પરીક્ષા શરૂ:અમદાવાદના 140 સેન્ટર પર ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ, એક વર્ગમાં 20 પરીક્ષાર્થીઓને બેસાડ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓએ કહ્યું, કોરોનાના ડરની વચ્ચે પરીક્ષા આપવા આવ્યા છીએ
  • દર વર્ષે ફૂલથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરીએ છીએ આ વર્ષે થર્મલ ગનથી સ્વાગત કર્યું: DEO

ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે.સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે. અમદાવાદના 140 સેન્ટર પર આજથી પરીક્ષા શરૂ થઈ છે. રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે પરંતુ તેમના મોઢા પર નિરાશા જોવા મળી રહી છે અને વાલીઓ પણ નિરાશ છે.

વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો
પરીક્ષા શરૂ થતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રિનીંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.

સ્કૂલોમાં તમામ તકેદારી રાખવામાં આવે તેની સૂચના આપવામાં આવી
સ્કૂલોમાં તમામ તકેદારી રાખવામાં આવે તેની સૂચના આપવામાં આવી

સ્કૂલોને તમામ તકેદારી રાખવા સૂચના અપાઈ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી જીતેન્દ્રસિંહ પઢેરિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખૂબ લાંબા સમય બાદ આજે કોરોનાની વચ્ચે પરીક્ષા યોજાઈ રહી છે. દર વર્ષે વિદ્યાર્થીઓનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓનું સ્વાગત થર્મલ ગન અને સેનિટાઈઝરથી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા છે. સ્કૂલોમાં તમામ તકેદારી રાખવામાં આવે તેની સૂચના આપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા
જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા જોવા મળી
નીલ દવે નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે કોરોના વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે.વર્ષ દરમિયાન કોરોનાને કારણે પૂરી તૈયારી પણ નથી કરી શક્યો. આજે પરીક્ષા આપવા આવ્યો છું પરંતુ મનમાં હજુ કોરોના નો ડર છે. જેથી ડરના કારણે ફરીથી નાપાસ થઈશ. આજે પરીક્ષાને કારણે સ્કૂલની બહાર પણ લોકો ભેગા થયા છે. જેથી કોરોના થવાનો ડર છે. હિતેશભાઈ સથવારા નામના વાલીએ જણાવ્યું હતું કે મારા બાળકને 4 માર્કસ માટે ગત વર્ષે નાપાસ કરવામાં આવ્યો હતો. કોરોનાના માહોલમાં ડરના વચ્ચે પરીક્ષા આપી રહ્યા છે. જે લોકોએ એક પણ વખત પરીક્ષા આપી નથી. તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે અને અમારા બાળકે પરીક્ષા આપી છે. છતાં માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી.