હાઇકોર્ટની સમજાવટ બાદ નિર્ણય:9 વર્ષનાં લગ્નજીવન બાદ 6 વર્ષ છૂટાછેડા માટે લડ્યાં, દોઢ વર્ષ પછી ફરીથી દીકરીના ભવિષ્ય માટે ભેગાં થયાં

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હાઈકોર્ટની સમજાવટ બાદ દંપતી વચ્ચે વર્ષોથી ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો

છૂટાછેડા લેવા માટે વર્ષો સુધી ઝઘડયા બાદ દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાં સંતાનની કસ્ટડી મેળવવા અરજી કરી હતી. માતા-પિતાના ઝઘડા વચ્ચે સંતાનની કફોડી સ્થિતિને જાણીને હાઈકોર્ટે સમજાવતા દંપતીએ ફરીથી એક થવાનો નિર્ણય લીધો હતો.

હાઇકોર્ટ - ફાઇલ તસવીર
હાઇકોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદમાં મેડિકલ સ્ટોર ચલાવતા પતિએ ફેમિલી કોર્ટમાં સંતાનની કસ્ટડી માતાને આપવાના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે, 9 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જો કે બન્ને વચ્ચે માથાકૂટ અને વિવાદ વધતા છેવટે પતિએ છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. છૂટાછેડાનો આ કેસ 6 વર્ષ સુધી ફેમિલી કોર્ટમાં ચાલ્યો બાદ કોર્ટે છૂટાછેડાની ડીક્રી આપી હતી.

ફેમિલી કોર્ટે દિકરીની કસ્ટડી માતાને સોપી અને પિતાને મળવાના અધિકાર માટે સમય નક્કી કર્યો હતો. છૂટાછેડા મળ્યાનાં દોઢ વર્ષ બાદ દીકરીની કસ્ટડી મેળવવા પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે દ્વારા પતિ-પત્નીને એકબીજા માટે જે પ્રશ્નો હતા તેને કઇ રીતે દૂર કરી શકાય તે અંગે સમજાવ્યા હતા. બન્ને એકબીજાના એક-એક મુદ્દાને અવગણીને સંતાનના ભવિષ્ય માટે ફરીથી એક થવા પ્રયત્ન કર્યો હતો. છુટાછેડા લીધા તેના દોઢ વર્ષ બાદ બન્નેએ ફરીથી ભેગા રહેવાનો નિર્ણય લીધો હતો.

શનિવારે માતા સાથે તો રવિવારે પિતા સાથે રહેવાના હુકમથી દીકરીની સ્થિતિ દયનીય
ફેમિલી કોર્ટે પિતાને મળવાના અધિકાર માટે દિવસ અને સમય નક્કી કર્યા હતા. તહેવારના દિવસે સવારે માતા સાથે અને બપોર પછી પિતા સાથે રહેવાનો સમય નક્કી કર્યો હતો. શનિવારે માતા સાથે અને રવિવારે પિતા સાથે, દિવાળી વેકેશનમાં માતા સાથે અને ઉનાળુ વેકેશન પિતા સાથે રહેવું તેવા કોર્ટના હુકમને લીધે દિકરીની માનસિક સ્થિતિ દયનીય બની હતી. કોર્ટે પતિ-પત્ની અને દિકરી સાથે વાત કરતા માતા-પિતા પણ દીકરીની વાતોથી ગભરાઇ ગયા હતા. કોર્ટે તેમને દીકરીના ભવિષ્ય માટે પોતાના ઇગોને મુકીને નિર્ણય લેવા સમજાવતા બન્ને પતિ-પત્નીએ સોંગદનામું કરીને સાથે રહેવા બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...