બ્લાસ્ટ સાથે જીવતી જિંદગીઓ:બ્લાસ્ટમાં એક કાનમાં ધાક પેસી જતાં હજુ પણ ઓછું સંભળાય છે, દવા લેવા ગયા 'ને દસ ફૂટનાં અંતરે બ્લાસ્ટ થતાં શરીરમાં છરા ઘૂસ્યાં હતા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડોક્ટરે સર્જરી શરૂ કરી પણ છરા શરીરમાં ઊંડા ઊતરતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવો પડ્યોઃ પીડિત

2008માં અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ વખતે થયેલા ઇજાના નિશાન હજુ સુધી તાજા જ છે. આવો જાણીએ પીડિતોના શબ્દોમાં...

કેન્દ્રની 50 હજારની સહાય આજ સુધી મળી જ નથી
રાયપુરમાં રહેતા પરેશ મિસ્ત્રી દવા લેવા ગયા હતાં અને તેમની દસ ફૂટનાં અંતરે જ બ્લાસ્ટ થતાં તેમના સમગ્ર શરીરમાં છરા કરચો ઘૂસી ગયા હતાં. આજે પણ પરેશભાઇનાં પગમાં જ્યાં ઇજા થઇ હતી તે ગમે ત્યારે પાકી જાય છે. બ્લાસ્ટમાં એક કાનમાં ધાક પેસી જતાં તેમાં બહેરાશ આવી ગઇ છે. કેન્દ્ર સરકારે પણ અમારા માટે 50 હજારની સહાય જાહેર કરી હતી. પરંતુ તે સહાય અમને આજ સુધી મળી નથી. કલેક્ટર કચેરીએ અમારી પાસે વારંવાર વિગતો લીધી પરંતુ હજુ સુધી સહાય મળી નથી.

14 વર્ષે એક્સ-રે કરાવ્યો તો છરો હોવાનો ખ્યાલ આવ્યો
14 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ગંભીર ઈજા પામેલા રમણભાઈ માળીએ મહિના પહેલા દાંતની સારવાર કરાવી હતી ત્યારે ડૉક્ટરે એક્સ-રે પડાવ્યો જેમા તેમના જમણા લમણામાં હજુ બ્લાસ્ટમાં વાગેલો છરો હોવાનો ખ્યાલ આવ્યો હતો. રમણભાઈએ કહ્યું કે, બ્લાસ્ટ થયાના સમાચાર આવતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ટ્રોમા સેન્ટર પાસે દર્દીઓને મદદ કરી રહ્યાં હતાં ત્યાં વાહનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે જમણા પગના ઘૂંટણ નીચોનો ભાગ ચીરાઈ ગયો હતો.

મદદ માટે પહોંચ્યા, બ્લાસ્ટ થયો ને 50 છરા ઘૂસી ગયા
બ્લાસ્ટના દિવસે સિવિલના ટ્રોમા સેન્ટર પાસે ઘાયલોને મદદ કરવા ગયેલાં કેન્સર હોસ્પિટલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં ભૂપતસિંહ ચાવડા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ખભા, ઢીંચણ, કોણી, થાપાના ભાગે 50થી વધુ છરા ઘૂસી ગયા હતા.ડોક્ટરે છરા કાઢવાની સર્જરી શરૂ કરી પણ છરા વધુને વધુ શરીરમાં ઉતરતા જતાં હતા, ખાનગી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...