તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB એક્સક્લૂઝિવ:કોરોનાકાળમાં પણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના 939 વિદ્યાર્થીઓને અપાવી નોકરી, 25 લાખ સુધીના પેકેજ, 5 ટકા સ્ટુડેન્ટને રાજ્ય બહાર જોબ મળી

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
ગુજરાત યુનિવર્સિટી
  • વર્ષ 2019-20માં 289 કંપનીએ 5578 નોકરી આપી છે​​​​​​

કોરોનાકાળમાં અનેક લોકોના નોકરી-ધંધા પર અસર પડી છે. અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને તેમને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના શરૂ થયો ત્યારથી અત્યારસુધી 939 વિદ્યાર્થીને રોજગારી આપવામાં આવી છે. હજુ પણ આ વર્ષ દરમિયાન પ્રક્રિયા ચાલશે અને આંકડો 1000 પાર જશે.

કોરોનાકાળમાં આર્થિક સંકડામણ વચ્ચે પણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. લોકોના વેપાર-ધંધા થપ થયા છે તથા તેમણે સારા પગારવાળી નોકરીઓ પણ ગુમાવવી પડી છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ વિભાગ દ્વારા કોરોનાકાળમાં પણ અંતિમ વર્ષના અલગ-અલગ સ્ટ્રીમના 939 વિદ્યાર્થીને 1.80 લાખથી 25 લાખના પેકેજની નોકરી અપાવવામાં આવી છે. છેલ્લાં 6 વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10,000 જેટલા વિદ્યાર્થીઓને નોકરી મળી છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

વર્ષ 2017-18માં 309 કંપનીએ 548 નોકરી આપી
ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ વિભાગમાં દર વર્ષે અનેક કંપનીઓ આવે છે અને તેઓ વિદ્યાર્થીને રોજગારીની તક આપે છે. વર્ષ 2016-17માં 585 કંપની દ્વારા 934 નોકરી આપવામાં આવી છે. વર્ષ 2017-18માં 309 કંપનીએ 548 નોકરી આપી છે. વર્ષ 2018-19માં 299 કંપનીએ 1732 નોકરી આપી છે. વર્ષ 2019-20માં 289 કંપનીએ 5578 નોકરી આપી છે. વર્ષ 2020-21માં 141 કંપનીએ 839 નોકરી આપી છે. આ વર્ષે 4 મહિનામાં 50થી વધુ કંપનીઓએ 100 જેટલી નોકરી આપી છે. હજુ આ વર્ષે પ્લેસમેન્ટ ચાલુ જ રહેશે.

ગુજરાત બહાર 5 ટકાને નોકરી અપાવી
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતા પ્લેસમેન્ટમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ MBA, MSC.IT, MCA, કેમિસ્ટ્રી અને જર્નલીઝમ વિભાગના હોય છે. મોટા ભાગની કંપનીઓ ગુજરાતમાં નોકરી આપે છે. 50 ટકા નોકરી અમદાવાદ બહાર અને 5 ટકા નોકરી ગુજરાત બહાર આપવામાં આવે છે. કોરોનાકાળમાં પણ ગુજરાત યુનિવર્સિટીએ ગત માર્ચ-2020થી અત્યારસુધી 939 વિદ્યાર્થીને 1.80 લાખથી 25 લાખ સુધીના વાર્ષિક પેકેજની નોકરી આપી છે.

પ્લેસમેન્ટ વિભાગના ઓફિસર ડો.કિંજલ દેસાઈ
પ્લેસમેન્ટ વિભાગના ઓફિસર ડો.કિંજલ દેસાઈ

4 મહિનામાં 100 વિદ્યાર્થીને નોકરી અપાવી
આ અંગે પ્લેસમેન્ટ વિભાગના ઓફિસર ડો.કિંજલ દેસાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમે દર વર્ષે પ્લેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારી અપાવીએ છીએ. ગુજરાત યુનિવર્સિટી સિવાય અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ અમે નોકરી અપાવીએ છીએ. કોરોનામાં પણ 25 લાખના પેકેજની સરકારી નોકરી માટે વિદ્યાર્થીને તૈયાર કર્યા હતા, જે બાદ ખાનગી બેંકમાં પણ 12 લાખના પેકેજની નોકરી વિદ્યાર્થીને મળી છે. અગાઉ વિદેશમાં પણ વિદ્યાર્થીઓને નોકરી અપાવી છે. આ વર્ષે 4 મહિનામાં 100 વિદ્યાર્થીને નોકરી અપાવી છે, જે પ્રક્રિયા હજુ ચાલશે અને અનેક વિદ્યાર્થીઓને હજુ નોકરી મળશે.

અન્ય સમાચારો પણ છે...