સ્કૂલ ફી વિવાદ:FRCએ નક્કી કરેલી ફી વેબસાઈટ પર દેખાતી જ નથી, સ્કૂલો વધુ ફી લેતી હોવાનો વાલીઓનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
FRCની વેબસાઈટ પર ફીની વિગત દેખાતી જ નથી - Divya Bhaskar
FRCની વેબસાઈટ પર ફીની વિગત દેખાતી જ નથી
  • હજુ સુધી નક્કી કરેલ ફી FRCની વેબસાઈટ પર મુકવામાં આવી નથી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. પરંતુ તેનો પરિપત્ર નહોતો કર્યો. આ પરીપત્રને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. સરકારે પરીપત્ર જાહેર નહીં કરતાં સ્કૂલો વાલીઓ પાસેથી મનફાવે તેમ ફી ઉઘરાવી રહી છે. બીજી તરફ FRC દ્વારા વર્ષ 2021-22ની ફી નક્કી કરવામાં આવી છે. ત્યારે FRCની વેબસાઈટ પર પણ નક્કી કરેલ ફી મુકવામાં આવે છે પરંતુ FRCની વેબસાઈટ માત્ર વર્ષ 2021-22ની ફી એટલું જ લખીને મુકવામાં આવ્યું છે. જયારે અંદર વેબસાઈટ ખોલવામાં આવે ત્યારે નક્કી કરેલ નક્કી ફી દેખાતી જ નથી જેને કારણે વાલીઓને વધુ ફી ચૂકવવી પડે છે.

સ્કુલો FRCના નામે વધુ ફી ઉઘરાવે છેઃ વાલીઓનો આક્ષેપ
FRC દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેની માહિતી માત્ર સ્કૂલોને જ આપવામાં આવે છે.વાલીઓ માટે ફી જાણવા FRCની વેબસાઈટ પર ફી મુકવામાં આવે છે પરંતુ હજુ સુધી નક્કી કરેલ ફી FRCની વેબસાઈટ પર મુકવામાં આવી નથી. જેના કારણે વાલીઓ પરેશાન થયા છે.વાલીઓનો આક્ષેપ છે કે FRC દ્વારા ફી મુકવામાં આવતી નથી જેથી સ્કુલો FRCના નામે વધુ ફી ઉઘરાવે છે.વાલીઓના જણાવ્યા અનુસાર સ્કુલ દ્વારા વધુ ફી વસુલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે FRCએ અમારી વધુ ફી મંજુર કરી છે જેથી વધુ ફી આપવી પડશે માટે સ્કૂલોને પૂરી ફી આપવી પડી છે. જો FRC દ્વારા વેબસાઈટ પર ફી મુકવામાં આવે તો અમે જાણી શકીએ કે હકીકતમાં કેટલી ફી ભરવાની છે અને સ્કૂલો વધુ ફી લેતી હોય તે ના લઇ શકે.

નવા શિક્ષણમંત્રીએ પણ પરિપત્ર કરવામાં રસ ન દાખવ્યો
પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફી માફી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ એ અંગેનો કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નહોતો, જ્યારે નવા શિક્ષણમંત્રી જિતુ વાઘણીએ જૂના શિક્ષણમંત્રીએ વાલીઓના હિતમાં કરેલી જાહેરાતમાં ખાસ રસ ન લીધો અને હજુ સુધી કોઈ પરિપત્ર પણ જાહેર કર્યો નથી. 25 ટકા ફી માફી માટે કેમ પરિપત્ર જાહેર કરવામાં આવતો નથી એ પણ સવાલ છે.ફી માફીની રાહતની અંદાજિત ગણતરી મુજબ હાલ રાજ્યમાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ મળીને કુલ 61 હજાર જેટલી સ્કૂલ અને 40 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે.

વિદ્યાર્થીદીઠ સરેરાશ 2500ની ફી માફી થઈ શકે છે
હાલ ગુજરાતમાં 40 લાખ કરતાં વધુ બાળકો ધોરણ 1થી 12માં અભ્યાસ કરે છે. ગ્રાન્ટેડ સ્કૂલથી લઈને હાઇફાઈ ખાનગી સ્કૂલોમાં 2000થી લઇને 2 લાખ સુધીની ફી લેવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થીની સરેરાશ ફી 10,000 પ્રતિ વર્ષ છે અને આ ફીમાંથી 25 ટકા ફી માફી મળે તો એક વિદ્યાર્થીને સરેરાશ 2500 રૂપિયાની ફી માફી મળે. હવે 40 લાખ વિદ્યાર્થીઓને સરેરાશ 2500 રૂપિયા ફી માફી મળે તો કુલ 1000 કરોડ રૂપિયાની ફીમાં રાહત મળી શકે.

ફી માફી આપે તો વાલીઓની આર્થિક સ્થિતિ સુધરી શકે છે
શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રી ઈચ્છે તો વિદ્યાર્થીઓ માટે જે જાહેરાત કરી છે એ મુજબ 1000 કરોડની ફી માફી અપાવી શકે છે. છેલ્લા ચારેક મહિનાથી માંડ ધંધા-રોજગાર પાટા પર ચડ્યા છે, ત્યારે વાલીઓને ફીમાં રાહત આપવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. અનેક વાલીઓએ ખાનગી સ્કૂલોમાં મોંઘીદાટ ફી ભરીને ભણાવતાં બાળકોને કોરોનાને કારણે સરકારી સ્કૂલોમાં મૂક્યાં છે, જ્યારે શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાતનું નવા શિક્ષણમંત્રી અમલ કરાવવા પરિપત્ર જાહેર કરે એની વાલીઓ પણ રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...