બનાવટી ડોક્ટરની ધરપકડ:અમદાવાદમાં સાબરમતીના મોટેરામાં વંશિકા હેલ્થ કેર નામે દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દવાખાનામાં એલોપથી દવાનો જથ્થો મળ્યો
  • ચાંદખેડા પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી

અમદાવાદ જિલ્લામાં નકલી ડોક્ટરોની ભરમાર છે, જેને પોલીસે પકડી જેલ હવાલે કર્યા છે. ત્યારે શહેરમાં પણ હવે નકલી ડોક્ટરો પોતાનો પગ જમાવી બેઠા છે. શહેરના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ નજીક વેલજીભાઈના કુવા પાસે એક વ્યક્તિ નકલી ડોક્ટર બની દવાખાનું ચલાવતો હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. જેથી ચાંદખેડા પોલીસ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને લઈ દવાખાને પહોંચી ત્યારે ડોક્ટર હાજર મળી આવ્યો હતો. તેની પાસે ડોક્ટરની ડિગ્રી અને આધાર પૂરાવા વગેરે માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્પોરેશને દવાખાનું સીલ કર્યું હતું. ચાંદખેડા પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી.

ડિગ્રી કે આધાર પૂરાવા ન હતા
શહેર પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે મોટેરા વિસ્તારમાં વેલજીભાઈનો કૂવો પાસે વંશિકા હેલ્થ કેર નામે મનોજભાઈ રમેશચંદ્ર (રહે. મૂળ હરિયાણા, હાલ રહે. શિવશક્તિ સોસાયટી, મોટેરા)ની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવે છે, જેથી પોલીસ સાબરમતી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પ્રદીપ સુનસરાને લઇ મેસેજની જગ્યા પર પહોંચી હતી.

દવાખાનાને સીલ મરાયું
પોલીસ અને આરોગ્યની ટીમે દવાખાનામાં હાજર મનોજભાઈ નામના શખસના દવાખાનામાંથી એલોપથી દવાનો જથ્થો મળ્યો હતો. તેની પાસે ડોક્ટરની ડિગ્રી અને આધાર પૂરાવા વગેરે માંગતા તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું જેથી કોર્પોરેશને દવાખાનું સીલ કર્યું હતું. ચાંદખેડા પોલીસે મનોજભાઈ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.