અફવાથી દૂર રહો:કોરોના મહામારીમાં લોકોમાં ભય ઉપજાવતા મેસેજોનો સોશિયલ મીડિયામાં મારો, આવા મેસેજો ફેલાવતા અટકાવવા આપણી જવાબદારી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં મહદઅંશે કાબૂમાં આવેલા કોરોનાએ ઉથલો માર્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના 1200થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવામાં સુરક્ષિત રહેવુ અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, પરંતુ સોશિયલ મીડિયામાં લોકોમાં સાવચેતીના બદલે ભય ફેલાવવામાં આવી રહ્યો છે. આ કપરા કાળમાં સાવચેતી ઘણી જ જરૂરી છે પરંતુ તેને લઇને લોકોના મનમાં ભય ઉભો કરવાથી એક જવાબદાર નાગરિકે દૂર રહેવું જોઇએ અને ખોટા મેસેજોને આગળ વધતા અટકાવવા જોઇએ. દિવ્યભાસ્કરે ફેક મેસેજનું સ્થળ નીરિક્ષણ કરી ફેક્ટ ચેક કરીને સાચી હકિકત વાંચકો સમક્ષ મૂકી રહ્યું છે. ત્યારે આપણા વિસ્તાર, સોસાયટી કે ફ્લેટ વિશે આવા કોઇ ફેક મેસેજ ફરતા થયા હોય તો તમે દિવ્યભાસ્કરના વોટ્સએપ નંબર 7990316854 પર ફેક્ટ મોકલી શકો છો. જેથી દિવ્યભાસ્કર સ્થળ નીરિક્ષણ કરીને સત્ય હકિકત વાંચકો સુધી મોકલશે.

અમદાવાદની કોરોનાના 200 કેસોના ફરતા થયેલા મેસેજ ફેક
સોશિયલ મીડિયામાં અમદાવાદની સોસાયટીઓ તેમજ ફ્લેટમાં 100થી 200 કોરોનાના કેસો આવ્યા છે, લોકોના મોત થયા છે તેવા મેસેજ વાઇરલ કરવામાં આવી રહ્યાં છે. જે મામલે divyabhaskarએ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા મેસેજ અંગે સુભાષબ્રિજની ઘનશ્યામનગર સોસાયટી અને શ્યામલબ્રિજ પાસે આવેલા તુલીપ સીટાડેલ ફ્લેટમાં તપાસ કરતા માત્ર 30થી 35 કેસો જ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં કેટલાક લોકો તો રિકવર પણ થઈ ગયા છે ઉપરાંત તેમનો કવોરન્ટાઇન પિરિયડ પણ પૂરો થઈ ગયો છે.

ચાંદલોડિયામાં પણ જૂના કેસોના આંકડાને વાઈરલ કરાયા
મણિનગરના ભૈરવનાથ રોડ પર આવેલી પ્રગતિનગર સોસાયટીમાં પણ 25 કેસો આવ્યા હોવાના મેસેજ વાઇરલ થયા છે તેમજ ચાંદલોડિયા વોર્ડમાં છેલ્લા 10 દિવસમા દેવનંદન પલેટીના, સુકુન ગોલ્ડમાં વધારે કેસ, ગણેશ સકાય લાઈનમાં 13થી વધારે કેસ, વંદેમાતરમ સીટી 34 થી વધારે કેસ, ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ વધારે કેસ, વંદેમાતરમ પ્રાઈમમાં 8થી વધારે કેસ, સીમંધર હોમસમાં 4થી વધારે કેસ, આર્યન ઈમપલમાં પણ કેસ, કામેશ્વર એલીગનસમાં 7 કેસ, શ્રીફળમાં 6 to 7, ICBમાં બ1, સેવી સ્વરાજ ફેજ 1માં 15થી વધુ કેસ એવા મેસેજ વાઇરલ કર્યા છે પરંતુ હકીકતમાં જુના કેસો છે અને તેને વાઇરલ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદની વુહાન સાથે સરખામણી કરતા મેસેજ પણ ફેક
તહેવારોને લઇને શહેરમાં કોરોનાના દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે વધ્યો છે પરંતુ શહેરમાં ભયાનક કોરોના વિસ્ફોટ થયો છે અને માત્ર 7થી 10 દિવસમાં અમદાવાદ શહેરની હાલત વુહાન જેવી થઇ જશે. તેવા ફેક મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવી રહ્યાં છે. આ મેસેજમાં 7થી 10 દિવસ બાદ શહેરમાં રોજના 2700થી 3 હજાર કેસ આવશે તેવું લખવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રકારના મેસેજ ફેક છે.

લોકડાઉનનો ફેક મેસેજ વાઈરલ થયો હતો
દિવાળીના તહેવારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું હોય ફરીથી લોકડાઉન થવાનું છે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે એક મેસેજ વાઈરલ થયો હતો. જેને નકારી કાઢતાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર)એ કહ્યું હતું કે, હજુ કેસમાં કોઈ વધારો થયો નથી ત્યારે લોકોએ સાવધાની રાખવી જરૂરી છે પરંતુ આ પ્રકારના લોકડાઉનની કોઈ સ્થિતિ નથી. જેથી અફવાથી દૂર રહેવું અને ખોટા ભયમાં પડવું નથી.

શું છે રાજ્ય અને અમદાવાદની સ્થિતિ
રાજ્યમાં 13 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દરરોજ 1000થી 1200 સુધીના કેસ નોંધાઈ રહ્યાં છે, જે પ્રમાણે આ 6 દિવસમાં રાજ્યમાં 6678 કેસ નોંધાયા છે. એવી જ રીતે અમદાવાદ શહેર-જિલ્લામાં આ સમયગાળામાં દરરોજ 200થી 234ની આસપાસ કેસ નોંધાયા છે. એટલે કે 6 દિવસમાં 1332 કેસ નોંધાયા છે. આ સમયે સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ ખોટા મેસેજ ફરતા કરી ભય ઉભો કરવામાં કોઇ સમજદારી નથી.

અન્ય સમાચારો પણ છે...