AMTSનું વર્ષ 2023-24 બજેટ:AMTS દર વર્ષે રૂપિયા 300 કરોડથી વધારેની ખોટ, છતાં ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા નવી 300 બસો ઉમેરાશે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2023- 24નું બજેટ ચેરમેન વલ્લભ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા રૂપિયા 567 કરોડના બજેટમાં સાત કરોડનો સુધારો કરી 574 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. AMTS દર વર્ષે રૂપિયા 300 કરોડથી વધારેની ખોટ કરે છે છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા બસ ચલાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વધુ 100 નવી ઈલેક્ટ્રીક બસો ઉપરાંત 200 રેગ્યુલર બસનો વધારો કરી કુલ 1109 જેટલી બસો ચલાવવાનો નિર્ણય કરાયો છે. એકતરફ AMTSનું કુલ દેવું રૂપિયા 3870 કરોડ થયું છે અને વધુ નવી બસો લાવી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવશે.

AMTSમાં સત્તાપક્ષના જાણીતા કોન્ટ્રાક્ટરો
ભાજપના સત્તાધીશો દ્વારા AMTSના રજૂ કરવામાં આવેલા રૂપિયા 574 કરોડના બજેટને લઇ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ચાલુ વર્ષે 100 ઇલેક્ટ્રીક બસો ઉપરાંત નવી 200 બસો લાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. તમામ બસો કોન્ટ્રાક્ટરોને મોટો ફાયદો કરાવવા માટે મૂકવામાં આવશે. AMTSમાં શાસક પક્ષના જાણીતા અને માનીતા કોન્ટ્રાક્ટરો છે. જેથી તેઓને ફાયદો થાય છે પરંતુ સંસ્થા ખોટમાં જાય છે. પક્ષ દ્વારા માંગ કરવામાં આવે છે કે AMTS બસમાં મુસાફરી મફત કરવામાં આવે અને કોન્ટ્રાકટર સિસ્ટમ બંધ કરવામાં આવે.

નાગરિકોની સેવા માટે હવે 1109 બસો મળશે
વર્ષ 2023- 24નું AMTSનું બજેટ રજૂ કરતાં ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા મૂકવામાં આવેલા બજેટમાં 7 કરોડનો સુધારો કરી 574 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરિવહન સેવાનો વ્યાપ વધારીને હવે 809 બસમાં 100 ઈલેક્ટ્રીક બસ અને ચાલુ વર્ષે બીજી 200 બસો રેગ્યુલર વધારી દેવામાં આવશે. તે માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કુલ 1109 બસો થઈ જશે અને નાગરિકોને બસ સેવાનો લાભ મળશે. ચાલુ વર્ષે મેટ્રોના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને શહેરના તમામ મેટ્રો રૂટ પર લોકોને મેટ્રો રેલ સાથે કનેક્ટિવિટી મળી રહે તે પ્રકારના રૂટો તૈયાર કરવાનું આયોજન છે.

રિંગ રોડ નજીક બે પ્લોટ ડેપો બનાવાશે
સરદાર પટેલ રિંગ રોડ પર પણ બસોનો વ્યાપ વધારવામાં આવશે. શહેરની ફરતે આવેલા એસપી રિંગ રોડ પર બીજા તબક્કામાં અસલાલીથી સનાથલ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવશે. જ્યારે આ રિંગ રોડ પર બસ જાય છે ત્યારે કિલોમીટરનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડની નજીક બે પ્લોટ ડેપો માટે મેળવવામાં આવશે. જે માટે ચાર કરોડની રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી મેળવાશે.

દરેક બસ ટર્મિનસને 1 કરોડની ફાળવણી
AMTSના પાલડી, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણીનગર અને હાટકેશ્વર સહિતના તમામ ટર્મિનસમાં સીસીટીવી કેમેરા લગાવવા એક કરોડની ફાળવણી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે. દરેક ઝોનવાઇઝ કોઈ પણ એક રૂટ ઉપર જ્યાં મહિલા પ્રવાસીઓ વધુ હોય ત્યાં પીક અવર્સમાં મહિલા બસ શરૂ કરવામાં આવશે. એમટીએસમાં દિવ્યાંગ પ્રવાસીઓને હવે વિનામૂલ્ય પ્રવાસ કરવા દેવા ફ્રી પાસ આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં હવે પડતી ટીપીમાં ટ્રાન્સપોર્ટ માટે પ્લોટ રિઝર્વ કરવા રજૂઆત કરાશે. સ્ટીલના બસ સેન્ટરો બનાવવા 2 કરોડની ફાળવણી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરાશે. એસપી રીંગ રોડ પર જુદી જુદી જગ્યાએ PPP ધોરણે બસ સ્ટેન્ડ મૂકી આવક ઊભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...