રજની રિપોર્ટર:રાજીવ કુમાર ગુપ્તા માટે પરીક્ષાના દિવસો, પાસ થશે તો વાહવાહ જરૂર થશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગ વિભાગના સચિવ રાજીવ કુમાર ગુપ્તા હાલ વાઇબ્રન્ટ સમિટ માટેની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 26 દેશો આ સમિટના ભાગીદાર બન્યા છે અને તેમાં ગુપ્તાની ભૂમિકા પણ ખાસ્સી નોંધપાત્ર રહી છે. જો કે હાલ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને વિશ્વ આખાંમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ફફડાટ છે. આ સંજોગોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવું અને તેમાં પણ દુનિયાભરમાંથી રાજકીય અને ઉદ્યોગ જગતના લીડર્સને લઇને આવવાનો મોટો પડકાર રાજીવ કુમાર ગુપ્તા સામે છે. નિયંત્રણોની વચ્ચે આ સમિટ મહત્તમ લોકો સુધી પહોંચે તેની મોટી પરિક્ષામાંથી તેમને પસાર થવાનું છે. જો કે સચિવાલયના ઉચ્ચ અધિકારી માને છે કે જો આ પરિક્ષામાંથી ગુપ્તા સારા માર્કે પાસ થઇ જશે તો તેમની વાહવાહ જરૂર થશે. આ વર્ષે મે મહિનામાં ગુપ્તા નિવૃત્ત થવા જઇ રહ્યા છે, પરંતુ વાઇબ્રન્ટ સમિટની સફળતા મળી તો તેમને તેના વળતર રૂપે વિશેષ શિરપાવ પણ સરકાર તરફથી મળી શકે છે.

આ વર્ષમાં મુખ્ય સચિવ સહિત 15 આઇએએસ નિવૃત્ત થશે
ગુજરાત કેડરના 15 આઇએએસ અધિકારી આ વર્ષ દરમિયાન નિવૃત્ત થવા જઇ રહ્યાં છે. નિવૃત્ત થનારા આ અધિકારીઓની યાદીમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ સચિવ રાજીવ કુમાર ગુપ્તા, કેન્દ્રમાં શિક્ષણ મંત્રાલયમાં સચિવ તરીકે રહેલા અનિતા કરવલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખાસ ફરજ પરના અધિકારી એમ ડી મોડીયાનો પણ સમાવેશ થાય છે. અન્ય નિવૃત્તિ પામનારા અધિકારીઓમાં ડીજી પટેલ, નલીન ઉપાધ્યાય, જેબી પટેલ, મનોજ દક્ષિણી, એચ સી મોદી, સુનીલકુમાર ઢોલી, જીએસ પરમાર, એમ એન ગઢવી, એન એ નિનામા, વી કે અડવાણી અને શરીફ હુડ્ડાનો સમાવેશ થાય છે. નિવૃત્તિ બાદ મુખ્ય સચિવ પંકજ કુમારને એક્સટેન્શન મળે અથવા રાજ્ય સરકારના કોઇ નિગમમાં નિમણૂક મળે તેવી શક્યતાઓ ખૂબ ઓછી હોવાનું સચિવાલયના સૂત્રો જણાવે છે.

મુકેશ કુમાર હવે વિકાસની દિશામાં દોડશે
અ મદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર પદે રહેલા મુકેશ કુમારની બદલી શહેરી વિકાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે થઇ છે. મુકેશ કુમારની આ નિમણૂક ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા થઇ છે અને ચૂંટણી પૂર્વે જેટલો સમય રહ્યો છે તે મુકેશ કુમાર માટે ખૂબ મહત્ત્વનો રહેશે. સચિવાલયના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર મુકેશ કુમાર આમ પણ વિકાસ તરફ ખૂબ દોડે છે અને હવે શહેરી વિકાસ વિભાગના વડા બન્યા છે એટલે તેઓની દોડ વિકાસની દિશામાં ખૂબ વધશે. ચૂંટણી પહેલા તેઓ પોતાની આવડતના કમાલથી ગુજરાત સરકાર અને સત્તાધારી પાર્ટીના લોકોને પણ આ વિકાસનો લાભ આપશે. આમ તો અગાઉ મુકેશ કુમાર અમદાવાદ મહાનગર પાલિકામાં હતા ત્યારે તેમને ભાજપ અધ્યક્ષ પાટીલના જૂથના ધર્મેન્દ્ર શાહ સાથે નજરો વઢાઇ ગઇ હતી, પણ તેમ છતાં તેઓને શહેરી વિકાસ જેવા મોટા ખાતા હવાલો મળ્યો હોવાથી તેમણે તમામ બાબતો થાળે પાડી દીધી હોવી જોઇએ તેવું સચિવાલયના ગલિયારામાં ચર્ચાઇ રહ્યું છે.

અંજુ શર્માને વાઈબ્રન્ટની જવાબદારીમાંથી હટાવાયા
શ્ર મ અને રોજગાર વિભાગનાં સચિવ અંજુ શર્મા ખૂબ જોરશોરથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત યોજાનારી સ્ટાર્ટ-અપ સમિટને લઇને તૈયારીઓ કરી રહ્યાં હતાં. પરંતુ ગયાં અઠવાડિયે જ અચાનક અંજુ શર્માને આ જવાબદારીમાંથી હટાવી દેવાયાં અને તેમના સ્થાને જીએસપીસીએલના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ કુમારને મુકી દેવાયા છે. આ દરમિયાન એવી વાત જાણવામાં આવી છે કે અંજુ શર્માને કોઇ ખાસ કારણસર હટાવી દેવાયા છે અને તેમાં અંજુ શર્મા સામેનો ચોક્કસ અણગમો જ કારણ છે. અંજુ શર્માની કુશળતા સામે કોઇ શંકા નથી, અંજૂ શર્માએ આ સ્ટાર્ટઅપ સમિટને લઇને તમામ તૈયારીઓ અને આયોજનો પૂર્ણ કરી દીધાં હતાં, હવે સંજીવ કુમારને નવેસરથી તૈયારી કરવાની નહીં રહે, પણ સ્ટાર્ટઅપ સમિટમાં મંચ પર બેસવાનું સૌભાગ્ય જરૂર પ્રાપ્ત થશે.

મહેશ સવાણીને ભાજપમાં લાવવાના પ્રયત્નો શરૂ
એ ક તરફ ઇસુદાન ગઢવીનો આલ્કોહોલ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે એના કારણે આમ આદમી પાર્ટીમાં ચિંતાનું મોજુ છે, બીજી તરફ ભાજપ હવે આપના સુરતના નેતા મહેશ સવાણીને ભાજપમાં લઇ આવવા માટે પ્રયત્નશીલ બન્યું છે. જો કે સવાણી કોઇ મચક આપતા નથી અને ભવિષ્યમાં આપશે તેવું લાગતું પણ નથી, પરંતુ ભાજપના નેતાઓ આ બાબતે છાતી ઠોકીને કહે છે કે સવાણીની નારાજગી આમ તો ક્ષણિક હતી અને તેમને તે આવેગમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધું. બાકી તેમના ભાજપના ઘણાં નેતાઓ સાથે ઘનિષ્ઠ સબંધ રહ્યાં છે. આવતી વિધાનસભા ચૂંટણી પહેલા સવાણી ભાજપમાં જોડાઇ જશે અને તે માટે અમારી પાર્ટી નિષ્ઠાથી પ્રયત્ન કરી રહી છે. આ તરફ આમ આદમી પાર્ટીનું હાઇ કમાન્ડ સવાણીમાં પાર્ટીનું ભવિષ્ય જોઇ રહ્યા છે અને તેમના સામાજિક કામોને લઇને પાર્ટી પણ તેમને લઇને સારી એવી ગંભીર છે. જોઇએ, ભાજપના પ્રયાસો ફળે છે કે સવાણી આપમાં જ રહે છે. ચૂંટણી આવતા સુધીમાં આ બાબતે ઉત્તેજના ચોક્કસ રહેશે.

અમદાવાદની વેજલપુર બેઠક ભાજપના ઓબીસી નેતાઓની ફેવરિટ
અ મદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક ભાજપના ઘણાં એવાં ઓબીસી નેતાઓની ફેવરીટ છે જેઓ ગઇ ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરાબ રીતે હાર્યાં હતાં. આ નેતાઓ પોતાના સમાજના જોરે સારું એવું વર્ચસ્વ ઊભું કરવાની છબિ ધરાવતા હતા, પરંતુ ચૂંટણીમાં તેઓ પરખાઇ ગયાં. હવે આગામી ચૂંટણીમાં સમાજ તેમની સાથે રહે કે ન રહે તેનો ડર તેમને સતાવી રહ્યો છે, એટલે સલામત બેઠક તરીકે તેઓએ અમદાવાદની ઓબીસી સમાજનું વર્ચસ્વ ધરાવતી વેજલપુર બેઠક પર નજરો દોડાવી છે. ગમેતેમ કરીને હાઇકમાન્ડને મનાવી લેવા માટે હવે તેઓ રસ્તા શોધી રહ્યા છે. જો કે ભાજપ ચૂંટણી હારેલા નેતાઓને ફરીથી આ વખતે ટીકીટ આપતાં પહેલા સો ગળણે ગળીને પાણી પીશે. આ કિસ્સામાં માત્ર રાજકીય મહત્ત્વાકાંક્ષા ખાતર સીટો બદલતા રહેતા કે બદલવા તત્પર રહેતા નેતાઓની કારકિર્દીને જીવતદાન આપવા ખાતર પાર્ટી માટે મૂકસેવક તરીકે કામ કરતા પાયાના કાર્યકરોને ભૂલી જાય તેવું અત્યારે તો લાગતું નથી.

અન્ય સમાચારો પણ છે...