મલ્ટિપ્લેક્સમાં મંદી:દિવાળીના તહેવારોમાં પણ થિયેટરોને 10 ટકા જેટલા દર્શકો મળતાં નથી, વેબ સિરિઝના ટ્રેન્ડને કારણે થિયેટરોના વળતા પાણી

અમદાવાદએક મહિનો પહેલા
  • ગુજરાતમાં હજી સુધી ક્રાઉડ પુલર હિન્દી કે ગુજરાતી ફિલ્મો હજી આવી નથી
  • લોકોને હવે થિયેટરમાં બેસીને ફિલ્મ જોવા કરતાં બહાર ફરવું વધારે ગમે છે
  • થિયેટરની ટિકીટ કરતાં તેની આજુબાજુનો ખર્ચો લોકોને પોસાય તેમ નથી

કોરોના શરૂ થતાં જ સંપૂર્ણ લૉકડાઉન રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કા વાર વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં સિનેમા પણ શરૂ કરાયા હતાં. એ સમયે નવી ફિલ્મ નહીં હોવાથી દર્શકો મળતા નહોતા. પરંતુ હવે સરકારે વધુ છુટછાટો આપી દેતા ફરીવાર સિનેમા શરૂ થયાં છે અને નવી ફિલ્મ પણ રીલિઝ થવા માંડી છે. થિયેટરના સંચાલકો નવી ઓફરો પણ આપી રહ્યાં છે. તે છતાંય સિનેમા હોલમાં માંડ 10 ટકા દર્શકો જોવા મળી રહ્યાં છે. તે ઉપરાંત નવા વર્ષમાં સિનેમામાં સામાન્ય દિવસોમાં ટીકિટો નથી મળતી જ્યારે આ વખતે માંડ 10 ટકા બુકિંગ થયું હોવાનું સિનેમા સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે.

વેબસિરિઝનો ટ્રેન્ડ થિયેટરોને અસર કરી રહ્યો છે
કોરોના સંક્રમણ શરૂ થયું તે પહેલાં થિયેટરમાં તહેવારો અને વિકેન્ડમાં ખૂબ જ ભીડ રહેતી હતી. થિયેટર ફૂલ થઈ જતાં અને ટિકીટોના ભાવ પણ ઉંચા રહેતા હતાં. ત્યારે હવે કોરોનાકાળ બાદ ફરીવાર થિયેટરો શરૂ થયાં ત્યારે ખૂબજ ઓછા લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. એક ફિલ્મ જોવાની ટિકીટોના ભાવ પણ ખૂબજ નીચા રાખવામાં આવ્યાં છે. કોરોનામાં થિયેટરો બંધ રહેતાં લોકોએ ઘરે જ વેબસિરિઝ જોવાનું શરૂ કર્યુ હતું. આ ટ્રેન્ડ હજી વધુ પ્રમાણમાં જામી રહ્યો છે. જેના કારણે થિયેટરને દર્શકો નથી મળતાં.

સિનેમામાં તહેવારના સમયમાં પણ બુકિંગ નથી મળતું ( પ્રતિકાત્મક તસવીર)
સિનેમામાં તહેવારના સમયમાં પણ બુકિંગ નથી મળતું ( પ્રતિકાત્મક તસવીર)

હાલમાં 10 ટકા લોકો જ ફિલ્મ જોવા આવી રહ્યાં છે
એક થિયેટર સંચાલકના જણાવ્યા પ્રમાણે ફરીવાર થિયેટરો શરૂ થતાં ફિલ્મ જોવા માટેની ટિકીટોના ભાવ ખૂબજ ઓછા રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત કેટલીક ઓફરો પણ દર્શકોને આપવામાં આવી રહી છે. તે છતાંય હજી 10 ટકા લોકો જ ફિલ્મ જોવા માટે આવી રહ્યાં છે. તહેવારોના દિવસો હોવા છતાં પણ હજી એડવાન્સ બુકિંગ નથી મળી રહ્યું. કોરોના શરૂ થયો ત્યારથી થિયેટરની આ સ્થિતિ છે. થિયેટરનો મેન્ટેનેન્સ અને માણસો પાછળનો ખર્ચો કાઢવો પણ અઘરો સાબિત થયો છે.

ઓફલાઈન કરતાં ઓનલાઈન બુકિંગ વધુ થયું
વાઈડ એન્ગલ થિયેટરના સંચાલક રાકેશ ભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે હાલમાં અક્ષય કુમારની સૂર્યવંશી ફિલ્મને જોવા ઓનલાઈન ટિકીટોનું સારૂ બુકિંગ મળ્યું છે. બીજી તરફ સીધું બુકિંગ મળવું હાલના સમયમાં ખૂબજ અઘરૂ કામ છે. કારણ કે લોકોને હજી કોરોનાનો ડર છે અને તહેવારો હોવાથી લોકો પોતાના ગામડે જતાં હોવાથી થિયેટરોમાં આવી શકતાં નથી. આવનારા સમયમાં થિયેટરોમાં દર્શકોનો ઘસારો વધે તેવી શક્યતાઓ છે. ધીમે ધીમે દર્શકો થિયેટર તરફ પાછા વળી રહ્યાં છે એવું માની શકાય છે.

લોકો ઘરે જ વેબસિરિઝની ફિલ્મો જુએ છે જેથી થિયેટરો ખાલી રહે છે( પ્રતિકાત્મક તસવીર)
લોકો ઘરે જ વેબસિરિઝની ફિલ્મો જુએ છે જેથી થિયેટરો ખાલી રહે છે( પ્રતિકાત્મક તસવીર)

લોકો હવે ફરવા પાછળ વધુ ખર્ચો કરે છે
ફિલ્મ નિષ્ણાંત કાર્તિકેટ ભટ્ટે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મનોરંજન એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે અને પૈસા ખર્ચીને મનોરંજન માણવું એ તેની છેલ્લી જરૂરિયાત છે. આજે ફિલ્મ જોવા માટે ઘરે જ મોટા ટીવી અને મોબાઈલમાં વેબસિરિઝ જોઈ શકાય છે. હવે ફરી વેપાર ધંધા શરૂ થયાં અને લોકો પાસે આવક આવવા માંડી પણ તે આવક માત્ર લોકડાઉનના ખાડા પૂરવામાં જ વપરાઈ રહી છે. સ્કૂલોની ફી હોય કે, હોસ્પિટલના ખર્ચા હોય તેની પાછળ લોકો ખર્ચો કરી રહ્યાં છે. લોકો બહાર ફરવા જવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. લોકોને ત્રણ કલાક એક ફિલ્મ જોવી હવે અઘરી પડી રહી છે. કારણ કે ફિલ્મની ટિકીટ કરતાં તેની આજુ બાજુના ખર્ચા વધી જતાં હોય છે. જેને લોકો લૂંટ માની રહ્યાં છે.જેની પાસે પૈસા છે તેવા લોકો જ હવે થિયેટરમાં ફિલ્મ જોવા જઈ રહ્યાં છે.

ક્રાઉડ પુલર ગુજરાતી અને હિન્દી ફિલ્મો આવી નથી
ફિલ્મ માર્કેટિંગ એક્સપર્ટ ચેતન ચૌહાણે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યારે જયારે કોરોના લગભગ નહિવત છે તો પણ લોકો હજી સિનેમા ઘરો સુધી પહોંચ્યા નથી. જેનું મુખ્ય કારણ છે કે ગુજરાતમાં કોઈ એવી ક્રાઉડ પુલર ગુજરાતી અને હિન્દી ફિલ્મો આવી નથી. લોકોની અપેક્ષા હવે OTT ની ઉપર છેલ્લા બે વરસ થી જોયેલ ફિલ્મોની સરખામણી એ ખુબ જ વધી ગઇ છે. લોકોની અપેક્ષા દુનિયાભરની ફિલ્મો જોયા પછી હવે વધી ગઇ છે અને જો એ ને અનુરૂપ ફિલ્મો નહી આવે તો કદાચ લોકો આ તમામ સિનેમાની ફિલ્મોને જાકારો આપે. આ નવી મનોરંજનની હહ્યુમન સાયકોલોજીને સમજવી પડશે અને એના ઉપર ક્રિટિકે કામ કરવું પડશે તો જ લોકો આવશે. કદાચ આ પણ એક પ્રોસેસ છે જેમાંથી મનોરંજન ક્ષેત્રે નવી દિશા શોધવી પડશે.

અન્ય સમાચારો પણ છે...