વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને ઠગાઈ:અમદાવાદના વેપારી સાથે સુરતના પિતા-પુત્રની કરોડોની છેતરપિંડી, એકની ધરપકડ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપિંડી કરતા પિતા-પુત્ર વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અમદાવાદના વેપારીની ફરિયાદના આધારે 28 કરોડ 78 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલીસે પિતાની ધરપકડ કરી છે. જોકે આરોપી પુત્ર હજુ ફરાર છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી તેમના સુધી પહોંચી હતી.

ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી
અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે પકડેલા આરોપીનું નામ ઠાકરશી આનંદભાઈ ખેની છે. જે મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી છે. પરંતુ આરોપી અને તેના દીકરાને અમદાવાદના એક વેપારીને સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ 28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓ યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા. જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.

સાયબર ક્રાઈમે એકને ઝડપી પાડ્યો
​​​​​​​
અમદાવાદ સાયબર ક્રાઈમમાં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરશી ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી છે. જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર, બેન્ક એકાઉન્ટની વિગત તથા આઈએમઈઆઈ નંબર આપી એડ્રેસ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરશી ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમનો પુત્ર હજી પણ ફરાર છે. જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આરોપી પિતા-પુત્ર 2016થી સોફ્ટવેર કંપની ચલાવતા
​​​​​​​
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, આરોપી પિતા-પુત્ર 2016થી સોફ્ટવેર કંપની ચલાવતા હતા. જેમાં કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા, સ્ટુડન્ટોને ટેબલેટ આપવા, રોકાણમાં વધુ નફો આપવો, જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે, કોની પાસેથી મેળવ્યા? તે અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...