નવરાત્રિ ગ્રુપ ઓફ ધ ડે:વડોદરામાં NRI દર વર્ષે યુનાઇટેડ વેમાં ગરબા રમવા આવે છે, અમદાવાદના સુરભિ ગ્રુપમાં મા- દીકરીની જોડી જામે છે

અમદાવાદ2 મહિનો પહેલા

નવરાત્રિનાં પાંચ નોરતાં પૂરાં થયાં અને આજે છઠ્ઠું નોરતું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરીઓમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યા છે. લોકો પોતાના ગ્રુપમાં હૈયાથી હૈયું દળાય એમ આનંદ-ઉલ્લાસથી ગરબા રમી રહ્યા છે. આજે ફરીવાર દિવ્ય ભાસ્કર પર રાજ્યનાં ચાર મહાનગરમાં ગ્રુપમાં થતા ગરબાની એક ઝલક રજૂ કરાઈ છે. હવે ગરબામાં બોલિવૂડ એક્ટર હોલિવૂડ અને બોલિવૂડના ડાન્સને ગરબાનું સ્વરૂપ આપી અનોખું ફ્યુઝન તૈયાર કરીને અવનવાં સ્ટેપ સાથે ગરબા ગ્રાઉન્ડ પર MJ ગ્રુપ છેલ્લાં નવ વર્ષથી ધમાલ મચાવે છે. ગ્રુપના 20 સભ્ય નવરાત્રિ અગાઉથી જ આકરી મહેનત કરીને અવનવાં સ્ટેપ સાથે ગરબા ગ્રાઉન્ડમાં સૌકોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. ગોવિંદા, અમિતાભ બચ્ચન અને શશિ કપૂરની સ્ટાઈલમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે.

અમદાવાદમાં માતા અને દીકરીની જોડી જામે છે.
અમદાવાદમાં માતા અને દીકરીની જોડી જામે છે.

અમદાવાદમાં 12 વર્ષથી મા દીકરી સાથે જ ગ્રુપમાં ગરબા રમે છે
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આયોજિત ગરબામાં સુરભિ ગ્રુપના અનેક સભ્યો ગરબા રમવા આવી રહ્યા છે. આ ગ્રુપમાં એક મા અને દીકરી પણ છે, જે સાથે જ ગરબા શીખે છે અને દર વર્ષે સાથે ગરબા રમવા જાય છે. આ મા-દીકરીએ છેલ્લાં 12 વર્ષથી સાથે ગરબા રમવાની પરંપરા જાળવી રાખી છે. માતા ભૂમિબેનની ઉંમર 43 વર્ષની આસપાસ હોવા છતાં 23 વર્ષની દીકરી શુભાંગી સાથે એક સાહેલીની જેમ જ ગરબા રમવા સાથે જાય છે. ગરબા રમતા સમયે મા-દીકરીની ઉંમરમાં તફાવત દેખાતો નથી. ભૂમિકાબેન 43 વર્ષના હોવા છતાં એક યુવતીની જેમ જ જુસ્સા સાથે પોતાની દીકરી સાથે ગરબા રમે છે. તેમની નાની દીકરી 10 વર્ષની છે, તેની સાથે પણ તેઓ આ જ રીતે ગરબા રમે છે. શુભાંગીએ જણાવ્યું હતું કે મારા ફ્રેન્ડ ઘણા છે, પરંતુ મને ગરબા રમવાનું તો મારી મમ્મી સાથે જ ફાવે છે. મને જ્યારથી ગરબ રમતા અવડ્યા ત્યારથી મમ્મી સાથે જ ગરબા રમું છું. હજુ મારા લગ્ન થયા નથી, પરંતુ લગ્ન બાદ પણ મમ્મી સાથેનું બોન્ડિંગ રાખીને ગરબા રમવા સાથે જ જઈશું.

વડોદરામાં અમદાવાદનો એનઆરઆઈ યુનાઈટેડ વેમાં ગરબા રમવા આવે છે.
વડોદરામાં અમદાવાદનો એનઆરઆઈ યુનાઈટેડ વેમાં ગરબા રમવા આવે છે.

વડોદરામાં NRI યુનાઈટેડ વેમાં ગરબા રમવા આવે છે
વડોદરાના ગરબા સમગ્ર ગુજરાતમાં એક અનોખું મહત્ત્વ ધરાવે છે. આ ગરબાનું ઘેલું વડોદરાવાસીઓને જ નહીં, પણ અમદાવાદીને પણ એવું લાગ્યું છે કે તે અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં અને પરિવાર અમદાવાદમાં રહેતો હોવા છતાં ગરબા રમવા તો ગ્રૃપના મિત્રો સાથે વડોદરામાં જ આવે છે. શહેરના યુનાઇટેડ વેના ગરબામાં નવરાત્રિ સેલિબ્રેશન કરવા આવેલા નીરવ સાવંતે જણાવ્યું હતું કે હું અમદાવાદના નિકોલ વિસ્તારનો વતની છું. હું વર્ષ 2015થી અમેરિકા રહું છું, પણ ગરબા રમવા તો વડોદરાના યુનાઇટેડ વેમાં જ આવું છું. અમારું સાતથી આઠ જણાનું ગ્રુપ છે. તેઓ છેલ્લાં 12થી 15 વર્ષથી યુનાઇટેડ વેમાં જ ગરબા રમવા આવે છે. અમારા ગ્રુપમાં આરતી નામની યુવતી ન્યૂઝીલેન્ડથી વડોદરા ગરબા રમવા આવી છે. નીરવે જણાવ્યું હતું કે અમેરિકાના હું આઇટી કંપનીમાં જોબ કરું છું અને વર્જિનિયા સ્ટેટના રોનોક સિટીમાં રહું છું. હું અમદાવાદી છું, પરંતુ મને અમદાવાદના ગરબા નથી પસંદ, પરંતુ દર વર્ષે હું વડોદરામાં યુનાઇટેડ વેમાં ગરબા રમવા આવું છું.

સુરતના ગ્રુપના સભ્યો અવનવાં સ્ટેપ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હોય છે
સુરતના ગ્રુપના સભ્યો અવનવાં સ્ટેપ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હોય છે

સુરતમાં માઈકલ જેકશનના નામ પરથી ગ્રુપનું નામ પાડ્યું
હોલિવૂડ અને બોલિવૂડના ડાન્સને ગરબાનું સ્વરૂપ આપી અનોખું ફ્યુઝન તૈયાર કરીને અવનવાં સ્ટેપ સાથે ગરબા ગ્રાઉન્ડ પર MJ ગ્રુપ છેલ્લાં નવ વર્ષથી ધમાલ મચાવે છે. ગ્રુપના 20 સભ્ય નવરાત્રિ અગાઉથી જ આકરી મહેનત કરીને અવનવાં સ્ટેપ સાથે ગરબા ગ્રાઉન્ડમાં સૌકોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. એમજે ગ્રુપના મેહુલ પટેલે જણાવ્યું હતું કે અમારું ગ્રુપ છેલ્લાં 9 વર્ષથી ગ્રાઉન્ડમાં ગરબા રમવા જાય છે. અમારા ગ્રુપના નામ માટે અમે અલગ અલગ નામની ચિઠ્ઠીઓ બનાવી હતી, જેમાં એમજે નામની ચિઠ્ઠી નીકળી હતી. માઈકલ જેક્શનના નામ પરથી એમજે ગરબા ગ્રુપ બન્યું છે. અમે એ જ નામ સાથે ગ્રાઉન્ડ પર રમાતી નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવીએ છીએ. ગ્રુપમાં 10 પુરુષ અને 10 મહિલા મળીને કુલ 20 સભ્ય છે. 18 વર્ષથી લઈને 30 વર્ષના સભ્યો ગ્રુપ સાથે જોડાયેલા છે. આ ગ્રુપના સભ્યો નવરાત્રિના પહેલા જ દિવસથી અને નવરાત્રિની શરૂઆત થાય ત્યાંથી ગરબા રમવાનું શરૂ કરે કે અંત સુધી ગરબાની મોજ મન ભરીને માણતા હોય છે અને અવનવાં સ્ટેપ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કરતા હોય છે.

રાજકોટમાં 25 ખેલૈયા ગરબા રમે તો ગ્રાઉન્ડમાં અલગ જ તરી આવે છે.
રાજકોટમાં 25 ખેલૈયા ગરબા રમે તો ગ્રાઉન્ડમાં અલગ જ તરી આવે છે.

રાજકોટનું ગ્રુપ એકસરખા ઓર્નામેન્ટ્સ- ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમે છે
નવરાત્રિનું પાવન પર્વ આવે અને નવલાં નોરતાંની ઉજવણીમાં રાજકોટવાસીઓ પાછળ રહે એવું બની જ ન શકે. દિવ્ય ભાસ્કરની ટીમ રાજકોટના ટાગોર રોડ પર આવેલા વિરાણી હાઈસ્કૂલ મેદાનમાં આયોજિત આજકાલ ગરબા-2022માં પહોંચ્યું હતું ત્યારે એક એવું ગ્રુપ ધ્યાનમાં આવ્યું કે જે ગ્રાઉન્ડમાં અલગ જ તરી આવતું હતું. આ ગ્રુપમાં 25 સભ્ય છે. આ 25 સભ્ય રોજ સવારે ઊઠીને એકસરખા ટ્રેડિશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ શોધવા નીકળી પડે છે. ગ્રુપના સભ્ય હેતલ મેઘાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારું 25 લોકોનું ગ્રુપ છે. બધા ગ્રુપમાં એકસાથે એકસરખા સ્ટેપ રમીએ છીએ. ખાસ તૈયારીઓની વાત કરીએ તો સવારના સમયે ઊઠીને બાદમાં ટ્રેડિશનલ ડ્રેસ માટેની તૈયારી કરીએ છીએ, જેમાં જાજો સમય લાગે છે, પછી અમે ઓર્નામેન્ટ્સ ખરીદવા પણ એકસાથે એક જગ્યા પર જઈએ છીએ. ગ્રુપના અન્ય એક સભ્ય ડો.હેલી ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે આજકાલ રાસોત્સવમાં ગરબા રમીએ છીએ. દર વર્ષે ગ્રુપમાં સાથે 25 લોકો રમવા માટે આવીએ છીએ.

ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળતો હોય છે.
ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળતો હોય છે.
અન્ય સમાચારો પણ છે...