મેમ્કો વિસ્તારમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વિવિધ એક્ટિવિટી અને રમતો રમવા અનેક લોકો આવે છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 21 જેટલી વિવિધ એક્ટિવિટી- રમતો થાય છે. આજે મળેલી રિક્રિએશનલ કમિટીમાં આ તમામ એક્ટિવિટીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક રમતો માટે જે ચાર્જ લેવામાં આવે છે, તેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વાર્ષિક રૂ. 9.30 લાખનો વધારો થશે. જોકે કઈ એક્ટિવિટી કે રમત માટે કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેની વિગત હજી સુધી જાહેર કરવામાં આવી નથી.
2010થી શરૂ કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં 2 હજાર સભ્ય
રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુ દવેએ જણાવ્યું હતું કે, આજે મળેલી કમિટીમાં મેમ્કો વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જે વિવિધ એક્ટિવિટી અને રમતો માટે ચાર્જ લેવામાં આવે છે જેમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. આશરે 37000 ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં આધુનિક કક્ષાનું વીર સાવરકર રમત ગમત સંકુલ વર્ષ 2010માં શરૂ થયું હતું. હાલમાં 2000 જેટલા સભ્યો છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓપરેશન્સ તથા મેઇન્ટનન્સ તથા સિવિલ વર્કના રીપેરીંગ તથા અન્ય ખર્ચાઓમાં વધારો થયો છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રિપેરિંગ કરાયું
વર્ષ 2021-22માં રૂ. 43 લાખના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. તે સિવાય ફુટબોલ ગ્રાઉન્ડના નવીનીકરણ માટે પણ ખર્ચ થયો હતો. જેની સામે રૂ. 27.90 લાખ આવક થઈ છે. જેથી આવક સામે ખર્ચમાં વધારો થયો હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેનાથી રૂ. 9.30 લાખની વાર્ષિક આવકમાં વધારો થશે.
અમૂલને બગીચાના મેન્ટેનન્સ માટે સૂચના અપાઈ
આ ઉપરાંત આજે મળેલી કમિટીમાં શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા ત્રણ બગીચાઓ જે અમૂલ હસ્તગત છે તેમાં મેન્ટેનન્સ અને યોગ્ય રીતે ઝાડમાં પાણી ન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે અમૂલને આ બાબતે જાણ કરી અને યોગ્ય રીતે જાળવણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.