તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રૂકાવટ:અમદાવાદના સેટેલાઈટમાં માસ્કનો દંડ ભર્યા વગર પિતા-પુત્રી કારમાં ભાગ્યા, પોલીસે ફિલ્મીઢબે પીછો કરી પકડ્યાં

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં માસ્કના દંડને લઈ પોલીસ સાથે લોકોના ઘર્ષણના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. લોકો પોલીસને માસ્કના નામે પૈસા ઉઘરાવી લૂંટ ચલાવે છે કહી બોલાચાલી કરી ઝઘડા પર ઉતરી આવે છે. સેટેલાઈટ વિસ્તારમાં માસ્કનો દંડ ભર્યા વગર પિતા-પુત્રીએ કારમાં નાસી જતાં પોલીસે પીછો કર્યો હતો. ફિલ્મી રેસની જેમ પોલીસે પિતા-પુત્રીને સુપર સોસાયટી પાસે પોલીસે વાહન આડું મૂકી રોક્યા હતાં. પોલીસની ફરજમાં રૂકાવટ કરી બોલાચાલી કરતાં પોલીસે પિતા-પુત્રી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય બનાવમાં માસ્કના દંડ મુદ્દે જમાલપુર ખમાસા પાસે બે યુવકે ટ્રાફિક પોલીસને જાનથી મારવાની ધમકી આપતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સેટેલાઈટ પોલીસનો સ્ટાફ રામદેવનગર પાસે માસ્ક વગરના લોકો સામે કાર્યવાહી કરવા ઉભો હતો ત્યારે એક કારમાં ડ્રાઈવર સીટ પર બેઠેલો શખ્સ સરખું માસ્ક પહેર્યા વગર હોવાથી કારને રોકતા બાદલ કશ્યપ દલાલ (ઉ.વ.45) અને તેમની પુત્રી આસ્કા (ઉ.વ.18) પોલીસને તમે લૂંટવા બેઠા છો તેમ કહી બિભસ્ત વર્તન કરી એલફેલ બોલી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી. કારમાં બેસી બંને કાર લઇ ફરાર થઈ ગયા હતાં જેથી પોલીસે પીછો કરી અને રોડ પર આગળ સરકારી જીપ ઉભી રાખી હતી અને બંનેને પકડી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

બીજા બનાવમાં જમાલપુર ખમાસા ચાર રસ્તા પાસે શનિવારે સાંજે બે યુવક બાઈક પર માસ્ક પહેર્યા વગર બેઠા હતાં. ટ્રાફિક પોલીસ જવાન યુવરાજસિંહ ગોહિલે બન્ને યુવકને રોક્યા હતા. આથી બન્ને જેમફાવે તેમ બોલવા લાગ્યા હતા. બન્ને યુવકે બિભસ્ત અપશબ્દો બોલી પોલીસ જવાનને જાનથી મારવાની ધમકી આપી હતી. લોકોના ટોળાં એકત્ર થતા પોલીસે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે યુવરાજસિંહ ગોહિલની ફરિયાદના આધારે મોહમ્મદ રેહાન જહુર એહમદ શેખ અને તેના ભાઈ મોહમ્મદ અન્નાન (બન્ને રહે, તાનગરવાડ, પગથિયા, જમાલપુર) સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...