મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે, રૂ.2500 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી ઝડપાયો, મેડિકલ શિક્ષણમાં OBCને 27%, આર્થિક પછાતને 10% અનામત

અમદાવાદ3 મહિનો પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 30 જુલાઈ, અષાઢ વદ સાતમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
2) રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, 47.53 લાખના ખર્ચે 3 નવી કાર ખરીદવા સહિત 39 દરખાસ્તનો નિર્ણય લેવાશે.
3) રાજકોટનાં 2 સિનેમાઘર શરૂ થશે, દિવસ દરમિયાન અલગ અલગ 4 શો બતાવવામાં આવશે.
4) સુરત શહેરનાં 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં આજથી વધુ 5 વર્ષ અશાંત ધારાનો અમલ કરાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) રૂ.2500 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી શાહીદ સુમરા ગુનેગારોને નેપાળ બોર્ડરથી પાકિસ્તાન મોકલતો, ડ્રગ્સની કટકી કરી આતંકીઓને મદદ કરતો
ગુજરાત ATSની ટીમે રૂ.2500 કરોડના ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપી શાહિદ કાસમ સુમરાની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કચ્છના માંડવીનો શાહિદ સુમરા માત્ર ડ્રગ્સ કેસમાં જ નહીં, પણ આતંકવાદમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. ડ્રગ્સની કટકી અને હવાલા દ્વારા આતંકી ફંડિંગ થતું હતું.

વાંચો સમાચાર વિગતવાર
2) વડોદરાની સયાજી હોસ્પિ.ના કોવિડ વોર્ડમાં પેરેલાઈઝ મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોઈ પતિ ચોંકી ઊઠ્યો, સ્ટાફે કહ્યું:'તમે મોઢું લૂછી નાખજો'
વડોદરાની સયાજી હોસ્પિટલના લાલિયાવાડીને લઇને અવારનવાર વિવાદોમાં આવતી રહે છે, ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં વધુ એક લાલિયાવાડી આવી સામે આવી છે, જેમાં પેરાલિસિસથી પીડિત કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના મોઢા પર કીડીઓ ફરતી જોવા મળી હતી. પત્નીના ચહેરા પર કીડીઓ ફરતી જોતાં પતિ ચોંકી ઊઠ્યો હતો. પતિએ વીડિયો ઉતારીને વાઇરલ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર
3) સુરતમાં જાહેરમાં જ રોડ પર બ્લેડથી યુવાન પોતાનું જ ગળું કાપવા લાગતાં લોકો આશ્ચર્યમાં પડી ગયા, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
સુરત શહેરના પાંડેસરા પ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક વિભાગના એક LRએ TRB જવાનો સાથે દોડી જઇ યુવાનને બચાવી લીધો હતો. એટલું જ નહીં, તાત્કાલિક 108ને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી લીધી હતી.

વાંચો સમાચાર વિગતવાર
4) ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શહીદ, ભીની આંખે બહેને કર્યા ભાઇના અંતિમસંસ્કાર
ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતાં આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક જવાનનાં બહેન દ્વારા અંતિમસંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે આખું લીલાપુર ગામ હિબકે ચડ્યું હતું. શહીદ કુલદીપભાઈનાં બેન મેઘાબેન દ્વારા અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર
5) મેડિકલ શિક્ષણમાં OBCને 27%, આર્થિક પછાતને 10% અનામત; 2021-22ના સત્રથી જ અમલ
મેડિકલક્ષેત્રે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કરતા પછાત જાતિ (OBC) અને આર્થિક રીતે નબળા (EWS) માટે અનામતની જાહેરાત કરી છે. સરકારે ઓબીસીને 27% અને આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 2021-22ના સત્રથી જ લાગુ કરવામાં આવશે.

વાંચો સમાચાર વિગતવાર
6) શર્લિન ચોપરાનો ધડાકો, 'રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી હતી'
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસે આવીને શર્લિને કહ્યું હતું કે રાજ કુંદ્રા 27 માર્ચ, 2019ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેમની વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે.

વાંચો સમાચાર વિગતવાર
7) જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 18 લોકોનાં મોત; ઉત્તરાખંડમાં 80 ગામ સંપર્કવિહોણાં
ભારે વરસાદ પહાડી રાજ્યો પર આફત બની તૂટી રહ્યો છે. બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં 18 લોકોનાં મોત થયાં છે અને 50 લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં ઋષિકેશ-ચીલા માર્ગ પર બીન નદીનો જળસ્તર વધી ગયો છે. એને લીધે 80 ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

વાંચો સમાચાર વિગતવાર
8) મેરિકોમનું ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું તૂટ્યું, 3માંથી 2 રાઉન્ડ જીતી હોવા છતાં હારી
ટોક્યો ઓલિમ્પિક્સમાં બોક્સર એમસી. મેરીકોમ હારીને મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેરીકોમને 51 કિલોગ્રામ વેઇટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કોલંબિયાની વિક્ટોરિયા ઇનગ્રિટ વેલેંસિયાએ હરાવી હતી. પહેલા રાઉન્ડમાં વેલેંસિયાના પક્ષમાં 5માંથી 4 જજોએ નિર્ણય સંભળાવ્યો હતો. વળી બીજા રાઉન્ડમાં ત્રણેય જજોએ મેરીકોમને બેસ્ટ પ્રદર્શન કર્યું હોવાની જાણ કરી હતી. મેરીકોમને ત્રીજા રાઉન્ડમાં વેલેંસિયાએ 3-2થી હરાવી મેચ જીતી લીધી હતી.

વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમેરિકામાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
2) ટોક્યો ઓલિમ્પિક્સમાં પીવી સિંધુ, બોક્સર સતીશ અને હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
3) વિદ્યા પ્રવેશથી પ્લે સ્કૂલનો કોન્સેપ્ટ ગામડાં સુધી પહોંચાડાશે, એન્જિનિયરિંગનો અભ્યાસ 11 ભાષાઓમાં કરાશે
4) પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થાય એવી શક્યતા, રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓના સૂચનો માગ્યા

આજનો ઈતિહાસ
30 જુલાઈ 1987ના રોજ શ્રીલંકામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર વિજિથા રોહન વિજેમુનિ નામના સૈનિકે બંદૂકના કુંદાથી હુમલો કર્યો હતો.

અને આજનો સુવિચાર
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...