ખેડૂતો માટે ખુશખબર:ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને 7 ઓગસ્ટથી 10 કલાક વીજળી અપાશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડૂતોના ઊભા પાકને બચાવવામાં રાહત, આર્થિક નુકસાન નહીં ભોગવવુ પડે

રાજ્ય સરકારે આજે મળેલી કેબિનટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે આગામી 7મી ઓગસ્ટથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણય લઈ કપરાકાળમા ખેડૂતોની પડખે ઉભી રહી છે, ત્યારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આગામી 7મી ઓગસ્ટથી 10 કલાક વીજળી અપાશે.

મુખ્યમંત્રીને ખેડૂતોને રજૂઆત મળી હતી
ઉર્જામંત્રીએ ઉમેર્યુ હતું કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.

ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય માટે નિર્ણય
સૌરભ પટેલે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને અત્યારે 8 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે, જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહીં.

PM મોદીને રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિરના નિર્માણના શિલાન્યાસની ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
ઊર્જામંત્રી સૌરભ પટેલે આ અંગેની વિગતો આપતા કહ્યું કે રાજ્ય મંત્રીમંડળે ભગવાન શ્રી
રામના મંદિરના નિર્માણ માટેની સૈકાઓની તપસ્યા અને શ્રદ્ધા પ્રધાનમંત્રીના કુશાગ્ર નેતૃત્વમાં ફળીભૂત થઇ છે તેનો આનંદ વ્યકત કરી મ્હો મીઠું કર્યુ હતું. રાજ્ય મંત્રીમંડળે આ અવસરને 21મી સદીના ઇતિહાસની સુવર્ણ ઘટના ગણાવતાં ભારત માતાને જગતગુરૂ બનાવવામાં આવનારા દિવસોમાં આ રામ મંદિર નિર્માણથી નવી દિશા મળશે તેવો વિશ્વાસ પણ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતા વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...