મહિલા પોલીસકર્મીનો આપઘાત:મહિલાઓને ડિપ્રેશનમાંથી બહાર લાવવાનું કામ કરતી મનીષા ખુદ એનો શિકાર બની, 4 વર્ષથી પતિથી અલગ રહેતી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મણિનગર પોલીસ સ્ટેશનની સી ટીમમાં કામ કરતી મનીષાએ ત્રણ દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી મનીષાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં તેના ઘરમાંથી મળ્યો હતો. મનીષાએ આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે મનીષા પોતે મણિનગર પોલીસ સ્ટેશનમાં સી ટીમમાં કામ કરતી હતી. તે અનેક મહિલા અને યુવતીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવાનું કામ કરતી હતી, પણ પોતે જ હતાશાનો શિકાર બની હતી. મનીષા તેના પતિથી ચાર વર્ષથી અલગ રહેતી હતી એવી વિગત પણ પોલીસને જાણવા મળી છે. આ સમગ્ર બનાવમાં પોલીસકર્મીઓ પણ કેટલી હદે ડિપ્રેશનમાં રહે છે એની તરફ અંગુલિનિર્દેશ કરે છે.

અનેક લોકોને મોટિવેટ કરતી મનીષા પોતે ડિપ્રેશનનો શિકાર બની
શહેરની ખોખરા વિસ્તારમાં રહેતી મનીષા વાઘેલા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. 34 વર્ષીય મનીષા વાઘેલાની જવાબદારી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત સી ટીમની હતી. મનીષાને કોઇ મહિલા તકલીફમાં હોય કે કોઇ સિનિયર સિટિઝનને મદદની જરૂર હોય તો તે ત્યાં જઇને તેમને સમજાવવી મદદ કરતી હતી. તેની સાથે કોઇ મહિલા યુવતીઓ ડિપ્રેશનનો શિકાર બની હોય તો તેને મોટિવેટ કરવાની પણ કામગીરી મનીષા કરતી હતી.

મહિલા પોલીસકર્મીના આપઘાતને પગલે શબવાહિની લાવવામાં આવી.
મહિલા પોલીસકર્મીના આપઘાતને પગલે શબવાહિની લાવવામાં આવી.

26 જાન્યુઆરીએ પરેડમાં ખાસ પર્ફોર્મન્સ આપવાની હતી
અનેક ડિપ્રેશનના લોકોને મદદ કરનાર મનીષા ખુદ એનો શિકાર બની હતી. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મનીષા પોતે ખૂબ ખુશમિજાજની હતી. તેના પતિથી તે ચાર વર્ષથી અલગ રહેતી હતી. આગામી 26મી જાન્યુઆરીની પરેડમાં તે ખાસ પર્ફોર્મન્સ આપવાની હતી, જે માટે તેમને એસઆરપીમાં થોડા સમય માટે મૂકવામાં આવી હતી, તેણે એ માટે રજા પમ લીધી હતી. આ બધાની વચ્ચે મનીષા કયા કારણસર આત્મહત્યા કરી એ જાણવા માટે ખોખરા પોલીસે મનીષાના બે મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, જેમાંથી મનીષાની આત્મહત્યા માટેનું કોઇ કારણ જાણવા મળે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમદાવાદના મણિનગરના ગોરના કૂવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા. એ દરમિયાન જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો અને ત્રણેક દિવસ વીતી જતાં લાશ ડિકમ્પોઝ થવા લાગી હતી, જેને પગલે અસહ્ય દુર્ગંઘ આવતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી.

મહિલા પોલીસકર્મીના આપઘાતથી સ્વજન શોકાતુર.
મહિલા પોલીસકર્મીના આપઘાતથી સ્વજન શોકાતુર.

પતિ અને પુત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા
મહિલા પોલીસકર્મીએ ત્રણેક દિવસથી પહેલાં આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. ત્યારે મહિલા પોલીસકર્મીનો પતિ અને પુત્ર જામનગરમાં એક લગ્નપ્રસંગમાં ગયા હોવાનું સામે આવ્યું છે. મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે.

પાલડીમાં હેડ કોન્સ્ટેબલે લોકરમાંથી રિવોલ્વર કાઢી માથામાં ગોળી ધરબી હતી
પાંચ મહિના અગાઉ જ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ પોલીસ સ્ટેશનમાં જ લમણે સરકારી પિસ્તોલ મૂકીને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પારિવારિક કંકાસ કે અંગત કારણથી પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાનું પોલીસનું અનુમાન હતું. જ્યારે મૃતક પોલીસકર્મીના પરિવારે પાલડી પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીઓ પર હેરાનગતિનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...