તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન ટીમ બનાવાશે:EWS મકાનો ભાડે આપી દેનાર સામે કાર્યવાહી થશે, 240 મકાન ભાડે અપાયાનું બહાર આવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.એ શહેરને સ્લમ ફ્રી બનાવવા આર્થિક રીતે નબળા વર્ગ માટે ઈડબ્લ્યુએસના મકાનો તૈયાર કરવા પુર જોશમાં કામગીરી શરૂ કરી છે ત્યારે શહેરની કેટલીક સાઈટ ઉપર ઈડબ્લ્યુએસના મકાનો ભાડે આપી લોકો અન્ય જગ્યાએ ચાલીમાં રહેવા જતા રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું છે. બુધવારે મ્યુનિ. ખાતે હાઉસિંગ ઈમ્પ્રૂવમેન્ટ એન્ડ ઈ.ડબલ્યુ એસ. આવાસ યોજનાની કમિટી મળી હતી જેમાં આ મુદ્દે જુદીજુદી સાઈટ ઉપર સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરવા માટેની ટીમો બનાવવા નિર્ણય કરાયો હતો.

કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું કે, અમદાવાદને સ્લમ ફ્રી બનાવવા માટે મ્યુનિ. પ્રયત્નશીલ છે. 2016 પછી શહેરમાં 10 હજારથી વધુ ઈડબ્લ્યુએસના મકાનો તૈયાર થયા છે. જેમાં મોટા ભાગે લોકોને રહેવા માટેના પઝેશન મળી ચૂક્યા છે. ફેઝ-3 અન્વયે તૈયાર થયેલા 3472 મકાનો પૈકી બે હજારથી વધુને પઝેશન આપવામાં આવ્યા છે જ્યારે 1500 જેટલા મકાનોનું કામ હાલ પ્રગતિમાં છે તેમજ ફેઝ-4 અન્વયે 2849 મકાનો પૈકી 750થી વધુ લોકોને પઝેશન મળી ચૂક્યા છે. બાકીના મકાનોનું કામ ઝડપથી પુર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

કમિટીમાં તમામ ઈડબ્લ્યુએસ સાઈટ પર સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કરવા નિર્ણય લેવાયો હતો. સૂત્રોએ કહ્યું કે, તાજેતરમાં ખાનગી રાહે મ્યુનિ. અધિકારીઓ અને કોર્પોરેટરોએ સંયુક્ત સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન કર્યું હતું જેમાં જુદીજુદી સાઈટ ઉપર 240થી વધુ મકાનોને ભાડે આપી મકાન માલિકો અન્ય જગ્યાએ ચાલીમાં રહેવા જતા રહ્યાં હોવાનું સામે આવ્યું હતું. કમિટીના સભ્ય ચેતન પરમાર છેલ્લી બે મીટિંગમાં હાજર રહ્યા ન હતા. જો તે આગામી મીટિંગમાં પણ હાજર ન રહે તો નિયમ મુજબ તેમની સામે સસ્પેન્શન સુધી પગલા લેવા કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો છે.

નેતાઓ દબાણ કરતા હોવાનો આક્ષેપ
નિયમ પ્રમાણે જે જગ્યા ઉપર ઈડબ્લ્યુએસના મકાનો તૈયાર થતા હોય ત્યાં રહેતા 70 ટકા સ્થાનિક લોકો મંજૂરી આપે પછી જ યોજના અમલમાં મૂકાતી હોય છે ત્યારે અમદાવાદ પૂર્વના ચમનપુરા વિસ્તારમાં આવેલી પતરાવાળી ચાલીમાં ઈડબ્લ્યુએસના મકાનો તૈયાર થાય તે પહેલા વિવાદ શરૂ થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ બિલ્ડરો સાથે ભાગીદારી કરી છે. આ કારણે તેમને મકાનો ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...