સમીર રાજપૂત
એચ3એન2 વાઈરસના ચેપના ભયે શહેરમાં શરદી-ખાંસી અને તાવ જેવી ફલૂની સાદી અને એન્ટિબાયોટિક્સ દવાના વેચાણમાં 25થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. જશવંત પટેલ જણાવે છે કે, ઈન્ફલુએન્ઝા એચ3એન2 વાઈરસને પગલે છેલ્લા એક મહિનામાં ફલૂની વિવિધ દવાના વેચાણમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ કરીને એન્ટિબાયોટિક્સ, પેરાસિટામોલ, કફ સીરપ જેવી દવાઓનું વેચાણ વધ્યું છે.
એન્ટિબાયોટિક્સ દવાના વેચાણમાં ઉછાળો આવ્યો
આ વાઈરસ ખૂબ ઝડપથી ફેલાતો હોવાથી ઘરમાં એક વ્યક્તિને થાય તો અન્ય પરિજનોને અસર થાય છે. પરંતુ, ડોક્ટર તાવમાં લીવો સાયટ્રીઝાઇન, ડોલો, એઝિથ્રામાયસિન અને એલોપથી અને આયુર્વેદિક કફ સીરપ આપતાં ફલૂ કંટ્રોલમાં આવી જાય છે. આ ઉપરાંત વિટામીન, મિનરલ્સ, ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ અને ઈમ્યુનિટી બુસ્ટરના વેચાણમાં પણ અંદાજે 20 ટકાની આસપાસ વધારો થયો હોવાનું ફેડરેશનનું કહેવું છે.
ડોકટરની સલાહ બાદ જ દવા લેવી
તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે, શરદી-ખાંસી, તાવની તકલીફમાં લોકો દવાની દુકાને જઇને જાતે જ દવા ખરીદીને ગળી લેતા હોય છે, તેમાંય ખાસ કરીને એન્ટિબાયોટિક્સ જેવી દવાઓની સાઈડ ઇફેક્ટ વધુ હોવાથી ડોક્ટરની સલાહથી જ લેવી જોઇએ. કારણ કે, એન્ટિબાયોટિક્સ શેડ્યુલ-એચ દવા ડોક્ટર દર્દીના રિપોર્ટ કઢાવ્યા બાદ જરૂર લાગે ત્યારે અપાતી હોય છે.
1 દિવસમાં કોરોનાના 62 કેસ, બે દિવસમાં બમણા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62 કેસ નોંધાયા છે. બે દિવસમાં જ કોરોનાના દૈનિક કેસમાં બમણો વધારો થયો છે. જો કે, 12 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ જાહેર કરાયા હતા. છેલ્લા 3 દિવસમાં કોરોનાના 149 કેસ નોંધાયા છે. 14 માર્ચે 30, 15 માર્ચે 49 અને ગુરુવારે 62 કેસ નોંધાયા હતા. એટલે કે બે દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. શહેરમાં હાલ કોરોનાના 160થી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 119 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાથી સાજા થતાં 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને 113 નાગરિકોએ કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિન લીધી હતી. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.