મજાક ભારે પડી:મહિલા મેડિકલ ઓફિસર ખુરશી પર બેસવા ગયા અને ડોક્ટરે ખુરશી ખેંચતા ધડામ લઈને પટકાયા, કરોડરજ્જુમાં ઈજા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નારોલ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
નારોલ પોલીસ સ્ટેશન
  • બનાવ બન્યાના અનેક મહિનાઓ બાદ મહિલા ડોક્ટરે ફરિયાદ નોંધાવી
  • સાથી ડોક્ટરે સમાધાન કરવાનું કહી સારવાર ખર્ચ ન આપતા ગુનો નોઁધાયો

ઓફિસમાં સામાન્ય રીતે કર્મચારીઓ એકબીજાની મજાક મશ્કરી કરતા હોય છે. પરંતુ ક્યારેક મજા કોઈના માટે સજા પણ બની જતી હોય છે. આવા જ એક બનાવ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તે મુજબ દસ્ક્રોઈ તાલુકા હેલ્થ ઓફિસમાં મેડિકલ ઓફિસર ખુરશી પર બેસવા જતાં હતાં ત્યારે સહકર્મી ડોક્ટરે ખુરશી ખેંચી લેતા તે ધડામ લઈને પટકાયા હતા. જેથી તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. જેનો સારવાર ખર્ચ ડોક્ટરે ન ચૂકવતાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા નીચે પટકાતા ઊભા પણ થઈ શકતા ન હતા
શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહિલા દસ્ક્રોઇ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ત્રણેક વર્ષથી ફરજ બજાવે છે. ગત વર્ષ 2020માં બપોરે તેઓ દસ્કોઈ તાલુકા હેલ્થ ઓફિસ નારોલ ખાતે હાજર હતા. ત્યારે ઓફિસમાં અન્ય ડોક્ટર પણ હાજર હતા. તે વખતે મહિલા ડોક્ટર ખુરશી ઉપર બેસવા જતાં અચાનક તેમની સાથે કામ કરતા ડોક્ટર ભાવેશ લિંબાચીયાએ ખુરશી ખેંચી લેતા તે જોરથી નીચે પડી ગયા હતા. જેથી તેઓને કમરમાં દુઃખાવો ચાલુ થઈ ગયો હતો અને તેઓ ઊભા થઇ શકતા ન હતા. ત્યારે આ ડોક્ટર ભાવેશે મશ્કરી રૂપ ગણી આવી ગંભીર હરક્તને અવગણીને મહિલાને જણાવ્યું હતું કે બેન હું મજાક કરવા ગયો હતો અને મજાકમાં ખુરશી ખેંચી અને આવું થઈ ગયું હતું. બાદમાં મહિલાને કમરના ભાગે દુઃખાવો થતો હોવાથી માંડ તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા.

કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં મણિનગરમાં સારવાર કરાવી
બાદમાં તેઓએ અલગ-અલગ ડોક્ટરને બતાવ્યું હતું. છતાં દુઃખાવામાં ફેર પડ્યો ન હતો. બે મહિનાથી વધુ સમય સુધી તેઓને દુઃખાવો ઓછો થતો ન હતો. ત્યારબાદ તેમણે નવરંગપુરા ખાતે એક ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે એમ.આર.આઈ કરાવતા તેઓને કરોડરજ્જુની પૂંછડીમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેઓ મણિનગર ખાતે આવેલી એક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા ગયા હતા. ત્યાં તેઓને ડોક્ટરે જણાવ્યું હતું કે લિનિયર ક્રેક ઇન સેક્ર છે. બાદમાં તેઓ મેમનગર ખાતે અન્ય ડોક્ટર પાસે તબિયત ન સુધરતા બતાવવા ગયા હતા.

બંને વચ્ચે સમાધાનની વાત ચાલતી હતી
બાદમાં ડોક્ટર ભાવેશે આવું મશ્કરીમાં અપમાનજનક વર્તન કર્યું હોવાનું જણાવી તેઓ પોતાની શરતોએ રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા અને સમાધાનની વાત ચાલતી હતી. જેથી મહિલાએ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં ભાવેશ લિંબાચીયા આ વાત ઉપર મંજુર ન થતાં જેને લઇને મહિલાએ આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે IPC 338 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.