મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને સજા સંભળાવાશે, પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ-1 અધિકારીને 1 વર્ષની કેદ

16 દિવસ પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર છે, તારીખ 5 મે, વૈશાખ સુદ-ચોથ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આજે સજા સંભળાવાશે 2) આજે CMના હસ્તે છોટાઉદેપુરમાં 131 કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ 3) આજથી સાયન્સસિટી ખાતે સમર સાયન્સ આઉટરીચ કેમ્પ 2022નું આયોજન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બનાસકાંઠામાં પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ-1 અધિકારીને કોર્ટે 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો

બનાસકાંઠા જિલ્લામાં પત્નીને ટ્રિપલ કલાક આપનારા પાણી પુરવઠા વિભાગના ક્લાસ-1 ઓફિસરને કોર્ટે 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. અધિકારીએ તેના પત્નીને ત્રણ વાર તલાક કહી કાઢી મૂકી હતી.બનાસકાંઠાના પાણી પુરવઠા વિભાગમાં ક્લાસ-1 ઓફિસર તરીકે ફરજ બજાવતા સરફરાઝ બિહારીએ તેના પત્નીને ટ્રિપલ તલાક આપતા નવા કાયદા મુજબ કોર્ટે સરફાઝ બિહારીને એક વર્ષ કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રિપલ તલાકના કાયદા મુજબ આરોપીને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.

વાંચો સમાચાર વિગતવાર

2) નરેશ પટેલ ભાજપમાં જોડાય એવા સંકેત, ત્રણવાર ભાજપના નેતાઓ સાથે દેખાયા, જામનગરમાં પાટીલ સાથે જોવા મળ્યા

ગુજરાતના રાજકારણમાં હાલ બે ચર્ચા ચાલી રહી છે. એક, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થશે કે નહીં અને બીજી, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે. નરેશ પટેલ પર હાલ ભાજપ, કૉંગ્રેસ અને આપની નજર છે. ત્રણેય પક્ષ નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એવામાં છેલ્લા એક અઠવાડિયામાં નરેશ પટેલ ત્રીજીવાર ભાજપના નેતાઓ સાથે દેખાતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. આજે જામનગરમાં આયોજિત ભાગવત સપ્તાહમાં નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલ એક જ મંચ પર જોવા મળ્યા હતા. બંને નેતાનું એકસાથે જ સ્વાગત કરાયું હતું.

વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતની 3 હજાર ક્વોરી 4 દિવસથી બંધ, હજારો શ્રમજીવીઓની રોજગારીને અસર, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો

ગુજરાતભરના ક્વોરી સંચાલકો પોતાની માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દત સુધી ક્વોરી ઉદ્યોગ બંધ પડાતા વડોદરા જિલ્લામાં ક્વોરી પ્રોડક્ટ પરિવહન કરતા હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા છે. ક્વોરી ઉદ્યોગ બંધ હોવાના કારણે ઉદલપુર સેવાલિયા ગોધરા વડોદરા નડિયાદ-આણંદ જેવા શહેરોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાનગી અને સરકારી બાંધકામો કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટ જેવી પ્રોડક્ટ મળતી બંધ થઈ ગઈ હોવાથી કામો બંધ થઈ ગયા છે.

વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટ ચેમ્બરના સ્નેહમિલનમાં હાલના પ્રમુખે સી.આર.ને નોંતર્યા તો પૂર્વ પ્રમુખે કહ્યું, AAPના ઈટાલિયાને પણ બોલાવો

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસનું મે માસમાં સ્નેહમિલન થવાનું છે. આ સ્નેહમિલનમાં રાજકીય આગેવાનોને બોલાવવા માટે સભ્યોમાં ખેંચતાણ શરૂ થઈ છે. ચેમ્બરના વર્તમાન પ્રમુખે ભાજપના અધ્યક્ષને બોલાવ્યા છે. તો આ અંગે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ.બારસિયાએ ચેમ્બર પ્રમુખને પત્ર લખીને જણાવ્યું છે કે, ભાજપના અધ્યક્ષ પાટીલને બોલાવો છો તો આ સ્નેહમિલનમાં આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પણ આમંત્રિત કરો.

વાંચો સમાચાર વિગતવાર

5) પૂછપરછ પૂર્ણ થયા બાદ સ્વામી હરિહરાનંદે કહ્યું, 'જમીન વિવાદ બાબતે માનસિક દબાણ હોવાથી આશ્રમ છોડ્યો હતો'

ગત 30 એપ્રિલના રોજ વડોદરાની કપુરાઈ ચોકડી ખાતેથી એક ટેમ્પોમાં બેસીને નાસિક તરફ ગયેલા હરિહરાનંદ બાપુને તેમના સેવકો જ આજે શોધી લાવ્યા હતા અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછ બાદ તેઓ તેમના અનુયાયીઓ સાથે સીધા જુનાગઢ જવા રવાના થયા છે. ​​​​​​જુનાગઢ ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હરિહરાનંદ બાપુને અમે હવે સીધા જુનાગઢ લઈ જઈ રહ્યા છીએ ત્યાં ભારતી આશ્રમ ખાતે તેઓ રહેશે. બાપુની તબિયત સારી છે, જરૂર લાગશે તો અમે રસ્તામાં તેમની હોસ્પિટલમાં સારવાર કરાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિહરાનંદ બાપુએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

6) વલસાડના ચર્ચાસ્પદ આપઘાત કેસમાં 6 મહિના બાદ મૃતકની ઓડિયો-ક્લિપ સામે આવી, માતાએ કહ્યું, મારી દીકરીને ન્યાય મળશે કે નહીં?

આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના શંકાસ્પદ મોત મામલે તેનાં માતા આજે છ મહિના બાદ પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. એવામાં મૃતક યુવતીના ફોનમાંથી એક કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે, જેમાં તે નોકરી માટે એક સંસ્થા સાથે વાત કરી રહી છે. આ રેકોર્ડિંગ બાદ મૃતકનાં માતાએ સવાલ ઉઠાવ્યો છે કે જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રિના સમયે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

વાંચો સમાચાર વિગતવાર

7) RBIએ વ્યાજદર વધાર્યો, હોમ લોન મોંઘી થશે-EMI પણ વધશે, નિર્ણય પછી સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો કડાકો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અચાનક એક પ્રેસ-કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે, એટલે કે હવે રેપો રેટ વધીને 4.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માગને જોતાં આરબીઆઈ પોતાનું એકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી દીધો છે. આ નિર્ણય બાદ સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

8) LIC IPO 16.2 કરોડ શેરમાંથી 10 કરોડથી વધુ પર બીડિંગ થયું, પોલિસીહોલ્ડર્સનો ક્વોટા લગભગ 2 ગણો ભરાયો

LICના IPOનું પ્રથમ દિવસે બુધવારે બમ્પર ઓપનિંગ થયું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO સવારે 10 વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો અને અત્યાર સુધીમાં 61 ટકા સબ્સક્રાઈબ થયો છે. પોલીસી હોલ્ડર્સ માટે રિઝર્વ કરવામાં આવેલો(કુલ શેર્સનો 10 ટકા) હિસ્સો ઓવરસબ્સ્ક્રાઈબ થયો છે. એટલે કે ક્વોટા અંતર્ગત 1.8 ગણી બોલી લગાવવામાં આવી છે. 16 કરોડ 20 લાખ 78 હજાર 67 શેરને વેચાણ માટે મુકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ શેર્સ માટે બોલી મળી છે. કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલા હિસ્સામાંથી 97 ટકા અને રિટેલ રોકાણકારોના હિસ્સામાંથી 54 ટકા સબ્સ્ક્રાઈબ થયો છે. રોકાણકારોને 9 મે સુધી પૈસા લગાવવાની તક મળશે.

વાંચો સમાચાર વિગતવાર

9) PM મોદીની યુરોપ યાત્રાનો આજે છેલ્લો દિવસ, ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી

વડાપ્રધાનની ત્રણ દિવસની યુરોપ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે.PMની ત્રણ દિવસીય યૂરોપ વિઝિટનો આજે છેલ્લો દિવસ છે. PM આજે ડેનમાર્કમાં સેકેન્ડ ઈન્ડો-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ પહેલા PM મોદીએ ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાન સાથે બેઠે કરી. આ દરમિયાન જળવાયુ પરિવર્તન સહિત ભારત-નોર્ડિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરી. તેમણે કહ્યું નૉર્ડિક દેશ ભારત માટે સસ્ટેનેબિલિટી, રિન્યુઅલ એનર્જી, ડિજિટલાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વના ભાગીદાર છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) હવે વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીનો ધક્કો નહીં ખાવો પડે, આ 37 સેવા થશે ઓનલાઇન 2) ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસ આવશે 3) RTEમાં એલોટ એડમિશનમાંથી 45 એડમિશન રિજેક્ટ, 6590 અરજીઓ કેન્સલ થઈ 4) રાજકોટમાં કોરોનાની લહેર નહીં આવે તો જ જન્માષ્ટમીના લોકમેળોનું આયોજન થશે: કલેકટર 5) રાજકોટમાં ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા ખંખેરતો નકલી TT ઝડપાયો 6) ધમકાવનારા જર્નલિસ્ટ પર BCCIનું એક્શન,બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ 7) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તાપમાન 47 ડીગ્રી થયું, 10 મિનિટમાં રેતીમાં રાખેલો પાપડ શેકાઈ જાય છે

આજનો ઈતિહાસ
વર્ષ 1818માં આજના દિવસે મહાન વિચારક, ઈતિહાસકાર અને જાણીતા અર્થશાસ્ત્રી કાર્લ માર્ક્સનો જન્મ થયો હતો.

અને આજનો સુવિચાર
સુંદર વસ્તુ ક્યારેય પણ પોતાના તરફ ધ્યાન દોરવા પ્રયાસ કરતી નથી, લોકોનું ધ્યાન આપોઆપ એની તરફ ખેંચાય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...