અમદાવાદમાં ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે. વરસાદ બાદ AMC દ્વારા તમામ જગ્યાએ ખાડા પૂરવાની અને રોડ રીસરફેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાના દાવા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર શહેરમાં કેટલા ખાડા પૂરવામાં આવ્યા અને રોડ પર પેચ વર્ક કરીને રીસરફેસ કરવામાં આવ્યા છે તેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર રોજના 4500 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ ભાજપના શાસકો જણાવી રહ્યાં છે.
ક્યાં કેટલું કામ થયું તેની માહિતી જાહેર નથી કરાતી
AMC દ્વારા તમામ ઝોનમાં કામગીરી ચાલી રહી છે પરંતુ કયા રોડ કેટલા બનાવવામાં આવ્યા તેની ઝોન વાઈઝ માહિતી જાહેર કરવામાં આવતી નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં પણ રોડ તૂટ્યા છે અને ખાડા પડ્યા છે તેને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે અમે કરી રહ્યાં છીએ. 4500 મેટ્રિક ટન ડામરનો રોજ ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે પણ નવા રોડ બન્યા છે તેમાંથી એક પણ રોડ તૂટ્યો નથી અને વર્ષ 2019 બાદ પણ બનેલા એક પણ રોડ તૂટ્યા નથી.
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે
તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં અત્યારે 36મી નેશનલ ગેમ્સ જે રાષ્ટ્રીય કક્ષાનો રમતોત્સવ છે અને તેમાં વીવીઆઈપી આવે તો ત્યાં નાનું મોટું સમારકામ અને રોડ બનાવવા કે ફૂટપાથ સરખી કરવી વગેરે જરૂરી હોય છે પરંતુ માત્ર ત્યાં જ કામગીરી ચાલે તેવું નથી. દરેક ઝોનમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે અને ખાડા છે હજી પણ રોડ પર માત્ર માટી અને પથ્થર નાખી અને રોડ ને પુરી દેવાની કામગીરી કરવામાં આવે છે. જોકે કેટલા કરોડનો ખર્ચ કરી અને આ કામગીરી કરવામાં આવી રહી છે તેની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી એક તરફ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે.
કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતે કામ મંજુર થાય છે
આજે મળેલી કમિટીમાં પણ રોડ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર અને બીટુબીના તફાવતની રકમ સાથે અંદાજિત ભાવથી વધુ ભાવ આપી અને કોન્ટ્રાક્ટ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના મહાદેવ દેસાઈ અને ભાજપના સત્તાધિશો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય તે રીતે કામ મંજુર કરી દે છે. પરંતુ પ્રજા સુધી તેની કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. એક કમિટીમાં કરોડો રૂપિયાના કામ મંજૂર કરવામાં આવે છે પરંતુ તે કામગીરી કેટલા સુધી પહોંચી અને કયા વિસ્તારમાં પહોંચી તેની જે યોગ્ય રીતે જાણકારી પ્રજા સુધી પહોંચવી જોઈએ તે પારદર્શિતા રીતે કામગીરી ન થતી હોય તેવું રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં જણાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.