તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માણસ અને પ્રાણી વચ્ચે પ્રેમ અને મિત્રતા જોવા મળી હશે. પ્રાણીઓને લોકો પાળતા હોય છે તેમ પક્ષીઓને પણ લોકો પિંજરામાં બંધ રાખી પાળતા હોય છે. જો કે અમદાવાદમાં પિંજરામાંથી મુક્ત ખુલ્લાં આસમાનમાં ફરતા પક્ષી અને ગેરેજમાં કામ કરતા વ્યક્તિ વચ્ચે મિત્રતા છે. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સામે ફૂટપાથ પર ગેરેજ ચલાવતા મહેન્દ્રભાઈ અને પોપટ વચ્ચે મિત્રતા છે. પોપટ દરરોજ સાંજે મહેન્દ્રભાઈના હાથે જ પલાળેલા બિસ્કીટ ખાવા માટે આવે છે. 365 દિવસમાં એકપણ દિવસ એવો નથી બન્યો કે પોપટે મહેન્દ્રભાઈના હાથે બિસ્કિટ ખાધા ન હોય. રોડ પર જ્યારે મહેન્દ્રભાઈ પોપટને ખવડાવતાં હોય ત્યારે પોપટ તેમને નાકે અને મોઢે કિસ પણ કરવા લાગે છે પોપટ સાથેની તેમની મિત્રતા જોવા ઘણાં લોકો ઉભા પણ રહી જાય છે.
પોપટનું નામ મહેન્દ્રભાઈએ લાલો પાડ્યું
મણિનગર વિસ્તારમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સામે ફૂટપાથ પર 10 વર્ષથી ગેરેજ ચલાવતાં મહેન્દ્રભાઈએ પોપટ અને તેમની વચ્ચેની મિત્રતા વિશે Divyabhaskar સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ ફૂટપાથ પર 10 વર્ષથી ગેરેજ ચલાવે છે અને ત્યાં પાછળ અનેક પોપટ સાંજે આવતાં હોય છે. એક દિવસ તેઓ જે ઝાડ નીચે બેસે છે ત્યાં એક પોપટ આવીને બેઠો હતો અને બાદમાં તેમના સ્કૂટર પર આવીને બેઠો હતો. લાંબા સમય સુધી બેસી રહ્યો હતો જેથી મને લાગ્યું તેને પાણી પીવું હશે અથવા ભૂખ લાગી હશે. જેથી તેના માટે બિસ્કીટ લઈને આવ્યો અને તેને ગળામાં તકલીફ ના પડે માટે પાણીમાં પલાળી અને ખવડાવ્યા હતા. બસ પછી આ દરરોજનો નિયમ બની ગયો હતો. તેનું નામ "લાલો" પાડી દીધું હતું.
પોપટ સાંજે મહેન્દ્રભાઈના હાથે બિસ્કિટ ખાવા લાગે છે
સાંજના 6થી 6.30 વચ્ચે પોપટ પહેલા ઝાડ પર બેસે બાદમાં ધીરે ધીરે સ્કૂટર પર આવીને બેસી જાય. જેવો ઝાડ પર આવે એટલે મહેન્દ્રભાઇ તેમનું ગમે તેવું કામ હોય પડતું મૂકી અને સાબુથી હાથ સાફ કરે પછી તેના માટે બિસ્કીટ તેઓ તૈયાર જ રાખતાં. એક કપમાં પાણી ભરી તેમાં બિસ્કીટ પલાળે અને બાદમાં સ્કૂટર પાસે આવી જતાં હતાં. પોપટ સ્કૂટરના હેન્ડલ પર આવીને બેસી જતો. બાદમાં મહેન્દ્રભાઈના હાથે બિસ્કિટ ખાવા લાગે છે. બિસ્કીટ ખાતી વખતે કેટલીક વાર તે મહેન્દ્રભાઈને મોઢે, હાથે કિસ કરવા લાગે ક્યારેક વાતો પણ કરવા લાગે છે. પાંચ મિનિટ સુધી બિસ્કિટ ખાઈ અને પોપટ જતો રહે છે.
રજાના દિવસે પણ પોપટને બિસ્કિટ ખવરાવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે એકપણ દિવસ તેઓ પોપટને બિસ્કિટ ખવડાવ્યા વગર રહેતા નથી. રજાના દિવસે પણ તેઓ ખાસ પોપટને બિસ્કીટ ખવડાવવા માટે આવે છે. જ્યારે પણ તેઓ પોપટને ખવડાવતાં હોય ત્યારે કેટલાક લોકો રોડ પર તેને જોવા ઉભા રહી જાય છે. જો કે કોઈને તેઓ નજીક આવતાં જોવે તો પોપટ ઉડી જાય છે. તેમના મિત્ર લાલા સિવાય અન્ય પોપટ માટે પણ તેઓ રોજ બે બિસ્કિટના પેકેટ લાવી પલાળી અને ત્યાં દીવાલ પર મૂકે છે અને પોપટને ખવડાવે છે. પોપટ સાથે તેઓની આવી મિત્રતાને ભગવાનનો આભાર માને છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.