કેશ ઇઝ કિંગનો કનસેપ્ટ બદલાવા લાગ્યો છે. ડિજિટલ યુગમાં કેશ નહીં હોય તો ચાલશે પરંતુ સ્માર્ટફોનમાં પેમેન્ટ, પેટીએમ, ગુગલ-પે, ભીમએપ, ફોનપે જેવી એપ્લિકેશન હોવી જરૂરી છે. કોરોના મહામારી બાદ નાણાકિય લેવડ-દેવડમાં ડિજિટલ દ્વારા વ્યાપ ઝડપી વધ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ વધારો થવાનું મુખ્ય કારણ પરચુરણની રામાયણ છે. મોટા ભાગના ટ્રેડર્સ-વેપારી તેમજ ગ્રાહકો પણ એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા લેવા તૈયાર નથી. ગુજરાતમાં ધીમે-ધીમે સિક્કાનું ચલણ ઘટવા લાગ્યું છે.
મલ્ટીનેશનલ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્રોડક્ટની કિંમત રૂ.99, 199, 299, 999…આ ઉપરાંત અમુક પ્રોડક્ટતો રૂ.4.5, 5.5, 7.5 જેવી કિંમતોમાં રાખે છે આવા સમયે છુટ્ટા નાણાની પળોજણ સર્જાય છે અને કાયમને માટે ગ્રાહક એક, બે કે મોંઘી કિંમતની વસ્તુ હોય તો પાંચ રૂપિયા પણ જતા કરે છે. આવી જતા કરાતી કિંમત ગુજરાતમાં વાર્ષિક ધોરણે 2-5 કરોડ નહીં પરંતુ 200 કરોડ છે. આ નુકસાની ગ્રાહકોને ભોગવવી પડી રહી છે.
મલ્ટીનેશનલ કંપનીઓના મોલમાં હવે 90 ટકા ગ્રાહકો કેશના બદલે એટીએમ કાર્ડ જેમાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટમાં પેટીએમ, ગુગલ-પે, ભીમએપ, ફોનપેનો ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં તો હજુ કેશ ઇઝ કિંગ જ છે. પ્રિ-કોવિડ પૂર્વે દેશભરમાંથી દર મહિને સરેરાશ 23.48 લાખ કરોડનું કેશ વિડ્રોઅલ એટીએમ દ્વારા થતું હતું જે વધીને અત્યારે 30 લાખ કરોડની નજીક પહોંચ્યું છે. દેશભરના એટીએમમાંથી થતા કેશ વિડ્રોઅલમાં ગુજરાતનો હિસ્સો 7 ટકાથી વધુ એટલે કે દર મહિને ગુજરાતીઓ બે લાખ કરોડથી વધુની રોકડ ઉપાડ કરી રહ્યાં છે જેમાં ગ્રામ્ય વિસ્તારોનો હિસ્સો ઝડપી વધી રહ્યો છે.
ડિજિટલ ટેક્નોલોજીના સતત વધી રહેલા વ્યાપથી પેટીએમ-ફોન-પે, ગુગલ-પે, ભીમ એપ જેવી એપ્લિકેશન આવી જેના દ્વારા નાણાંકિય રોટેશન વધવા લાગ્યું છે પરંતુ તેની કોઇ અસર કેશ વિડ્રોઅલ પર પડી નથી. ગુજરાતીઓ ઈ-કોમર્સ દ્વારા વધુ ખર્ચ કરી રહ્યા છે અહેવાલ મુજબ ઓક્ટોબર 2021માં ફેબ્રુઆરી 2020 કરતા 60% વૃદ્ધિ જોવા મળી છે. આવા સંજોગોમાં ગ્રાહકો હવે છુટ્ટાની રામયણથી બચવા માટે ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો થઇ ગયો છે.
આ રીતે સમજોઃ છુટ્ટા ન હોવાથી કેમ 200 કરોડનું નુકસાન...
ગુજરાતનું અર્થતંત્ર સરેરાશ 20 લાખ કરોડ રૂપિયાનું છે જેમાં સિક્કાનો વપરાશ ધરાવતા રિટેલ સેક્ટરનો હિસ્સો 35 ટકા આસપાસ છે આમ 20 લાખ કરોડના 35 ટકાને ધ્યાનમાં લેતા 7 લાખ કરોડ થાય જેમાં પણ બીટુબી (બિઝનેસ ટુ બીઝનેસ)નો 70 ટકા અને બીટુસી (બિઝનેસ ટુ કસ્ટમર)નો હિસ્સો 30 ટકા છે. સિક્કાની બાબતમાં બીટુસી સૌથી વધુ વપરાય છે. આમ 7 લાખ કરોડના 30 ટકા એટલે 2.10 લાખ કરોડ થાય. છુટ્ટા નાણાં ન હોવાના કારણે ગ્રાહકોને 2.10 લાખ કરોડમાંથી અંદાજે 0.001 ટકા એટલે કે રૂ.210 કરોડનું જંગી નુકસાન વાર્ષિક ધોરણે થઇ રહ્યું છે.
સિક્કા કાંડ: સિક્કામાં કીમતી મેટલ્સના કારણે ઓગાળવાનું કૌભાંડ
ગુજરાતનાં અમુક શહેરો કે ગામડામાં છેલ્લા કેટલાક સમયથી સિક્કાની તંગી સર્જાઇ છે જેનું મુખ્ય કારણ સિક્કામાં વપરાતા મેટલ્સ જેમાં એલ્યુમિનિયમ, નિકલ, સ્ટીલ ઉપરાંત અન્ય અનેક પ્રકારની ધાતુઓ વપરાય છે. સિક્કાની કિંમત કરતા તેની વેલ્યુ વધુ છે જેના કારણે અગાઉ સિક્કા ગાળીને તેમાંથી ધાતુ અલગ પાડી કમાણીનું માધ્યમ અપનાવાયું હતું જે હજુ પણ અમુક અંશે થઇ રહ્યું છે પરિણામે એક-બે તથા પાંચના જૂના સિક્કાની તંગી સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના શહેરો તથા ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી સિક્કાનું ચલણ ઘટવા લાગ્યું છે. મોટા ભાગના લોકોએ સિક્કા સ્વિકારવાનું પણ બંધ કરી દીધું છે.
સિક્કાની રામાયણના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધ્યાં
ક્રેડિટકાર્ડ | પીઓએસ | ઇ-કોમર્સ |
ટ્રાન્ઝેક્શન | 108 | 106 |
વેલ્યુ | 3.67 | 5.21 |
ક્રેડિટ કાર્ડ | પીઓએસ | ઇ-કોમર્સ |
ટ્રાન્ઝેક્શન | 237 | 175 |
વેલ્યુ | 4.59 | 2.83 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.