જવાબદારીથી છટકવાનો પ્રયાસ:અમદાવાદ શહેરમાં ઠેર ઠેર તૂટેલા રોડ પણ મેયર કહે છે, કોર્પોરેશન જવાબદાર નથી!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આટલા વરસાદમાં અમે બનાવેલા રોડની એક પણ કાંકરી ખરી નથી
  • 25 હજાર પેચવર્ક કર્યા, 90 ભૂવા પડ્યા છતાં રોડ સલામત દેખાયા

શહેરમાં ઠેર ઠેર તૂટેલા રોડ છે. છતાં મેયર કિરીટ પરમારે આ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. મેયરે દાવો કર્યો હતો કે, તૂટેલા રોડ માટે કોર્પોરેશન જવાબદાર નથી. જેટલા નવા રોડ બનાવવા આવ્યા છે તેમાં રોડની એક પણ કાંકરી ખરી નથી કે એક પણ રોડ ધોવાયો નથી અને એક પણ રોડ ડેમેજ થયો નથી. પેચ વર્ક કરવામાં આવ્યું જેમાં રોલર ફર્યું ન હોય તેવી જગ્યાએ તૂટી ગયા હોઈ શકે છે.

કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી નથી: મેયર
જોકે અમારી કામગીરી સતત ચાલી રહી છે. આ સાથે મ્યુનિ. હવે ઘણી જગ્યાએ આરસીસીના રોડ બનાવી રહ્યું છે. વરસાદ ઓછો થયો છે એટલે મ્યુનિ. સતત રાત દિવસ એક કરીને રોડના કામ કરી રહી છે. કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી નથી અને અમે કોઈને છાવરતાં પણ નથી. પ્રજાની સેવાની વચ્ચે અમે કોઈની સાથે સમાધાન કરતા નથી.

90 ભૂવા છતા મેયરને આપણાં રોડ સલામત દેખાય છે: શહેજાદખાન પઠાણ
કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે મેયરના આ નિવેદનને દુ:ખદ જણાવી ઉમેર્યું હતુંકે, મ્યુનિ.એ જ્યાં રસ્તા પર 25238 જેટલા પેચવર્ક કરવા પડ્યા છે, 90 ભૂવા પડ્યા છે, છતાં પણ મેયરને આપણાં રોડ સલામત દેખાય છે. શહેરમાં રોડ યોગ્ય હોવાનું વિવાદીત નિવેદન મેયર કિરીટ પરમારે કર્યું છે.

કોંગ્રેસ દ્વારા આ બાબતે ભારે વિરોધ રજૂ કર્યો
​​​​​​​​​​​​​​
શહેરના તમામ રોડ સલામત હોવાનું નિવેદન કરતાં જ કોંગ્રેસ દ્વારા આ બાબતે ભારે વિરોધ રજૂ કર્યો છે. કોંગ્રેસ આક્ષેપ કર્યો છેકે, શહેરના રોડ એટલા બિસ્માર થઇ ગયા છેકે, લોકોને કમર અને મણકાના દુખા‌વાથી પરેશાન થઇ ગયા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને વહાલા થવા માટે યોજાતા મેળાઓમાંથી મેયરે બહાર આવવું જોઇએ. જેથી શહેરના વિવિધ માર્ગોની હાલની હાલત શું છે તે તેમને દેખાય.

તૂટેલા રોડ માટે જવાબદારો સામે કાર્યવાહી કરો : કોંગ્રેસ
શહેરના વિવિધ રોડ પર 25 હજારથી વધારે થિંગડાં મારવાની જરૂર પડી છે. શહેરમાં ભાગ્યે જ કોઇ રોડ એવો હશે જે તૂટ્યો ન હોય. કોંગ્રેસ એવી ટકોર કરી છેકે, મેયરે આ‌વા બેજવાબદાર અને શેખચલ્લી જેવા પોકળ નિવેદનો આપતાં પહેલા શહેરના વિવિધ રોડની મુલાકાત લેવી જોઇએ. ખરેખર તો આવા રોડ માટે જવાબદાર હોય તેવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...