નવા વર્ષે આગની દુર્ઘટના:અમદાવાદમાં એસી- રેફ્રિજરેટરની દુકાનમાં ભીષણ આગ, ફ્રીઓન ગેસના 70 બાટલા બ્લાસ્ટ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો દરમિયાન આગના બનાવો બનતા હોય છે ત્યારે આજે નવા વર્ષના દિવસે વહેલી સવારે અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં લિટલ ફ્લાવર સ્કૂલ પાસે આમ્રકુંજ સોસાયટી નજીક આવેલી કુમાર રેફ્રિજરેટરની દુકાનમાં ફટાકડાના લીધે ભિષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. એસી અને ફ્રીજનો સામાન હોવાના કારણે 50થી 70 ફ્રીઓન ગેસના નાના 70 બાટલા બ્લાસ્ટ થયા હતા. જેથી આગ વધુ પ્રસરી હતી. આગને કારણે દુકાન આખી બળીને ખાક થઈ ગઈ હતી. લાખો રૂપિયાનો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાં જો 40kgના મોટા બાટલા સુધી આગ પહોંચી હોત તો ખૂબ જ મોટી જાનહાની સર્જાઈ હોત. જોકે, ફાયર બ્રિગેડની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી હતી.

2kgના જે 50થી 70 બાટલા બ્લાસ્ટ થયા
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ કાંકરીયા વિસ્તારમાં આમ્રકુંજ સોસાયટી પાસે કુમાર રેફ્રિજરેટર નામની દુકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો. જેથી મણીનગર ફાયર સ્ટેશન અને આસપાસના ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. એસી અને ફ્રીજ હોવાના કારણે તેમાં ફ્રીઓન ગેસના બાટલા હતા. 40kgના 50 બાટલા હતા અને 2kgના જે 50થી 70 બાટલા બ્લાસ્ટ થયા હતા. 25થી 30 ફાયર જવાનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા. ફાયરબ્રિગેડની સમય સૂચકતાથી મોટા 50 બાટલાઓ બચાવી લેવાયા હતા.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં
એસી અને રેફ્રિજરેટરમાં ગેસ વપરાતો હતો જેથી ગેસને બહાર નીકળવા માટે વેન્ટિલેશનની જરૂર પડી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હથોડા વડે દીવાલ તોડી વેન્ટિલેશન કરવું પડ્યું હતું. દીવાલમાં બાકોરું કરી અને ત્યાંથી પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવાની ફરજ પડી હતી. 2 લાખ લિટર પાણીનો ઉપયોગ કરી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...