તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપુની ઘરવાપસી થશે?:શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા કવાયત, ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે ચાર વખત મુલાકાત કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહે તાજેતરમાં જ આ ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. - Divya Bhaskar
શંકરસિંહે તાજેતરમાં જ આ ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.
  • કોંગ્રેસ હાઇકમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે અને સંકોચે કોંગ્રેસમાં જવાનું અગાઉ શંકરસિંહ કહી ચૂક્યા છે
  • 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી

ગુજરાતમાં ભાજપ અને આમઆદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસની લંચ ડિપ્લોમસી બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી પહેલાં આક્રમક વલણ અપનાવવા તથા મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કાર્યક્રમો રજૂ કરવાની ચર્ચાઓ થઈ હતી. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન થવાથી પક્ષ પાસે કોઈ કદાવર નેતા રહ્યા નથી, જેથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે તખતો ગોઠવાઈ રહ્યો છે.

શંકરસિંહ અને ભરતસિંહ વચ્ચે ચાર વખત મુલાકાત થઈ
શંકરસિંહને કોંગ્રેસમાં પરત લાવવા માટે ભરત સોલંકી કવાયત કરી રહ્યા છે. આ માટે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વચ્ચે ચાર વખત મુલાકાત થઈ ચૂકી છે. બાપુને પરત લાવવા માટે હાઈ કમાન્ડ નિર્ણય કરશે. તાજેતરમાં જ ભરતસિંહ સોલંકી દિલ્હી ગયા હતા. ચાર મહિના અગાઉ શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી મને વાતચીત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચા કરીશ. એ ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ.

ભરતસિંહ અને બાપુ વચ્ચે ચાર વખત મુલાકાત થઈ ( ફાઈલ ફોટો).
ભરતસિંહ અને બાપુ વચ્ચે ચાર વખત મુલાકાત થઈ ( ફાઈલ ફોટો).

શંકરસિંહે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો
કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિકપણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. એ સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારું. આ અનુસંધાને મારો જવાબ એક જ છે.

દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ, આવી વાતચીત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર ત્યાં જઈશ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો, તો હું વિનાશરતે કોંગ્રેસમાં જઈશ.

અગાઉ શંકરસિંહે વીડિયો પોસ્ટ કરીને પણ કોંગ્રેસમાં જોડાવા ઈચ્છા દર્શાવી હતી ( ફાઈલ ફોટો)
અગાઉ શંકરસિંહે વીડિયો પોસ્ટ કરીને પણ કોંગ્રેસમાં જોડાવા ઈચ્છા દર્શાવી હતી ( ફાઈલ ફોટો)

શંકરસિંહે અત્યારસુધીમાં કયા કયા પક્ષ છોડ્યા
ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડમંત્રી પણ બન્યા. જોકે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતાં તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા, પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.

2017માં કોંગ્રેસ છોડીને તેમણે જનવિકલ્પ મોરચાની રચના કરી હતી
આ પૂર્વે શંકરસિંહે 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો ન હતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...