ઘુસાડવી પડે છે, હવે શું મોદીસાહેબે ઓર્ડર કરવો પડશે?

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • મિ. રૂપાણી, હવે તો દયા કરો, ક્યાં સુધી દર્દીઓની આવી દુર્દશા જોયા કરશો, કંઈક તો કરો હવે...
  • ફોર્મ માટે સવારે 8થી 9 વાગ્યા સુધીમાં હોસ્પિટલની બહારથી લેવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી
  • કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં આજે સવારથી દર્દીઓને દાખલ કરવા મામલે દર્દીઓનાં પરિવારજનો હોબાળો કરી રહ્યાં છે. ઓક્સિજન પર ગંભીર હાલતમાં હોવા છતાં દર્દીઓને પહેલા રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરી ટોકન લીધા બાદ એડમિટ કરવાનું કહેતાં પરિવારજનો રોષે ભરાયાં છે. 70 વર્ષનાં ગરીબ વૃદ્ધાને ઓક્સિજનની જરૂર હોવાથી પરિવારજનો રિક્ષામાં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા લાવ્યાં હતાં.

બેરિકેડ પર રિક્ષા ચડાવી હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન
ઓક્સિજનની જરૂર અંગે રજૂઆત છતાં એડમિટ ન કરવામાં આવતાં રોષે ભરાયેલા પરિવારના યુવકે 70 વર્ષનાં માજીને રિક્ષામાં જ રાખી અને બેરિકેડ પર રિક્ષા ચડાવી હોસ્પિટલમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના સ્વજન ગંભીર હોવાને કારણે આજે આવી કપરી પરિસ્થિતિમાં પણ એડમિટ ન કરતાં રિક્ષા ચડાવી હોસ્પિટલમાં જતાં પોલીસે સમજાવવાની જગ્યાએ તેને બહાર કાઢી માર માર્યો હતો. ટેન્ટ પાછળ લઈ જઈ માર મારી બાદમાં ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.

યુવકે રડતાં-રડતાં ડોકટરો અને પોલીસને રજૂઆત કરી
ઉપરાંત એક યુવક તેના પરિવારને એડમિટ કરવા માટે આજીજી કરી રહ્યો હતો. રજિસ્ટ્રેશન ડેસ્ક પર યુવકે એડમિટ કરવા કહ્યું છતાં ફોર્મ ભરી ટોકન આપવાનું કહ્યું હતું. યુવકે રડતાં-રડતાં ડોકટરો અને પોલીસને રજૂઆત કરી હતી છતાં તેની વાત સાંભળી ન હતી. યુવક હોસ્પિટલ બહાર રડતો રહ્યો હતો.

રિક્ષામાં ઈમર્જન્સીમાં આવેલાં 70 વર્ષનાં માજીને દાખલ ન કરાતાં પરિવારજનોનો હોબાળો.
રિક્ષામાં ઈમર્જન્સીમાં આવેલાં 70 વર્ષનાં માજીને દાખલ ન કરાતાં પરિવારજનોનો હોબાળો.

ટોકન સિસ્ટમથી અનેક દર્દીઓનાં સગાં પાછાં ગયાં
ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે રોષ છે. એક તરફ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને એડમિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે, પરંતુ આ હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાનાં પછી ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે તેમને અંદર લઇને આવવાનું રહેશે. આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓનાં સગાંને આજે પાછું જવું પડ્યું હતું. આજે માત્ર 125 જ ટોકન આપવામાં આવ્યાં હતાં.

રિક્ષાને ધક્કા મારી હોસ્પિટલમાં ઘુસાડવાનો પ્રયાસ.
રિક્ષાને ધક્કા મારી હોસ્પિટલમાં ઘુસાડવાનો પ્રયાસ.

દર્દીનું ઓક્સિજન 92%થી ઓછું છતાં ટોકન વગર દાખલ નહીં કરાય
ગંભીર દર્દીઓ, જેમનું કોરોનાની અસરને કારણે ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે, એમ જણાવાયું હતું, પરંતુ જે ટોકન સિસ્ટમ છે એ મુજબ જ હોસ્પિટલમાં દર્દીઓને લેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં જેટલાં બેડ પ્રવેશપાત્ર હોય એટલાં જ ટોકન ફાળવવામાં આવશે.