લોકશાહીનું પર્વ ગણાતી ચૂંટણીના બીજા તબક્કાના આજે મતદાન દરમિયાન અનેક લોકોએ મતદાન કર્યું હતું. તો કેટલાંક લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હતું. તેવા સમયે સૌ કોઇને પ્રેરણાં આપતાં અનેક કિસ્સાઓ આજે મતદાન દરમિયાન મતદાન મથકો પર જોવા મળ્યાં હતા. ત્યારે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતાં અને 80 ટકા વિકલાંગતા ધરાવતાં જય મહેશભાઇ ગાંગડીયા નામના 24 વર્ષના યુવાને વ્હીલચેર પર આવીને મતદાન કર્યું હતું. પિતા ગઇકાલે મહેશભાઈ પિતરાઈ ભાઈના બેસણાંમાં ગયા હતા. પરંતુ જયે મતદાન કરવાની જીદ કરતા મહેશભાઈને રાતે 1 વાગ્યે અમદાવાદ પાછું આવવું પડ્યું હતું.
100 ગ્રુપમાં મતદાન કર્યાનો મેસેજ કર્યો
આ મતદાનમાં બીમારી ધરાવતાં કે પછી લગ્નના મંડપમાંથી સીધાં મતદાન કરવા આવીને કે પછી વયોવુદ્ધોએ મતદાન કરીને ઉત્સાહ બતાવ્યો હતો. આવો જ ઉત્સાહ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતાં અને 80 ટકા વિકલાંગતા ધરાવતાં જય ગાંગડીયાએ વ્હીલચેર પર આવીને મતદાન કરી બતાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેણે અન્યને પ્રેરણા મળે તે માટે પિતા મહેશભાઇ મારફતે 100 ગ્રુપમાં પોતાના મતદાન કરીને આવેલાં ફોટાં સાથે મેસેજ મોકલ્યો હતો.
જય પેઇન્ટિંગ કરે છે, મોદીને પેઇન્ટિંગ આપવાનું સપનુ
જયના મતદાન કરવાના આગ્રહને વશ થઇને તેમના પિતાએ રાજકોટથી મોડીરાત્રે અમદાવાદ પરત ફરવાની ફરજ પડી હતી. જય ગાંગડિયાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ઇચ્છા પ્રગટ કરતાં કહ્યું હતું કે, તે પેઇન્ટિંગ કરે છે. તેણે ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને પેઇન્ટિંગ ગીફ્ટ કરી છે. હવે તેની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પેઇન્ટિંગ ગીફ્ટ આપવાની ઇચ્છા અને સ્વપનુ છે.
જય એક દિવસનો હતો ત્યારે મહેશભાઈએ દત્તક લીધો હતો
ઘાટલોડિયા વિસ્તારની હીરાકુંજ ફ્લેટમાં રહેતાં જયના પિતા મહેશભાઇ ગાંગડીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જય એક દિવસનો હતો ત્યારે તેમણે તેને દત્તક લીધો હતો. ત્રણ દિવસનો હતો ત્યારે તેને જોન્ડીસ થઇ જતાં વિકલાંગતા આવી ગઇ હતી. આજે તેને 80 ટકા વિકલાંગતાં છે. તેણે ધો.5 સુધી નોર્મલ શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ચાર વર્ષ વિકલાંગ શાળામાં અભ્યાસ કર્યો હતો.
અત્યારસુધીમાં જયે 300 પેઇન્ટિંગ તૈયાર કર્યા
મહેશભાઈ આગળ વાત કરતા જણાવે છે કે, જય પેઇન્ટિંગ કરે છે. અત્યારસુધીમાં તેણે 300 પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. તે ખાસ કરીને કુદરતી સૌદર્ય પર પેઇન્ટિંગ વધુ કરે છે. તેણે બે દિવસ પહેલાં જ ગુજરાતના રાજ્યપાલને પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. તેના પેઇન્ટિંગના 12 પ્રદર્શન કર્યા હતા. અમદાવાદ ઉપરાંત મુંબઇ સહિત વિવિધ સ્થળોએ કર્યા હતા. આગામી દિવસોમાં પણ મુંબઇ ખાતે પ્રદર્શન યોજવાના છીએ.
મહેશભાઈ ઓનલાઈન ટિકિટનો બિઝનેસ કરે છે
મહેશભાઇએ વધુમાં જણાવ્યું કે, જયને ચૂંટણીની જાહેરસભા, રેલી તેમજ મતદાન કરવાનો જબરો ક્રેઝ છે. તેઓ તેમના પિતરાઈ ભાઈ શૈલેષના બેસણાંમાં ગઈકાલે રવિવારે રાજકોટ હતા. પરંતુ તેને મતદાન કરવું હોવાનો આગ્રહ કરતાં તેઓ ગઇકાલે રાત્રે 1 વાગ્યે જ અમદાવાદ ઘરે આવ્યા હતા અને સવારે મતદાન કરવા આવી ગયા હતા. આમ તો તે પેઇન્ટિંગ ઉપરાંત મારે ઓનલાઈન ટિકિટનો બિઝનેસ છે જેથી તે કોમ્પ્યુટર તેમજ એક્સલ સીટ પર કામ કરે છે.
મહેશભાઈના પત્નીનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું
મહેશભાઈએ એમ પણ જણાવ્યું કે, મારે ઓનલાઇન ટિકિટિંગ તથા મિનરલ વોટરની એજન્સી છે. મારા પત્ની જયશ્રીબેન આજથી ચાર વર્ષ પહેલાં ફ્રેબુઆરી 2019માં અવસાન પામ્યા હતા. જય તમામ પ્રક્રિયા જાતે કરી શકતો નહીં હોવાથી હું ઘરેથી જ ધંધો કરું છું. એટલે કે ઘર જ મારી ઓફિસ, ગોડાઉન વગેરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.