અમદાવાદ પાલિકા-પંચાયતની ચૂંટણી:અમદાવાદ જિલ્લા પંચાયતનું 70 અને 9 તાલુકા પંચાયતોમાં સરેરાશ 74 ટકા વોટિંગ, નગરપાલિકાઓમાં 64 ટકા મતદાન

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદાન પહેલા મતદારોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
મતદાન પહેલા મતદારોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું.
  • કોરોનાના ભય વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ કાયમ રહ્યો, સવારે ધીમાં મતદાન બાદ ઉછાળ‌ો આવ્યો, 2જીએ ગણતરી

સવારના 7 વાગ્યાથી અમદાવાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. અમદાવાદ જિલ્લા પંચાયતનું 70.72 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓનું સરેરાશ 64.67 ટકા અને તાલુકા પંચાયતોનું 74.12 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.

જિલ્લા પંચાયતમાં 70.72 ટકા, તાલુકામાં 70.68 ટકા નગરપાલિકામાં 64.67 ટકા
દિવસ દરમિયાન દસક્રોઇ સહિત ધોળકા અને વિરમગામ નગરપાલિકા મળી કુલ ત્રણ બીયુ મશીન ખોટકાઇ ગયા હતાં. જોકે આનાથી મતદાન પર કોઇ ગંભીર અસર થઇ નહીં હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો. હવે બીજી માર્ચે સવારે 9.00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા, તાલુકા પંચાયતમાં કુલ 10.50 લાખ મતદારોમાંથી જિલ્લા પંચાયતમાં કુલ 5,92,799 અને તાલુકા પંચાયતમાં 6,17,287 તેમજ પાલિકામાં 1.40 લાખમાંથી 91,587 મતદારોએ મતદાન કર્યું હતું. અમદાવાદ જિલ્લા પંચાયતની 31 બેઠકો માટે સવારે 7થી 9માં 9.05 ટકા ત્યારબાદ મતદાન વધતા 7થી 11માં 25.40 ટકા, 7થી બપોર 1 વાગ્યા સુધીમાં 41.69 ટકા, 7થી 3 56.98 ટકા મળી સવાર 7થી સાંજના 6 વાગ્યા સુધીમાં 70.72 ટકા મતદાન થયું હતું.

સવારે નિરસ મતદાનના લીધે ઉમેદવારોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. પછી 9.00 વાગ્યા પછી મતદાનમાં વધારો થયો હતો. કોરોના વચ્ચે રાજકીય પાર્ટીના કાર્યકરો લોકોને મતદાન માટે વાહનમાં લઇ જતા હતાં. પ્રત્યેક સમાજના લોકો પણ પોતાના ઉમેદવારને જીતાડવા મતદાન માટે લોકોને સતત મોબાઇલ પર મેસેજ કરતા હતાં. ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરોએ મતદાન માટે ગામેગામ જઇને ઢોલ-નગારાથી પણ લોકોને એકત્રીત કરીને મતદાન મથક પર લઇ જતાં હતાં. તાલુકા પંચાયતમાં સવારે 7થી 9 વાગ્યામાં દેત્રોજ-રામપૂરા 8.93 ટકા, ધંધુકા 8.07 ટકા, માંડલ 7.05 ટકા, બાવળા 8.95 ટકા, વિરમગામ 9.83 ટકા, ધોળકા 7.88 ટકા, સાણંદ 10.75 ટકા, દસક્રોઇ 8 ટકા, ધોલેરા તાલુકામાં 10.11 ટકા મતદાન થયું હતું.

નગરપાલિકામાં સવારે 7થી 9 વાગ્યા દરમિયાન ધોળકા 7.18 ટકા, વિરમગામ 7.31 ટકા, બારેજા 9.97 ટકા, બાવળા, 5.58 ટકા અને સાણંદમાં 4.89 ટકા મતદાન થયું હતું. જિલ્લામાં કોરોનાના બે કેસ છતાં ચૂંટણીમાં સોશીયલ ડિસ્ટન્સના નિયમોનું કોઇ પાલન જોવા મળ્યું નહતું.

બાવળા તાલુકાની 4 જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયતમાં 74 ટકા શાંતિપૂર્ણ મતદાન
બાવળા તાલુકાની 4 જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયત અને બાવળા નગરપાલિકાનાં 5 નંબરનાં વોર્ડની 1 સીટ માટે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.છેલ્લા કલાકોમાં બાકી રહી ગયેલા મતદારોને લાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતાં.બાવળા તાલુકામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પહેલા 2 કલાકમાં આશરે 5 ટકા, 1 વાગ્યા સુધીમાં 43.65 ટકા, 3 સુધીમાં 55 ટકા, 5 સુધીમાં 70.75 ટકા અને 6 વાગ્યા સુધીમાં 74 ટકા મતદાન યોજાયું હતું.

વિરમગામ પાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચ્યા
વિરમગામ નગરપાલિકા ,તાલુકા જિલ્લા પંચાયતોની બેઠકો મતદાન માટે દરેક બુથ ઉપર EVM સહિત, સેનેટાઈઝર,થર્મલગન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.પાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે 57 બુથ પર 61% મતદાન થયું હતું વિરમગામ તાલુકા અને જિલ્લા પંચાયતોની કુલ 24 બેઠકો પર કુલ 118 બુથો પર 67% મતદાન થયું વિરમગામ નગરપાલિકા અને તાલુકાના ગામોમાં ચૂંટણીઓ માટે 500 જેટલા પોલીસ અને હોમગાર્ડઝ જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

ધોળકા વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહ દાખવી મતદાન મથકો પર લાઇન લગાવી
ધોળકામાં જિલ્લા પંચાયતની પાંચ સીટો આવેલી છે.જેમાં બદરખા, સાથળ, કોઠ, કૌકા, વટામણ સીટ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ થઈ કુલ 18 ઉમેદવારોનું ભાવિ સાંજે છ વાગ્યા સુધીમાં મતપેટીમાં સીલ થયું હતું. તાલુકા પંચાયતની કુલ 22 સીટો ઉપર આજરોજ શાંતિપૂર્ણ રીતે મતદાન રહ્યું હતું. ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 62.03 ટકા મતદાન. તાલુકા પંચાયત અને જિ. પં.ની ચૂંટણીમાં 67.26 ટકા મતદાન નોંધાયું હતુંં.

કઈ નગરપાલિકામાં કેટલું મતદાન

નગરપાલિકાબેઠકમતદારોમતદાન
ધોળકા96869862.03
બારેજા61390179.28
વિરમગામ951,13364.75
બાવળા1387371.31
સાણંદ1400851.82
કુલ2614161364.67

કઈ તાલુકા પંચાયતમાં કેટલું મતદાન

તાલુકા પંચાયતબેઠકમતદાન
દેત્રોજ-રામપુર1673.19
ધંધુકા1669.65
માંડલ1669.41
બાવળા1573.95
વિરમગામ1871.5
ધોળકા2067.22
સાણંદ2279.69
દસ્ક્રોઈ2369.94
ધોલેરા1460.37
કુલ16874.12

હાર્દિક પટેલ તેમના વોર્ડમાં જ કોંગ્રેસના ઉમેદવારને મત આપી શક્યા નહીંઃતેજશ્રી પટેલ
પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે કર્યું વિરમગામના ધાકડી ગામે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હું હતી ત્યારે 2015માં અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસની સત્તા આવી હતી. અમદાવાદમાં 3 જિલ્લા પંચાયતની બેઠકો બિનહરીફ થઈ હતી. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપની બનશે. હાર્દિક પટેલના મતદાન અંગે તેજશ્રીબેન પટેલે કહ્યું કે, કોંગ્રેસને વિરમગામમાં ઉમેદવાર મળ્યા નથી. હાર્દિક પટેલની કમનસીબી એ છે કે તેમના વોર્ડમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને મત આપી શક્યા નથી. હાર્દિક પટેલ સમાજની વાત કરે છે ત્યારે એકપણ પાટીદારને ટિકિટ ના અપાવી. વિરમગામ વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયતની 8 બેઠકોમાંથી એકપણ પાટીદાર ઉમેદવાર નથી.

અમદાવાદ જિલ્લા પંચાયતની 3 સીટ સહિત 14 બેઠક બિન હરિફ
આ ચૂંટણીમાં કુલ 314 બેઠકો માટે 806 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. પરંતુ 314 બેઠકો પૈકી 14 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જેમાં દસકોઈ તાલુકાના કાવિઠા, કાસીન્દ્રા અને ભુવાલડી બેઠકનો સમાવેશ થવા જાય છે જ્યારે બાકીની બિનહરીફ બેઠકો તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીમાં થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...