ભાજપે 182 બેઠકો પર પ્રભારી મૂક્યા:મતદાન બુથનો દરેક મેસેજ ગણતરીની સેકન્ડોમાં પેજ સમિતિના પ્રમુખ સુધી પહોંચી જશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે ભાજપ દ્રારા એડીચોટીનું જોર લગાવ્યું છે. તેના માટે ઝીણવટભરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમૂક વ્યવસ્થા અગાઉ હતી તો તેનું અમલીકરણ વધુ સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે. આ વખતે દરેક વિધાનસભા બેઠક દીઠ પ્રભારી મૂકવામાં આવ્યા છે. જે વોર્ડથી માંડીને બુથસુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરવાની સાથોસાથ પ્રદેશ કક્ષા, શહેર કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. એકબીજાના મેસેજની આપ-લે ગણતરીની સેકન્ડોમાં જ કરી દેશે.આ માટે છ મહિના પહેલાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.

પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું મોનીટરીંગ
ભાજપનું સોશિયલ મીડીઆ તો સક્રિય છે જ. પરંતુ તેના મેસેજો છેક પાયના કાર્યકર્તાઓ સુધી ગણતરીની સેકન્ડોમાં પહોંચે અને બુથ પર ચાલતી ગતિવિધિની માહીતી પ્રદેશ કક્ષાએ ત્વરિત પહોંચે તેવા શુભ હેતુથી વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા જ સંગઠનમાં કયાંય ના દેખાય તેવું ના ચાલે તેવું વિચારીને આ વખતની ચૂંટણીમાં વિધાનસભા પ્રભારીની જગ્યા ઊભી કરવામાં આવી છે. તેઓ વોર્ડથી માંડીને છેક બુથ જ નહીં બલ્કે પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું મોનીટરીંગ કરે છે.

કેમ વિધાનસભા પ્રભારી મૂકાયાં
પહેલાં વોર્ડ પછી સીધું શહેર માળખું હતું. વોર્ડનું સંકલન કોણ કરનાર કોઇ વ્યક્તિ જ ન હતા. વિધાનસભાની ચૂંટણી હોવા છતાં વિધાનસભાનો કયાંય ઉલ્લેખ ન હતો. તેમ જ કેટલીક વિધાનસભાની બેઠકમાં વોર્ડના ટૂકડાં થયેલા છે. ઉદાહરણ તરીકે વોર્ડનો કેટલોક ભાગ ઘાટલોડિયા મતવિસ્તારમાં હોય તો અમૂક ભાગ સાબરમતી કે પછી નારણપુરા કે વેજલપુરમાં જતો હોય છે. જેના કારણે તે ટૂકડાંના ભાગ પર કોઇનું સીધું ધ્યાન રહેતું ન હતું. એટલું જ નહીં પરંતુ વોર્ડના પદાધિકારીઓ માત્ર પોતાના વોર્ડ પર જ ધ્યાન કેન્દ્રિત કરતાં હતા. જેથી ટૂકડામાં વેચાયેલાં ભાગ પર કોઇનું ધ્યાન રહેતું ન હતું. તેમ જ કયા વોર્ડનું કામ નબળું છે તે પણ સીધું જોવું દુષ્કર બની રહેતું હતું.આ અંગે કામગીરી કરતી વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં રહેશે. ઉપલી કક્ષાએથી આવતાં મેસેજનું નીચલા સ્તરે અને નીચલાં સ્તરેથી આવતી માહિતી પ્રદેશ કક્ષાએ ગણતરીની મીનીટોમાં પહોંચાડી દેશે.

ભવિષ્યમાં શક્તિ કેન્દ્રના માળખાંને વધુ મજબૂત બનાવાશે
આગામી દિવસોમાં ભાજપ દ્રારા શક્તિ કેન્દ્ર (મતદાન મથક)ના માળખાને વધુ મજબૂત કરવા માટે વિચારી રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આ કેન્દ્રના પ્રમુખને મહત્વ આપવામાં આવશે. ત્યાં નિમણૂંકો કરવામાં આવશે. આ પ્રમુખ તેમના બુથ પ્રમુખ તેમ જ પેજ પ્રમુખો સાથે ઘરોબો કેળવાય તે હેતુસર તેમને વડાપ્રધાનની મનની વાતથી માંડીનેઅનેક કાર્યક્રમો એક જ સ્થળે ભેગાં થઇને નિહાળવા માટે જણાવવામાં આવે છે. તેનાથી તેમની વચ્ચે ગાઢ સંબંધ અને પરસ્પર ઘરોબો કેળવાય તે હેતુ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.

પહેલાં સંગઠનમાં શું હતું અને હવે શું કરાયું
પહેલાં સંગઠનમાં રાષ્ટ્રીય માળખું, પ્રદેશ માળખું, શહેર માળખું, વોર્ડ, બુથના કાર્યકરો હતા.રાષ્ટ્રીય માળખાંની નીચે પ્રદેશ માળખાં, શહેર માળખું, પછી વિધાનસભા પ્રભારી, વોર્ડ, શક્તિ કેન્દ્ર ( મતદાન મથક ) પ્રમુખ, દરેક બુથના ત્રણ કાર્યકરો જેવાં કે બુથ પ્રમુખ, વોટ્સએપ ઇન્ચાર્જ, બુથ લેવલ ઇન્ચાર્જ ( બી.એલ.એ. ) ઉપરાંત પેજ સમિતિ પ્રમુખોની વ્યવસ્થા કરી દીધી છે.

શું થશે ફાયદો
દરેક મતદાન મથક પર ત્રણથી ચાર બુથ રાખવામાં આવે છે. આ મતદાન મથક ( શક્તિ કેન્દ્ર )ના પ્રમુખને કયા સમયમાં કેટલું મતદાન થયું તેની જાણકારી મળી શકે. તેના મારફતે કોઇપણ વિધાનસભા મતક્ષેત્રના કયા વિસ્તારની કેટલી સોસાયટીના કેટલાં મતદારોએ મતદાન કર્યું, કેટલાં બાકી છે વગેરે માહિતી તેના દ્રારા બુથ ઇન્ચાર્જ તેમ જ વોટ્સએપ ઇન્ચાર્જને થાય. તેઓ દ્રારા પેજ પ્રમુખ તેમ જ વોર્ડ, વિધાનસભા પ્રભારી, શહેરના હોદ્દેદારોથી માંડીને પ્રદેશ કક્ષાના નેતાઓને જાણકારી રહેશે. બીજી તરફ પ્રદેશ કક્ષાએથી આપવામાં આવતાં મેસેજ છેક પેજ પ્રમુખ સુધી પહોંચાડીને વધુમાં વધુ મતદાન કરાવી શકાય.

કઇ રીતનું છે માળખું ?

  • રાષ્ટ્રીય માળખું
  • પ્રદેશ માળખું
  • શહેર માળખું
  • વિધાનસભા પ્રભારી
  • વોર્ડ માળખું
  • શક્તિ કેન્દ્ર
  • બુથ સમિતિ
  • પેજ સમિતિ
અન્ય સમાચારો પણ છે...