અમદાવાદમાં આગનો બનાવ:રાયપુરના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ, ફાયરની 10 જેટલી ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સહયોગ મિલ કમ્પાઉન્ડની તસવીર - Divya Bhaskar
સહયોગ મિલ કમ્પાઉન્ડની તસવીર
  • મિલની જગ્યાનો વિવાદ ચાલતો હોવાથી કોર્ટમાં મેટર પેન્ડીંગ છે

અમદાવાદના રાયપુર બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગ અંગે જણાવતા વોચમેન ચુનારાભાઈએ જણાવ્યું હતું કે, આગ સમયે મિલ કમ્પાઉન્ડના ઓફિસની ઇમારતમાં મિલના કોર્ટ કેસના જરૂરી પેપર, હિસાબના રજિસ્ટર, પગાર બુક, એન્ટ્રી બુક જેવા ઓફિસને લગતા રજીસ્ટર મુકેલા હતા. મિલની જગ્યાનો કેસ હાલ કોર્ટમાં ચાલે છે તેમજ મેટર પેન્ડિંગ છે. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

આગ લાગી તે સ્થળની તસવીર
આગ લાગી તે સ્થળની તસવીર

બે દિવસ પહેલા એલિસબ્રિજમાં બન્યો હતો આગનો બનાવ
નોંધનીય છે કે, બે દિવસ પહેલા પણ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. ગુજરાત કોલેજ પાસે આવેલી વોલ સ્ટ્રીટ-2 નામની બિલ્ડિંગમાં બી વિંગના ચોથા માળે ઓફીસ નંબર 405 અને પાંચમા માળે 505માં મેડિસ્ક્રાઈબ ઈન્ફોટેક એલ.એલ.પી.ની ઓફીસમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એક કલાકની અંદર ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પોલીસ સ્ટાફ અને ટોરેન્ટ પાવર સ્ટાફને જાણ કરવામાં આવી હતી.

SVPમાં પણ લાગી હતી આગ
જ્યારે સાંજના સમયે SVP હોસ્પિટલમાં ચોથા માળે આવેલા ICUના એસીના ડકમાં કચરામાં આગ લાગી હતી. આ આગનો ધુમાડો પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ચારથી વધુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. તમામ દર્દીઓ સહી સલામત છે, કોઈ જાનહાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...