ઘાટલોડિયાના રન્નાપાર્ક પારસમણી સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં 48 કલાકથી વધુ સમય વિતી જવા છતાં પોલીસને હજુ સુધી હત્યારા વિશેની કોઇ જ કડી મળી નથી. હત્યારા સીસીટીવીમાં પણ ક્યાંય દેખાતા નથી. જેથી સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે ગુના શોધવા માટે ટેવાયેલી પોલીસ માટે વૃદ્ધ દંપતીના હત્યારાને પકડવા પડકાર સાબિત થઇ રહ્યો છે. એવામાં પોલીસે હવે આ કેસને ઉકેલવા માટે 'જર, જમીન અને જોરું... ત્રણે કજીયાના છોરું' થિયરી પર તપાસ શરૂ કરી છે.
જર, જમીન અને જોરું થિયરીથી પોલીસની તપાસ
પોલીસની આ થિયરી મુજબ, જર એટલે કે મિલકત, રોકડનો કોઈ વિવાદ હોય જે ઘાતક બન્યો હોય, જમીન એટલે કે પારસમણી સોસાયટીના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કદાચ વૃદ્ધ દંપતી આડખિલીરૂપ હોઈ શકે અને જોરું એટલે પરિવાર સાથે કે આસપાસમાં કોઈ એવી પ્રેમ સંબંધની વાત હોય જેનો ભાંડો ફૂટવાનો ભય હોય જેના કારણે પણ દંપતીની હત્યા કરાઈ હોઈ શકે છે.
24 કલાક ઘરઘાટીની પૂછપરછ બાદ છોડી મૂકાયો
પોલીસનું કહેવું છે કે દયાનંદભાઈ અને વિજયાલક્ષ્મી બહેનની હત્યામાં ડોગ સ્કોડ, એફએસએલ, સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ કડી પ્રાપ્ત થઇ શકી નથી. દયાનંદ અને વિજયાલક્ષ્મીના ઘરે ઘરઘાટી પ્રકાશની પોલીસે શંકાના આધારે અટકાયત કરી હતી. જેમાં 24 કલાક કરતાં પણ વધારે સમય સુધી પ્રકાશની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આ હત્યામાં પ્રકાશની સીધી કે આડકતરી કોઇ પણ સંડોવણી નહીં હોવાનું જાણવા મળતા હાલમાં પોલીસે પ્રકાશને જવા દીધો હતો.
ફૂટ પ્રિન્ટને આધારે તપાસ કરવા શંકાસ્પદોને બુટ-ચંપલ પહેરાવાશે
ભાગેલા હત્યારાના ફૂટ પ્રિન્ટ ઘરમાંથી તેમજ ફલેટની સીડીમાંથી મળી આવ્યા હતા. જેના આધારે એફએસએલની ટીમે ફૂટ પ્રિન્ટ કોની છે તેની તપાસ કરવા માટે પોલીસે તમામ શંકાસ્પદોને વારાફરથી બુટ અને ચંપલ પહેરાવીને પણ તપાસ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.