અમદાવાદ ઝોન એફઆરસીએ પ્રોવિઝનલ ફી ઓર્ડરમાં સ્કૂલો બંધ હોવાથી સ્કૂલોએ રજૂ કરેલા કરોડો રૂપિયાના ઘસારાના ખર્ચને માન્ય રાખ્યો નથી. પરંતુ વાલીમંડળે આક્ષેપ કર્યો છે કે, એફઆરસીમાં સ્કૂલોના ઘસારાનો ખર્ચ માન્ય રહે તે માટે સ્કૂલો ફરી શરૂ કરવા માટે સંચાલકો સરકાર પર દબાણ કરી રહ્યા છે. જો સ્કૂલો ફરી શરૂ થાય તો જ ઘસારા માટે રજૂ કરેલા કરોડો રૂપિયાના ખર્ચ અને ઇતર પ્રવૃત્તિના ખર્ચ માટે મંજૂરી મેળવી શકે તેમ છે.
સ્કૂલો શરૂ કરવાને લઇને સ્કૂલ સંચાલકો દ્વારા વારંવાર જિલ્લા કક્ષાએ અને રાજ્ય સ્તરે સરકારને રજૂઆતો કરાઇ હતી. જેથી સરકારે ધો.9થી 11 અને એ પહેલા ધો.12 ઓફલાઇન શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી. પરંતુ વાલીમંડળ આ સમગ્ર ઘટનાને ફી નિર્ધારણ સાથે જોડી રહ્યું છે. કારણ કે કોરોના બાદ પહેલીવાર સ્કૂલોની ફી નક્કી થઈ રહી છે, જે આગામી ત્રણ વર્ષ માટે હશે. તેથી જ વાલી મંડળે સ્પષ્ટ કહ્યું છે કે ફી નિર્ધારણમાં ઘસારાને અને ઇતર પ્રવૃત્તિના ખર્ચને માન્ય રાખવામાં ન આવે. જો એફઆરસી સ્કૂલોના ઘસારાના ખર્ચને માન્ય રાખશે તો વાલીઓ સાથે અન્યાય થશે. કારણ કે બાળકોએ જે ફેસેલિટી કે વસ્તુનો ઉપયોગ જ નથી કર્યો તેની ફી ભરવી પડશે, વાલીઓમાં વિરોધની લાગણી ઉભી થશે. જેથી આવનારા સમયમાં પણ એફઆરસીએ વાલીઓની લાગણીને ધ્યાનમાં રાખી ઘસારાના ખર્ચને વાલીઓ પર થોપવો ન જોઈએ.
ઇતર ખર્ચ ફીમાં ઉમેરવા સ્કૂલ સંચાલકોની યોજના
વાલીમંડળના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોએ પોતાની વસ્તુના 10 ટકા સુધીની રકમ ઘસારા પૈકી માગી છે. સ્કૂલમાં રહેલી તમામ પ્રોપર્ટી જેમ કે બેન્ચિસ, ટેબલ, મોટરસાઇકલ, બસ, કમ્પ્યૂટર તમામનો ઘસારાનો ખર્ચ એફઆરસીમાં મુકાયો છે. આ ખર્ચને વિદ્યાર્થીની ફીમાં ગણવા માટે સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે.
વાલીઓની રજૂઆતથી સ્કૂલો શરૂ થઈ રહી છે
સ્કૂલો શરૂ કરવા માટે વાલીઓની સ્કૂલમાં રજૂઆત હતી, તેથી જ સ્કૂલો શરૂ કરાઇ છે. ઘસારાના ખર્ચ માન્ય રાખવા માટે અમે સ્કૂલો શરૂ કરી નથી. > ભરત ગાજીપરા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંહામંડળ
ઘસારા ખર્ચ FRCમાં મૂકવા સ્કૂલોને અધિકાર
સ્કૂલોએ ખરેદેલી વસ્તુઓના ઘસારાનો ખર્ચ એફઆરસીમાં મુકી શકે છે. કારણ કે પહેલાથી જ તેમણે આ વસ્તુઓ ખરીદી છે. તેથી સ્કૂલો બંધ હોવાની દલીલ કરવી યોગ્ય ગણાશે નહીં. > ફેનીલ શાહ, સી.એ
સ્કૂલો બંધ હોવાથી અન્ય ખર્ચ માગી શકાય નહીં
સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓએ સ્કૂલોના કોઇ જ સાધનનો ઉપયોગ કર્યો નથી. સ્કૂલોએ રજૂ કરેલા 4 કરોડ સુધી ઘસારા ખર્ચને FRCએ માન્ય રાખવો જોઇએ નહીં. જે સેવા લીધી નથી, તેનો ખર્ચ મગાય નહીં. સ્કૂલોએ યોગ્ય ખર્ચ જ એફઆરસીમાં મુકવો જોઇએ. - નરેશ શાહ, પ્રમુખ, ઓલ ગુજરાત વાલી મંડળ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.