રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે તથા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાની નવી તારીખો અંગે 15 મેએ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ ધો.1થી9 અને 11ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનું તા.10થી 25 મે દરમિયાન આયોજન કર્યું હતું. જે નિર્ધારીત સમયે લેવાશે એવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પણ સ્થિતિ વકરતા બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
બોર્ડની પરીક્ષાની નવી તારીખ અંગે 15 મે પછી નિર્ણય
રાજ્ય સરકાર ધો.10-12ની પરીક્ષા ક્યારે લેશે અને કેવી રીતે લેશે તેની સમીક્ષા 15મી મેના રોજ કરાશે. આ સમીક્ષા દરમિયાન પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરતાં પહેલાં 15 દિવસનો સમય વિદ્યાર્થીઓને તૈયારી માટે અપાશે. અગાઉ હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોએ પણ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
ઑફલાઇન ક્લાસ હવે 30 એપ્રિલ નહીં પણ 10 મે સુધી બંધ રહેશે, તમામ વર્ગમાં ઑનલાઇન શિક્ષણ યથાવત્
ધો.6થી12માં રાજ્ય સરકારે તા.30મી એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણ પર મનાઈ કરી હતી. સંક્રમણની સ્થિતિ જોતાં સરકારે સ્કૂલમાં લેવાતા વર્ગો આગામી 10 મે સુધી બંધ રહેશે એવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીએસઇ બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ અને ધો.10માં માસ પ્રમોશનની જાહેરાત કરી હતી.
માસ પ્રમોશનનો નિર્ણય યોગ્ય બ્રિજકોર્સથી કચાશ દૂર થઈ શકે
શિક્ષણવિદ્ કિરિટ જોશી જણાવે છે કે, ગુજરાત સરકારે શિક્ષણ પર કોરોના મહામારીની હાનિકારક અસર ઓછામાં ઓછી થાય તેવા સતત પ્રયત્ન કર્યાં છે. છતાં શાળા શિક્ષણ નિયમિત બની નહીં શકવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત તણાવ અનુભવતા રહ્યાં છે. ત્યારે શિક્ષણ વિભાગે ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનનો નિર્ણય લીધો તે પ્રશંસનીય છે. તેનાથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરમાંથી મુક્ત થઈ જઈ હળવા બની ગયા છે. શિક્ષણ વિભાગને વ્યક્તિગત નમ્ર સૂચન છે કે બાળકોને માસ પ્રમોશન આપી રહ્યા છીએ ત્યારે બાળકોમાં રહી ગયેલા શિક્ષણની કચાશ આગળના વર્ષમાં મુશ્કેલી ના સર્જે તે માટે શિક્ષણ વિભાગે રાજ્યના તેજસ્વી શિક્ષકો પાસે એ ક્રમિક ધોરણોના અભ્યાસક્રમોને જોડતો 10થી 15 દિવસનો બ્રિજકોર્સ તૈયાર કરાવવો જોઈએ. કોરોનાની કુદરતી આપત્તિ દૂર થાય અને નિયમિત શિક્ષણ કાર્ય શરૂ થાય તે સમયના શરૂઆતના સમયે બ્રિજ કોર્સના અભ્યાસક્રમના સાહિત્યથી શરૂઆત કરવી જોઈએ.
ધો.-1 થી 9 અને ધો.-11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે, એમ પણ નક્કી કરવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં ધોરણ-1થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.DivyaBhaskarનો અહેવાલ અક્ષરશઃ સાચો પડ્યો
આ પહેલાં DivyaBhaskarએ 21 ડિસેમ્બરના રોજ ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે એક્સક્લૂઝિવ અહેવાલ તૈયાર કર્યો હતો. અહેવાલના 4 મહિના બાદ રાજ્ય સરકારે માસ પ્રમોશનનો નિર્ણય જાહેર કર્યો છે.
(દિવ્યભાસ્કરએ 21 ડિસેમ્બરે કરેલો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
બાળકો સ્કૂલે જઈ પરીક્ષા આપી શકે એમ નથી
ગિરીશ સોની નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 1થી 9માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલ કેસ વધી રહ્યા છે, જેથી નાનાં બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઇન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ના થાય એ માટે ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ અને ધોરણ 10 અને 12ની પરીક્ષા ફરજિયાત લેવી જોઈએ, જેના પર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ટકેલું હોય છે, પરંતુ પરીક્ષા મે મહિનાની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ.
ધોરણ 1થી 9માં માસ પ્રમોશનની થઈ હતી માગ
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે CBSE બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મેની જગ્યાએ જૂનમાં યોજવી જોઈએ. ધોરણ 1થી 9માં માસ પ્રમોશન આપવું જોઈએ.
CBSEએ 10ની પરીક્ષા રદ કરી અને 12ની મોકૂફ રાખી છે
કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત બોર્ડની પરીક્ષા પણ મે મહિનામાં શરૂ થઈ રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાના કેસ વધતાં પરીક્ષા અંગે હજુ કોઈ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર બન્યા છે, જેથી હવે વાલીઓએ જ પરીક્ષા રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માગણી કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.