ગ્રામ્ય કોર્ટનો આદેશ:પુત્રના જામીન માટે ખોટી કંકોતરી રજૂ કરનાર પિતાને 5 વર્ષની સજા; ​​​​​​​પુત્રીના લગ્નની ખોટી કંકોતરી મૂકી હતી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દીકરીના લગ્ન ન હોવા છતાં હત્યાના કેસમાં જેલમાં રહેલા દીકરાને વચગાળાના જામીન પર છોડાવવા માટે દીકરીના લગ્નની બોગસ કંકોતરી મૂકી હાઈકોર્ટને ગેરમાર્ગે દોરનાર પિતાને અમદાવાદ ગ્રામ્ય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી. એ. ધાધલે પાંચ વર્ષની સજા ફટકારી છે.

કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપીએ હાઈકોર્ટ સાથે બનાવટ-કરી છે. પુત્રને જામીન પર છોડાવવા જે કૃત્ય કર્યું છે, તેને હળવાશથી લેવાય તેમ નથી. છેલ્લા 6 માસમાં હાઈકોર્ટ તરફથી ખોટા દસ્તાવેજના આધારે જામીન મેળવવાની પ્રેક્ટિસ વધી ગઈ છે, આથી જ હાઇકોર્ટે 6 કિસ્સામાં આવી વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવાના હુકમ કરેલા છે. આથી આ પ્રેક્ટિસને અટકાવવા માટે અને સમાજમાં દાખલો બેસે કે જો હાઈકોર્ટમાં ખોટા દસ્તાવેજના આધારે જામીન મેળવવાનો પ્રયત્ન કરીશું તો તેવા કૃત્યનું પરિણામ ભોગવવું પડશે.

કોર્ટે વધુમાં શ્લોક ટાંકતા નોંધ્યું કે, જો અન્ય જગ્યાએ પાપ કર્યા હોય તો તે તીર્થમાં જઈ તેનો નાશ કરી શકાય, પરંતુ જો તીર્થ ક્ષેત્રે પાપ કરો તો તેનો નાશ થતો નથી. તે વ્રજલેપ બની જાય છે. એટલે કે તેનો ક્યારેય નાશ ન થઈ શકે. સમાજમાં જે કાંઈ ખોટું કૃત્ય કરવામાં આવે તેવા કૃત્યને ન્યાયિક કાર્યવાહીમાં દંડિત કરી શકાય, પરંતુ જ્યારે ન્યાયિક કાર્યવાહીમાં જ ખોટું કૃત્ય કરવામાં આવે ત્યારે તે માફ ન કરી શકાય તેવું કૃત્ય બને છે.

વડોદરામાં રહેતા કાળુસિંહ મોરી (ઉં.68)નો પુત્ર નરેશ મોરી હત્યા કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. પુત્ર નરેશને વચગાળાના જામીન પર છોડાવવા માટે કાળુસિંહે દીકરી હેતલના 9, મે 2019ના રોજ લગ્ન રાખ્યા હોવાની કંકોતરી છપાવી, તે હાઈકોર્ટમાં વચગાળાની જામીન અરજીમાં મૂકી હતી. જોકે કોર્ટને શંકા જતાં તપાસના આદેશ આપ્યા હતા. આ કેસ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ફાલ્ગુની મહેતાએ 17 સાક્ષી તપાસી દસ્તાવેજો પુરાવા રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...