શપથમાં 'ગ્રહણ':ભાજપને બળવાનો ડર, સિનિયર મંત્રીઓની નારાજગીનો મામલો દિલ્હીમાં મોદી-શાહ સુધી પહોંચ્યો, શપથવિધિ અટકી

અમદાવાદ10 મહિનો પહેલા
  • ભાજપના ટોપ 5 નેતાનું રટણ, હું નહિ તો મારાને આપો સ્થાન
  • નવી મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મૂકી દેવાયા છે

ગુજરાતમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળના અચાનક રાજીનામાથી ગુજરાત ભાજપમાં રાજકીય ગરમાવો શરૂ થયો હતો, જેમાં મુખ્યમંત્રી તરીકે નવા નિશાળિયા ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવતાં પક્ષના સિનિયર ધારાસભ્યો અને મંત્રીઓમાં ભારે કચવાટ ઉભો થયો હતો. તેમા પણ મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મૂકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતાં નારાજગી અને અસંતોષનો દાવાનળ ઊભો થયો હતો, જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શપથવિધિ અટકવા પાછળ મંત્રીમંડળની યાદી જવાબદાર હોઈ શકે છે. હાલમાં સિનિયર નેતાઓનું હું નહિ તો મારાને આપો સ્થાનનું રટણ શરૂ થયું છે અને પોતાના માણસોને મંત્રી મંડળમાં સામેલ કરવા દબાણ કરી રહ્યા છે.

મંત્રીઓની નારાજગીના સૂર હાઈકમાન્ડ સુધી પહોંચ્યાં
ગઈકાલે મધરાતથી મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળો બાદ આજે સવારથી નવા મંત્રીઓની રચાના અંગે પ્રમુખ સી.આર પાટીલના બંગલે બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. તો બીજીબાજુ નારાજ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યો પણ પક્ષના ઉચ્ચે આગેવાનો અને છેક દિલ્હી સુધી રજૂઆતો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પણ સિનિયર મંત્રીઓએ ભેગા થઈ નારાજગીનું સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર

ભાજપમાં ફરીએકવાર જૂથવાદ શરૂ થયો
ગુજરાતમાં એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. તેમા પણ નાયબ મુખ્યમંત્રી સહિતના સિનિયર પાટીદાર ધારાસભ્યો અને મંત્રીઓને પડતા મુકીને પહેલી ટર્મમાં જ ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાતા પક્ષમાં કચવાટ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કૈશિક પટેલ તેમજ ગણપત વસાવા જેવા સિનિયર મંત્રીઓને રાતોરાત ઘરભેગા કરવાની અટકળો શરૂ થતા ભાજપમાં ફરીએકવાર જૂથવાદની સાથે આંતરિક મતભેદો સપાટી પર આવી જતા મંત્રીઓની શપથવિધિ મોકૂફ રાખવી પડી હતી.

અંતિમ સમયમાં શપથવિધિ અટકાવી પોસ્ટરો હટાવી દેવાયા
અંતિમ સમયમાં શપથવિધિ અટકાવી પોસ્ટરો હટાવી દેવાયા

શપથવિધિના પોસ્ટર હટાવાયા, હવે કાલે યોજાઈ શકે
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ રાજભવન ખાતે આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. જેને બાદમાં હટાવી દેવાયા છે. પરંતુ હવે તે કાલે યોજાય તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું. હવે મંત્રીમંડળની રચના માટે અનેક જુના લોકોને પડતા મુકીને નવા ને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે. પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...