પોલીસનો સાયલા દારૂકાંડ:દારૂ ભરેલા કન્ટેનરના કેસમાં પોલીસકર્મીઓ સામે પૂરાવા, મહિલા PSIનું લોકેશન ત્યાં ન હતું એટલે ક્લિનચીટ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાં દારૂ ઝડપ્યો હતો - Divya Bhaskar
સોમવારે સ્ટેટ મોનિટરિંગ સેલે કન્ટેનરમાં દારૂ ઝડપ્યો હતો
  • સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાયે કહ્યું- તપાસમાં કોઈ પણ નીકળશે તો છોડાશે નહીં
  • રાજકોટથી 80 કિમી દૂર ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ દારૂ ભરેલા કન્ટેનરમાં ઝડપાયા હતા

સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) પકડેલા કન્ટેનરમાંથી 394 પેટી દારૂ મળ્યો હતો. ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર હતા, જે વાત સામે આવ્યા બાદ હવે મહિલા પીએસઆઇ ત્યાં ન હતા તેમ SMC જણાવી રહી છે. એટલું જ નહીં, તેમનું લોકેશન પણ ત્યાં ન હોવાથી હાલ પૂરતી તપાસમાં પીએસઆઇને ક્લીનચીટ મળી ગઈ છે. પરંતુ ચાર પોલીસકર્મી સામે પૂરાવા મળ્યા છે. આ પ્રકરણ હોય કે કોઈ અન્ય જે કોઈ સામે પણ પૂરાવા મળશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું SP નિર્લિપ્ત રાયે જણાવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના PSI સહિતના પર કન્ટેનરના પાયલોટિંગનો આરોપ
રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. તેવા આક્ષેપો હેઠળ રાજકોટ કમિશનર અને તેમના નજીકના કર્મીઓની સરકારે બદલી કરી હતી. તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો રાજકોટ સિટીથી 80 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા.

ક્રાઈમની ટીમ ડઘાઈ ગઈ હતી, દારૂ પકડવા આવ્યાનું રટણ કર્યુ
સાયલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે એક દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી. આ ટ્રક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસીએ પકડી પાડ્યો હતો. ત્યારે ટ્રકમાં ડ્રાઇવર સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. તેમને પણ એસએમસીએ અટકાયત કરી સાયલા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 394 દારૂની પેટીઓ પકડી પાડી હતી. જ્યારે રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચના માણસો પહેલા ગભરાઇ ગયા હતા અને બાદમાં પોતે જ દારૂ પકડવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા.

પંચ કે સામાન્ય માણસ તેમની સાથે ન હતો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી રાજકોટથી 80 કિલોમીટર દૂર આવ્યા હતા. તેમની પાસે એક પણ પંચ કે અન્ય સામાન્ય માણસ ન હતો. જો કે એસએમસીના અધિકારીઓએ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે ઇન્ચાર્જ સીપી, સહિત ક્રાઇમ ડીસીપી પાર્થરાજ ગોહીલ, એસીપી અને ક્રાઇમના અન્ય પીઆઇને પૂછતાં તેઓ કોની મંજૂરીથી ગયા હતા તે અંગે કોઇ અધિકારી બોલવા તૈયાર ન હતું. તેવામાં રાજકોટ પોલીસે દારૂ કટિંગ કરાવતી, પાયલોટિંગ કરાવતી હતી કે પછી દારૂ વેચાણ માટે બૂટલેગર સાથે સાંઠગાઠ ધરાવી તેને પ્રોટેક્શન પુરુ પાડતી હતી તે તપાસનો વિષય બની ગયો છે.

તાજેતરમાં કમિશન કાંડમા મનોજ અગ્રવાલની બદલી થઈ હતી
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશન કાંડમાં બદલી કરી સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની સામે કોઇ જ એસીબી કે અન્ય તપાસ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમના નજીકના પીઆઇ ગઢવી અને પીએસઆઇ તથા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે. આમ ત્યારબાદ ફરી એકવાર રાજકોટ પોલીસ ચર્ચામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...