ઊભા પાકને નુકસાન:ખેડૂતોને 10 દિવસમાં ફરી પડ્યા પર પાટું

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકા, વિરમગામ, સાણંદ, દેત્રોજ, રામપુરા, ધંધુકા, ધોળકા તથા બોટાદ જિલ્લાના બરવાળા,ગઢડામાં ઢળતી બપોરે કરા સાથે વરસાદ પડતાં ઊભા પાકને નુકસાન

અમદાવાદ અને બોટાદ જિલ્લામાં શનિવારે ઢળતી બપોરે વાતાવરણ પલટાયું હતું. આકાશમાં એકાએક કાળાંડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને જોતજોતાંમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ જિલ્લાના ધોળકા, વિરમગામ, સાણંદ, દેત્રોજ, રામપુરા, ધંધુકા, ધોળકા તથા બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અડધાથી એક કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

ધોળકા : વાતાવરણાં 4-5 દિવસથી પલટો આવ્યો છે, જેમાં અગાઉ પણ તાલુકામાં વરસાદ પણ આવ્યો હતો. શનિવારે સાંજ સુધીમાં વરસાદી વાતાવરણ થતાં ઘઉંનો તૈયાર પાક ખેતરોમાં પલળી ગયો હતો. આ કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. પલળેલો માલ ખેડૂતો માર્કેટ યાર્ડમાં લઈ ન જઈ શકતાં હોવાથી પૂરતો ભાવ ન મળવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે.

રામપુરા ભંકોડા : માંડલ, રામપુરા સહિત પંથકમાં શનિવારે બપોર બાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પંથકના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદથી ઇસબગુલ, ઘઉં સહિતના પાકને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

વિરમગામ : વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર તેમજ માંડલ તાલુકામાં શનિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફુંકાયો હતો. પવન સાથે કાળાંડિબાગ વાદળો ગાજવીજ સાથે ચડી આવતાં વિરમગામ શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ડુમાણા નળકાંઠાનો ગ્રામ્ય વિસ્તાર, દસલાણા સહિત માંડલ વિસ્તારમાં કરા સાથે ઝાપટાં પડ્યાં હતાં. ધરતીપુત્રો વારંવાર થતાં માવઠાંથી ચિંતામાં મુકાયા હતા અને ઘઉં, કપાસ, એરંડા, જીરું સહિતના પાક લણવા, કાપવા સહિતના બાકી હોઈ કુદરત સામે લાચારી અનુભવતા હતા.

સાણંદ : તાલુકાના માણકોલ ચોકડી, મેલાસણા, કુંડલ, ઉપરદળ, ઝોલાપુર, ખોરજ, ઝોલાપુર, બોળ, ખોડા, વીરપુરા સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે સાંજે હવામાનમાં પલટો આવતાં કમોસમી વરસાદ પડ્યો હતો. વીજળીના ચમકારા, પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઈને ઘઉં, ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. કેટલાંક ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે.

કેટલાક ગામોમાં તો ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા ઘઉંના તૈયાર થયેલા પાક બચાવવા ટ્રેઝર મશીનથી પાક લણવાનું શરૂ કર્યું હતું. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારતીય કિસાન સંઘના સાણંદ તાલુકા પ્રમુખ અને ખેડૂત જગદીશસિંહ વાઘેલા (ખોડા)ના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના અને નળકાંઠા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

ચોકડી : બરવાળા તાલુકાના ચોકડી ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો જ્યારે તાલુકાના નભોઈ, પીપરિયા, ભીમનાથ, પોલારપુર સહિતનાં ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઘઉં, જીરું અને વરિયાળીના પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. પાક તૈયાર થવાની અણીએ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિતા પ્રસરી છે.

ગઢડા (સ્વામિના) : ગઢડા (સ્વામિના) શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત ચોમાસા જેવા માહોલ વચ્ચે બપોરે તડકો અને સાંજે વરસાદથી લોકો ડબલ ઋતુ અનુભવી રહ્યા છે. હવામાન ખાતાની આગાહીના પગલે ગઢડા પંથકમાં પણ કમોસમી માવઠું સર્જાતા લોકો દિવસે ઉનાળો અને સાંજે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. શનિવારે મોડી સાંજે પણ ભારે ગાજવીજ સાથે સતત વરસાદ શરૂ થયો હતો.

બાવળા બગોદરા : બાવળા તાલુકાનાં બગોદરા પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીંબાગ વાદળો છવાયા હતાં અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. બગોદરાની આજુબાજુમાં તેમજ નાનોદરા ગામની આજુબાજુમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડતા ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...