શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે તેના પૂર્વ પ્રેમીએ જ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. મહિલાને અગાઉ પ્રેમ સંબંધ હતો જે પૂરો કર્યા છતાં પૂર્વ પ્રેમી અવારનવાર તેના ઘરે આવતો હતો અને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરતો હતો. આરોપી મહિલાના બાળકને પણ ઉપાડી લેવાની ધમકી આપતો હતો. આ મામલે મહિલાએ પોલોસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહિલાએ સંબંધ તોડ્યા છતાં પ્રેમી ઘરે આવતો
ગોમતીપુર વિસ્તારમાં 32 વર્ષીય મહિલા તેના 2 બાળકો તથા પતિ સાથે રહે છે. મહિલાને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાના પતિને આ અંગે જાણ થઈ હતી, જેથી તે સમયે સમાધાન કરી મહિલાને પ્રેમી સાથે સબંધ ના રાખવા જણાવ્યું હતું. મહિલાએ પોતાનો ઘર સંસાર ના બગડે તે માટે પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યા હતા. સંબંધ તોડ્યા બાદ પણ મહિલાનો પ્રેમી અવારનવાર તેના ઘરે આવતો હતો અને મહિલાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.
બાળકને ઉપાડી લેવાની ધમકી આપી હોટલમાં દુષ્કર્મ આચર્યું
મહિલાના દીકરાને ઉપાડી લઈ જવાની ધમકી આપીને પણ મહિલાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહિલાના પતિને જાણ થતાં તે તેને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો અને પૂર્વ પ્રેમી સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે જેમાં મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.