હાટકેશ્વર બ્રિજકાંડમાં રોજે રોજ નવી પરતો ખુલતી જાય છે. મ્યુનિ.ના ચોપડે જ નોંધવામાં આવ્યું છે કે, નબળી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હોવાથી હાટકેશ્વર ફ્લાયઓવરના બોક્સની ઉપરના ડેસ્ક સ્લેબને જોડતા મુખ્ય ભાગમાંથી વારંવાર ક્રોકિંટ નીકળી જાય છે. એમ પણ નોંધવામાં આવ્યું છે કે, આ મુદ્દે તપાસ તેમજ જરૂરી રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. હકીકત એ છે કે, ગુણવત્તાની દૃષ્ટિએ હાટકેશ્વર બ્રિજ જોખમી બની ગયો હોવાથી તેને તોડવો પડે તેમ હોવા છતાં રિપેરિંગથી કામ ચલાવવાનો કારસો છે.
શહેરમાં હાટકેશ્વર બ્રિજ ઉપરાંત એલિસબ્રિજ સહિત 12 બ્રિજ જર્જરિત છે અથવા થોડા ઘણા અંશે ડિફેક્ટિવ છે. મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાને આ તમામ બ્રિજ તાકીદે રિપેર કરવાની માગણી કરી છે. તેમનો આક્ષેપ છે કે, લાંબા સમયથી બ્રિજ ઈન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. શહેરમાં 82 બ્રિજ અને અંડરપાસ છે માટે બ્રિજ ઈન્સ્પેક્ટરની જગ્યા ભરવી જરૂરી છે. ઈન્સ્પેક્ટર તપાસ કરે પછી કયા બ્રિજમાં કેટલું રિપેરિંગ જરૂરી છે તેનો નિર્ણય લેવાતો હોય છે. મ્યુનિ.એ હાઈકોર્ટમાં પણ કબૂલ્યું હતું કે, શહેરના 12 બ્રિજનું રિપેરિંગ કરવું જરૂરી છે.
શહેરના આ 12 બ્રિજ-અંડરપાસ રિપેરિંગ માગી રહ્યા છે
ક્રમ | બ્રિજનું નામ | હાલનું સ્ટેટસ |
1) | ગાંધી બ્રિજ (નદી પર) | ફૂટપાથની ટાઇલ્સનું રિપેરિંગ કામ કરાયું છે. |
2) | સુભાષ બ્રિજ (નદી પર) | ફૂટપાથની ટાઇલ્સ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. |
3) | અખબારનગર અંડરપાસ | કેચમેન્ટ એરિયામાં તૂટી ગયેલી જાળી બદલી છે. |
4) | શિવરંજની ફ્લાયઓવર | બ્રિજમાં પડેલો ખાડો જેટ પેચર મશીનથી રિપેર કર્યો છે. |
5) | આંબેડકર બ્રિજ (નદી પર) | બ્રિજ પરની લૂઝ મસ્ટીક સરફેસ પર ડામર પાથરી ખરાબ સરફેસ દૂર કરવામાં આવી છે. |
6) | કેડિલા બ્રિજ (રેલવે ઓવરબ્રિજ) | પથ્થર જડવાને કારણે બ્રિજને નુકસાન થયું છે. નવા પથ્થર લગાવી વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવી બ્રિજ મજબૂત બનાવવામાં આવ્યો છે. |
7) | મીઠાખળી અંડરબ્રિજ | બ્રિજની જૂની દીવાલ ડેમેજ થતાંં,નવી દીવાલની કામગીરી ચાલે છે. |
8) | કાલુપુર બ્રિજ | રેલવે ઓવરબ્રિજ-ફૂટપાથ,બાજુની દીવાલ મજબૂત બનાવવા ટેન્ડરિંગ કામગીરી ચાલુ છે. |
9) | નિર્ણયનગર અંડરબ્રિજ | કેચમેન્ટ એરિયામાં તૂટેલી જાળીને બદલવાની કામગીરી શરુ કરાઇ છે. |
10) | ચીમનભાઇ બ્રિજ (રેલવે ઓવરબ્રિજ) | બ્રિજ પર કોંક્રિટની પેચ-દીવાલોની મજબૂતી કરવી આવશ્યક છે. તેના રિપેરિંગના અંદાજ કાઢવાની કામગીરી ચાલુ છે. |
11) | હાટકેશ્વર બ્રિજ | બ્રિજના સ્પાનમાં વારંવાર કોંક્રિટ તૂટી જવા પામી છે. ઘણીવાર રિપેરિંગ કરાયું છે. જરૂરી તપાસ, રિપેરિંગ અને રિસ્ટ્રોરેશનની પ્રક્રિયા ચાલે છે. |
12) | એલિસ બ્રિજ (જૂનો પુલ) | એલિસ બ્રિજ ઉપરનું લોખંડ સારી સ્થિતિમાં છે. નીચેનું લોખંડ અને કેટલીક વસ્તુઓ બદલવી આવશ્યક છે. કેટલાક સ્થળે રિપેરિંગ કરેલું છે. બોટમડેકમાં ગ્રીડરની મજબૂતી તથા બેરિંગ રિપેરિંંગ આવશ્યક છે, તેના ખર્ચના અંદાજની કામગીરી ચાલે છે. |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.