ફી ચૂકવવા માગ:સરકારને પણ ફી વધારો, RTE માટે 188 કરોડ વધુ ફી ચૂકવશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ફીની મર્યાદા 10 હજાર હતી, હવે તેમાં રૂ.3675નો વધારો કરાયો
  • સંચાલકોએ સ્કૂલોની ફી પ્રમાણે ફી ચૂકવવા માગ કરી હતી

સરકારે આરટીઈના વિદ્યાર્થીઓની સ્કૂલોને ચૂકવાતી ફીમાં રૂ.3675નો વધારો કર્યો છે. હવે સ્કૂલોને 10 હજારની જગ્યાએ વિદ્યાર્થીદીઠ 13,675ની મર્યાદામાં રકમ ચૂકવાશે. અત્યારે રાજ્યમાં 5.12 લાખ આરટીઈના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નક્કી થયેલી નવી ચુકવણી મુજબ સરકાર ખાનગી સ્કૂલોને અંદાજે 188 કરોડ જેટલી રકમ ચૂકવશે. અમદાવાદ શહેરમાં જ આરટીઈ અંતર્ગત એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 90 હજાર છે, તેથી સરકાર હવે માત્ર અમદાવાદ શહેરમાં જ 33 કરોડ વધારે ચૂકવશે.

આ પહેલાં સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, સરકાર દ્વારા આરટીઈના વિદ્યાર્થીઓની ફી લેખે જે રકમ ચૂકવાય છે, તેની જગ્યાએ એફઆરસીએ નક્કી કરેલી ફી ચૂકવવામાં આવે, જેને કારણે સંચાલકોએ હાઈ કોર્ટમાં પણ દાદ માગી હતી, પરંતુ હવે શિક્ષણ વિભાગે સ્કૂલોને ચૂકવવાની રકમમાં વધારો કર્યો છે, પરંતુ આ વધારો દરેક સ્કૂલોને મળશે નહીં. શહેર ડીઈઓએ 13 હજાર કરતાં વધારે ફી ધરાવતી તમામ સ્કૂલોની માહિતી મગાવી છે.

એટલે કે જો કોઈ સ્કૂલની ફી 13 હજાર કરતાં ઓછી હશે તો તેમણેે તેમની ફી પ્રમાણેની રકમ ફાળવાશે અને જો સ્કૂલની ફી 13 હજાર કરતાં વધારે હશે તો તેમને 13,675ની મર્યાદામાં રકમ ચૂકવાશે. સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, આરટીઈના વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે અમારી રજૂઆત હતી કે, સ્કૂલોની ફી પ્રમાણે જ આરટીઈના વિદ્યાર્થીઓની ચુકવણી કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા 10 હજારની મર્યાદા નક્કી કરી દેવાઈ હતી. જ્યારે સંચાલકોનો તર્ક હતો કે, હવે સ્કૂલોની ફી પણ સરકારી એજન્સી દ્વારા જ નક્કી કરાય છે. આથી સરકારે એ પ્રમાણે ચુકવણી કરવી જોઈએ. આ માટે અમે હાઈ કોર્ટમાં પણ મદદ માગી હતી. હાઈ કોર્ટે પણ આ મુદ્દા અમુક સૂચનો સરકારને કર્યાં હતાં.

વાલીને ચૂકવાતી રકમમાં કોઈ વધારો કરાયો નથી
આરટીઈમાં એડમિશન લેનારાં બાળકને સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે માટે સરકાર 3 હજારની ચુકવણી કરે છે. સ્કૂલોની ફીમાં વધારો કરાયો છે, પરંતુ વાલીઓને ચૂકવવાની રકમમાં કોઈ વધારો કરાયો નથી. વાલીને નવા વર્ષે પણ 3 હજારની રકમ જ મળશે.

10 હજારની મર્યાદામાં ફી ચૂકવાતી હતી
અત્યાર સુધી આરટીઈના વિદ્યાર્થીઓની ફી લેખે સ્કૂલોને 10 હજારની મર્યાદામાં ચુકવણી થતી હતી. હવે સ્કૂલની ફીને ધ્યાને લઈ 13675 ચૂકવાશે. આ પહેલાં હાઈ કોર્ટ આરટીઈની ચૂકવાતી ફી અંગે રિકેલ્ક્યુલેશન કરવાની સૂચના આપી હતી. > ડો. એમ.આઈ. જોશી, પ્રાથમિક શિક્ષણ નિયામક

અન્ય સમાચારો પણ છે...